21 કોરોના વોરીયર્સના આશ્રિતોને 50 લાખની સહાય આપી, કુલ 10.50 કરોડ સહાય ચૂકવાઈ

  • March 23, 2021 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડ-19ની પરિસ્થિતિમાં રાજ્યમાં કરાયેલી શ્રેષ્ઠ આરોગ્યલક્ષી કામગીરી અને નિર્ણયો થકી કોરોનાનું સંક્રમણ ઘટાડી શકાયું છે અને નાગરિકોનો જીવ બચાવી શક્યા છીએ. રાજ્ય સરકારે જનહિતલક્ષી લીધેલા વિવિધ પગલાંઓ અંગે સુપ્રિમ કોર્ટ દ્વારા પણ સકારાત્મક નોંધ લઈ અન્ય રાજ્યોમાં ગુજરાત મોડલને અનુસરે છે.

 


વાયરસ દ્વારા ફેલાતા ચેપી રોગો એ માનવ જીવન ઉપર ઘણી મોટી અસરો ભૂતકાળમાં કરેલી છે. જેમ કે, સ્પેનીસફલુ, સાર્સ વાયરસ, બર્ડ ફલુ, સ્વાઇન ફલુ અને હાલના તબકકે કોરોના, જે પણ એક વાયરસથી ફેલાતો રોગ છે. માનવ ઇતિહાસમાં અત્યાર સુધી નોંધાયેલ સૌથી મોટો રોગચાળો એટલે કે સ્પેનીસ ફલુ 1918 થી 1922 સુધીમાં વિશ્વમાં હાહાકાર ફેલાવ્યો હતો. આ રોગમાં એવુ મનાય છે કે વિશ્વમાં અંદાજીત 50 કરોડ વ્યકિતઓ આ રોગથી સંક્રમિત થયા હતા અને અંદાજીત 5 કરોડ મૃત્યુ નોંધાયેલા હતા. ભારતમાં પણ આ રોગથી અંદાજીત 15 કરોડ વ્યકિતઓ સંક્રમિત થયા હતા અને 1.2 થી 1.7 કરોડ મૃત્યુ નોંધાયા હતા. આ રોગના લક્ષણો તાવ આવવો, શરદી થવી, ઉધરસ આવવી અને શ્વસનતંત્રમાં ચેપ લાગવો જેવા હતા. આ સમયગાળામાં આ રોગ માટે કોઇપણ પ્રકારની સારવાર ઉપલબ્ધ ન હતી. જેથી તેના અટકાયત માટે આઇસોલેશન અને કવોરન્ટાઇન એક માત્ર અગત્યનું પાસુ હતુ. તે જ રીતે કોરોના મહામારીને અટકાવવા માટે પણ આ મહામારીની શરૂઆતથી જ રાજ્ય સરકાર દ્વારા મક્કમતાપૂર્વક પગલા ભરવામાં આવી રહ્યા છે.

 


 કોરોના સંક્રમણ અટકાવવા તથા તેને નિયંત્રિત કરવા માટે કુલ- 1351 ધન્વંતરી રથ / એમ્બ્યુલન્સ દ્વારા રાજ્યના વિવિધ સ્થળો ખાતે દૈનિક ધોરણે જરૂરીયાતમંદ વ્યક્તિઓને ઘર આંગણે સારવાર આપવામાં આવી છે.

 


 હાઈરીસ્ક ઝોનમાં કોરોના સંક્રમણના દર્દીના વહેલા નિદાન માટે સર્વેલન્સની કામગીરી અંતર્ગત 104 અને 1100 નંબરની હેલ્પલાઇન, ધનવંતરી રથ તથા આરોગ્ય સેતુના ઉપયોગ થકી શ્રેષ્ઠ એડવાન્સ સર્વેલન્સ કરવામાં આવ્યું છે. આ માટે દરેક ધન્વંતરી રથ દીઠ અંદાજીત 1.50 લાખનો ખર્ચ થયો છે. તે ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં 1200 બેડની અદ્યતન સુવિધા સાથે અધતન સાધનો અને દવા સાથેનો આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

 


સરકારે કોરોના નિયંત્રણ માટે લીધેલા અન્ય પગલાંઓમા રાજ્યની 738 હોસ્પિટલ તેમજ કોવીડ કેર સેન્ટર ખાતે કુલ- 50,459 આઈસોલેશન બેડ કોવીડ-19ના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. કોવીડ-19 ડેજીગ્નેટેડ હોસ્પિટલો ખાતે 5,070 આઈ.સી.યુ. બેડ અને 3,433 વેન્ટીલેટર ઉપલબ્ધ છે. એટલું જ નહિ, રાજયમાં 20 ફેબ્રુઆરી 2020થી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા ખાતે 200 આઇસોલેશન બેડની સુવિધા ઉભી કરવામાં આવી. તે ઉપરાંત સુરત ખાતે સ્ટેમ સેલ અને કિડની હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીની સારવાર માટે વધારાના 1800 બેડની સુવિધા રૂા.100.40 કરોડના ખર્ચે ઉભી કરવામાં આવી. તો બીજી તરફ સૌરાષ્ટ્ર કેન્સર કેર ઇન્સ્ટીટયુટ, રાજકોટ ખાતે કોરોનાના દર્દીની સારવાર માટે વધારાના 100 બેડની સુવિધા રૂા.4.50 કરોડના ખર્ચે ઉભી કરવામાં આવી અને જામનગર ખાતે પણ કોરોનાના દર્દીઓની સારવાર માટે રૂ.2.25 કરોડના ખર્ચે વધારાના 406 બેડની સુવિધા ઉભી કરવામાં આવી.

 


પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામેલ 21 કોરોના વોરીયર્સના આશ્રિતોને પ્રત્યેક વ્યક્તિ દીઠ 50 લાખની સહાય આપવામાં આવી છે જે પેટે કુલ 10 કરોડ 50 લાખ સહાય આપવામાં આવી છે.

 


રાજ્ય સરકાર દ્વારા કોવીડ-19 ના દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ મફત સારવાર મળી રહે તે માટે રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં 50% બેડ આરક્ષિત રાખવા અંગે પણ જનહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો જેનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવ્યો. આ સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પેકેજ તૈયાર કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS