એન્ટિલિયા કેસ: વિસ્ફોટ ભરેલી સ્કોર્પિયો ક્યારેય ચોરાઈ જ ન હતી, સચિન વાઝેએ કર્યો હતો ખેલ!

  • March 17, 2021 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંબાણીના ઘર બહાર જોવા મળેલી સ્કોર્પિયો કાર અને ઈનોવા કારના ડ્રાઈવરની ઓળખ થઈ ગઈ હોવાનો દાવો

 મુકેશ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કાર મળવાના કેસમાં એનઆઈએની તપાસમાં ધરપકડ કરાયેલા મુંબઈ પોલીસની ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝે ઘણા મહત્વના ખુલાસા કરી રહ્યા છે. મળતી જાણકારી મુજબ, જે સ્કોર્પિયો મુકેશ અંબાણીના ઘરની પાસેથી બિનવારસી મળી હતી, તે ક્યારેય ચોરી થઈ જ ન હતી. જ્યારે આ મામલો સામે આવ્યો, ત્યારે એવી થિયેરી પણ સામે આવી હતી કે, આ સ્કોર્પિયો વિક્રોલી વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી અને આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવાઈ હતી.

 


ખોટું બોલીને લીધા સીસીટીવી ફુટેજ
એનઆઈએના સૂત્રોનું માનીએ તો એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે ઓળખાતા સચિન વાઝેએ પોતાના ઘરની બહાર લાગેલા તમામ સીસીટીવીના ફુટેજ પણ ખોટું બોલીને મેળવ્યા હતા. વાઝેએ સોસાયટીની કમિટીને એમ કહ્યું હતું કે, આ ડીવીઆર પોલીસના ઉપયોગની વસ્તુ છે. તેમણે આ ફુટેજ લઈને તેને નષ્ટ કરી દીધા હતા, જેથી તપાસ થાય તો પુરાવા હાથ ન લાગે. એનઆઈએને વાઝેના સહયોગીનો એક લેટર પણ મળ્યો છે. જે તેણે સોસાયટીના ફુટેજ મેળવવા માટે લખ્યો હતો. પત્રમાં વાઝેની સહી પણ છે. પત્રમાં લખાયું છે કે, આ ફોટા એન્ટિલિટી કેસની તપાસ માટે માગવામાં આવી રહ્યા છે.

 


વાઝેએ નષ્ટ કર્યા પુરાવા
સચિન વાઝેને કસ્ટડીમાં લઈને એન્ટિલિયા કેસની તપાસ કરી રહેલી એનઆઈએની ટીમને એ પણ જાણવા મળ્યું છે કે, સચિન વાઝે નંબર પ્લેટ બનાવતી દુકાને ગયા હતા. જ્યાં તેમણે સ્કોર્પિયો અને ઈનોવા માટે નકલી નંબર પ્લેટ બનાવડાવી હતી. ઉલ્લેખનીય છે કે, સ્કોર્પિયો પર એક સ્કૂટરની નંબર પ્લેટનો ઉપયોગ કરાયો હતો. આ મામલે વાઝેના સહયોગી રિયાઝ કાઝીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

 


સ્કોર્પિયો-ઈનોવા કારના ડ્રાઈવરની થઈ ઓળખ
એનઆઈએના સૂત્રોનું માનીએ તો સ્કોર્પિયો અને ઈનોવાના ડ્રાઈવર અંગે માહિતી મળી ગઈ છે. બંને ડ્રાઈવરો પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા હોવાની માહિતી બહાર આવી રહી છે. બંને ડ્રાઈવર સચિન વાઝેના સંપર્કમાં હતા. જાણકારી મુજબ બંને ડ્રાઈવર મુંબઈની ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ) સાથે જોડાયેલા હોવાનું જણાવાઈ રહ્યું છે. એવામાં સવાલ એ ઊભો થાય છે કે, સચિન વાઝેનો ઈરાદો શું હતો? અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર કેમ પાર્ક કરાઈ હતી? કોના કહેવા પર કાર છોડવામાં આવી હતી? આ સવાલોના જવાબ એનઆઈએ સચિન વાઝે પાસેથી મેળવવા ઈચ્છે છે. 24 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 1 કલાકની આસપાસ આ બંને કાર એન્ટિલિયા પાસે આવી હતી. સ્કોર્પિયો પાર્ક કયર્િ બાદ તેનો ડ્રાઈવર ઈનોવા કારમાં બેસીને નીકળી ગયો હતો. એનઆઈએની ટીમની નજર હવે આ બંને ડ્રાઈવરો પર છે. તેમને ટૂંક સમયમાં જ પૂછપરછ માટે બોલાવાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS