બિગબોસના ઘરમાં રહેલ પ્રાણીઓ

  • December 06, 2023 01:10 PM 

સવારમાં આઠ વાગ્યામાં ટીવી ચાલું કરો અને મસ્ત મજાનુ સુંદર રાચરચીલા વાળુ તમામ અધ્યતન સુવિધાઓ અને ભૌતિક સગવડો અને તમામ જીવન જરૂરીયાતની વસ્તુઓથી તરબતર થઇ ગયેલું રૂપકડું  મોટુ મસ્સ ઘર જોવાં મળે. અને જૂના જમાનાની ગાયિકાઓનો હોતો એવો ભારે ભરખમ અવાજ આવે કે ’દિન પૈતાલિસ, સુબહ ચાર બજે’ આવું સાંભળવા મળે એટલે તરત ખબર પડે કે આ બીગ બોસ ચાલે છે. હજુ અધકચરા સેલિબ્રીટી જ બન્યા હોય, સારાં રોલની રાહ જોતાં જોતાં માથામાં હવે ટાલ પડવાં માંડી હોય, અને બધી રીતે પૂરાં હોય, બસ અભિનયમાં થોડાં નબળા હોય એવાં અધકચરા અભિનયકારો પણ કચરા જેવાં સ્વભાવના માણસોને એમાં દોઢ - બે મહિના રાખ્યા હોય છે. એ દોઢ મહિનામાં પૃથ્વિ પર કરમાયેલા છોડ ને બળી ગયેલાં ઝાડ ફરીથી નવપલ્લવિત થઇ જતાં હોય છે. આ દસ બાર લોકો એ ઘરમાં હોય છે એટલાં દિવસો દૂનિયામાં ક્રાઇમ રેટ ઘટી જાય છે. પણ જો બીગ બોસ દસ મિનીટ પણ જોવાય જાય ને તો અર્ધી દૂનિયાના અપશબ્દો વગર ક્લાસ કર્યે આવડવાં માંડે. બીગબોસના ઘરમાં સો વર્ષ જૂના ઝાડના થડ જેટલાં જાડા અવાજ  વાળાનુ એવાઉન્સમેન્ટ થાય કે ’બાઇસવાં દિન રાત કો તીન બજે’ એટલે આપણને ખબર પડી જાય કે અર્ધી દૂનિયાના કુતરા ચોકીપહેરો કરીને સુઇ ગયાં હોય પણ આ ઘરમાં કોઇક તો જાગતું જ હોય છે. એ લોકોને રાત દિવસ જેવાં કોઇ ફર્ક જ હોતાં નથી. ખૂણે ખાંચકે બે, મોટા ભાગે એક છોકરો ને એક છોકરી જ હોય, એ ઘુસપુસ કરતાં જ હોય. વાતમાં દમ એટલો જ હોય છે જેટલો રસ્તામાં શાકભાજી વેચવાવાળો નીકળ્યો હોય ને એ શાકભાજી લેતાં દસ મિનીટ થાય તો એ દસ મિનીટમાં પણ બે સ્ત્રીઓ જે વાતો કરે એનુ મહત્વ હોય એટલું. આ ને આ વાતો પાછો એ છોકરો બિગબોસની સિઝન પૂરી થાય ત્યાં સુધીમાં બીજી ચાર છોકરીઓ સાથે કરે અને એ છોકરી પણ બીજા પાંચ સાથે એ જ વાતો કરતી હોય છે. વહેલી સવારે આવી વાતો ચાલતી હોય પછી જેમ જેમ દિવસ ઉગતો જાય એમ એમ વાતોના ટોન અને જે તે સિઝનના ઘરમાં અંદર રહેલાના મગજ પણ ખૂલતા જાય છે.


ઇક્કીસવા દિન, સુબહ ચાર બજે.
વ્યક્તિ એક: મે તને કહ્યું ને કે મારે એની સાથે કાંઇ નથી. તો પણ તું કેમ શંકા કર્યે છે, સ્વિટુ ! હા, તારી વાત સાચી જ છે કે પહેલાં અમે બન્ને થોડાં એકબીજાથી નજીક હતાં. પણ હવે તારાં સમ, જૂનુ બધું હું ભૂલી ગયો છું. હવે મારી લાઇફમાં બસ તું એક જ છે.
વ્યક્તિ બે:  મે તને કાલે એની નજર સામે જ કહ્યું હતું ને આમ જ છે. પણ તું માનવા જ ક્યાંક દે છે ! મે તને એની સાથે વાત કરતાં જોયો જ હતો તને કાલે ! પણ તું સાચું બોલ ને જાનુ, તું સાચે જ એની સાથે એંગેજ્ડ નથી ને ???
વ્યક્તિ એક: અરે ના હવે બેબી, હું તને એકને જ ઓળખું છું. બાકી મને દૂનિયામાં નવ્વાણુ પોઇન્ટ નેવું ટકાને હું ઓળખતો જ નથી તો પછી કોઇ સવાલ જ નથી.
બાઇસવા દિન, સુબહ દસ બજે. એ જ બન્ને વ્યક્તિઓ.
વ્યક્તિ એક: અરે પણ આજે સવારે તો આપણે વાત થઇ કે અમારે એવું કાંઇ નથી તો પણ તું આખો દિવસ મો અને નાક ફુલાઇને ફરે તો એવું કેટલું યોગ્ય લાગે !
વ્યક્તિ બે: પણ મે તને કહ્યું હતું કે તું એની સાથે વાત કરતો નહી તો તે એની સાથે વાત કરી જ કેમ ??? તારાંથી એની સાથે વાત જ કેમ થાય?
વ્યક્તિ એક: પણ બેબી, એ મારી ફ્રેંડ છે. અમે તો બિગબોસમાં આવ્યાં એ પહેલાં પણ ઓળખતા જ હતાં ને ! તો હું વાત તો કરૂં જ ને એની સાથે.
વ્યક્તિ બે: તમે બન્ને આ પહેલાં ઓળખતા હતાં એમ નહી, હું તમને બન્નેને ઓળખી ગઇ છું. તમને એમ લાગતું હોય ને કે મને કંઇ ખબર નથી અથવા તો કંઇ ખબર નથી પડતી તો ભૂલ ખાવ છો હો ! હું આંધળી નથી.
વ્યક્તિ એક: પણ સોના, સવારે તો આપણે આ વાતની ચોખવટ થઇ ગઇ. હવે ફરી શું છે ???
વ્યક્તિ બે: ના ના, સવારે આપણે વાત થઇ એટલે તું શું એમ સમજે છે કે હું માની ગઇ ??
વ્યક્તિ એક: પણ સવારે આપણે જે વાત થઇ એ કાંઇ તને મનાવવાની વાત થોડી હતી ? એ તો સાચી જ વાત હતી !
ઇક્કીસવા દિન, દોપહર દો બજે. એ જ બન્ને વ્યક્તિઓ સાથે એક નવી વ્યક્તિ.
વ્યક્તિ બે (વ્યક્તિ ત્રણને): મે તને કહ્યું ને હું જમવાનુ નહી બનાવું. બાકી બધું તો બહું આવડે છે. તો જમવાનુ બનાવતા પણ શીખી જા. આમ તો બધાંની બહું ખબર હોય છે કે ક્યાં કંઇ ખીચડી રંધાણી, તો પછી ખીચડી બનાવતા ય આવડવું જોઇએ ને ! તને શું એમ હતું કે હું આ મેટરને એમ ને એમ જવાં દઇશ એમ ! તો તું ખાંડ ખાય છે હો ! યાદ રાખજે આ વખતે તારો પનારો ફલાણા કે ઢીકણા જેવાં ઢીલા પોચા સાથે નથી પડ્યો. આ વખતે સામે હું છું એટલે તારી હોય એટલી હવા કાઢી નાખજે.
વ્યક્તિ ત્રણ: આઇ ડોન્ટ કેર વ્હોટ આર યુ થિંકીંગ અબાઉટ. હું તો મારાં કામથી કામ રાખું છું. એ તો મારો ચાઇલ્ડહુડ ફ્રેંડ છે તો અમે વાતો તો કરીએ ને !
વ્યક્તિ બે: હવે વાતોની સગી થતી હાલતીની થા ને ! તારી આવી સુફીયાણી વાતોમાં તું બીજા કોઇને લેજે. મને નહી. તારે મારી સાથે ઝગડવુ જ છે ને ! તો ચાલ આવી જા. આઇ એમ ઓલ્વેઝ રેડી ટુ ફાઇટ. ચાલ ચાલ. ચાલ ને, હવે રાહ કોની જૂએ છે ? ચાલ આવી જા.
વ્યક્તિ ત્રણ: ઓહ ગોડ.... પ્લિઝ સેવ અસ.
વ્યક્તિ એક: ડાર્લિંગ, રિયલી અમે બન્ને એકબીજાના ફક્ત મિત્રો જ છીએ, બીજું કાંઇ........
વ્યક્તિ બે: શટ અપ !!!
ઇક્કીસવા દિન, શામ સાત બજે. એ જ બન્ને લોકો.
વ્યક્તિ બે: અરે સાલાઓ, નફ્ફટ, નુગરાઓ, નાલાયકો આજે તમારી બન્નેની ખેર નથી. મને ઉલ્લુ બનાવો છો એમ ! આજ તો ફેસલો થઇ જશે કાં પેલી વાંદરી નહી ને કાં હું નહી. આજ તો ખરાખરીનો ખેલ થશે. આજે અહીયાં ત્રીજુ વિશ્વયુધ્ધ શરૂં થવાના ભણકારા લાગવાં માંડશે. કોની મા એ સવા શેર સુંઠ ખાધી છે આવી જાવ ચલો. આજ હું નહી છોડું, આજ હું કોઇને નહી છોડું! આજ તો કોઇ બોલતાં જ નહી મારી સામે ! આજે જંગ જામશે. આજે કાં આ પાર ને કાં પેલે પાર !
વ્યક્તિ એક: પ.....
વ્યક્તિ બે: ચુઉઉઉઉઉઉઉઉપપપપપપપપ
વ્યક્તિ ત્રણ: હ........
વ્યક્તિ બે: ચુઉઉઉઉઉઉઉઉપપપપપપપપ
બાઇસવા દિન, સુબહ તીન બજે. એ જ બન્ને લોકો.
વ્યક્તિ એક: મે તને કહ્યું ને કે મારે એની સાથે કાંઇ નથી. તો પણ તું કેમ શંકા કર્યે છે, સ્વિટુ ! હા, તારી વાત સાચી જ છે કે પહેલાં અમે બન્ને થોડાં એકબીજાથી નજીક હતાં. પણ હવે તારાં સમ, જૂનુ બધું હું ભૂલી ગયો છું. હવે મારી લાઇફમાં બસ તું એક જ છે.
વ્યક્તિ બે: યસ યસ ડાર્લિંગ. આઇ એમ સો સોરી. યુ આર રાઇટ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application