જામનગર: કામદારકોલોની વિસ્તારમાં શ્ર્વાન પર ક્રૂર હુમલો કરનારની અટકાયત
માસુમ પુત્રને બચાવવા લાકડી મારી હોવાનું નિવેદન
જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં નિર્દોષ શ્ર્વાન પર ક્રૂરતાપૂર્વક હુમલો કરવાના બનાવમાં સીટી-સી ડિવિઝન પોલીસે આરોપીની અટકાયત કરી છે. આરોપીની ઓળખ કુલદીપસિંહ જાડેજા તરીકે થઈ છે. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે બનાવના દિવસે તે પોતાના બે વર્ષના પુત્રને લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન કેટલાક શ્વાન તેના પુત્ર તરફ ભસતા અને દોડતા આવ્યા હતા. જેના કારણે તે ઉશ્કેરાઈ ગયો હતો, અને પોતાના હાથમાં રહેલી હોકી સ્ટીક વડે શ્ર્વાનને ફટકાર્યો હોવાનું જણાવ્યું છે.
આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારબાદ પ્રાણીપ્રેમીઓની ફરિયાદના આધારે સીટી-સી ડિવિઝન પોલીસ મથકે પશુ પ્રત્યે ક્રૂરતા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી કેમેરા તેમજ અન્ય પુરાવાના આધારે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. જોકે નોંધાયેલો ગુનો જામીનલાયક હોવાથી પોલીસે આરોપીને કાયદાકીય નોટિસ આપીને મુક્ત કર્યો હતો.