રાજકોટ પંથકમાં ભારે વરસાદથી ૭ પશુના મોત: મકાનોમાં પાણી ઘૂસ્યા

  • July 26, 2021 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હડમતીયા નજીક નાલામાં કાર તણાઇ ગઈ: હડમતીયા બેડી, ખોરાણા, રાજગઢ, જાળિયા સહિતના અનેક ગામોમાં ૬થી ૮ ઈંચ વરસાદ

 


રાજકોટ તાલુકાના કાગદડી, ખોરાણા, હડમતીયા (બેડી), રાજગઢ, જાળિયા સહિતના અનેક ગામોમાં ગઈકાલે સાંજે તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ ત્રાટકયો હતો. મોટાભાગના ગામોમાં સરેરાશ ૬થી ૮ ઈંચ પાણી પડતા નિચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને સાત જેટલા પશુઓના મૃત્યુ થયા હોવાનું સત્તાવાર સાધનો જણાવી રહ્યા છે.

 


ગઈકાલે સાંજે ૪થી ૬ વાગ્યા દરમિયાન એકાએક વરસાદનું જોર વધી ગયું હતું અને ભારે વરસાદને કારણે ગામમાં અનેક સ્થળોએ પાણી ભરાયાની અને ભારે નુકસાનની ભીતિ વ્યકત કરવામાં આવતા તાલુકા મામલતદાર કે.એમ. કથીરિયા, સર્કલ ઓફિસર વિજયભાઈ વસાણી અને તલાટી સહિતના અધિકારીઓ, કર્મચારીઓની ટીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટને સાથે રાખીને ગામોમાં પહોંચી ગઈ હતી. સાત પશુઓના મૃત્યુ થયા છે. ૮થી ૧૦ જેટલા વીજળીના થાંભલા પડી ગયા છે અને ૧૫ જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.નદીમાં ધસમસતો પ્રવાહ ચાલુ થઈ જતાં લોકોમાં ગભરાટની લાગણી ફેલાવા લાગી હતી. મામલતદાર સહિતની ટીમ ગામમાં પહોંચી ગઈ હતી. હડમતીયા (બેડી) નજીક પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે નાલામાં મોટરકાર ફસાઈ ગઈ હતી.

 

 

આ બાબતની જાણ ગ્રામજનોને થતા મોટરમાં ફસાયેલા લોકોને રેસ્કયુ કરીને સલામત રીતે બહાર કાઢયા હતા. જો કે મોટર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. મામલતદાર કથીરિયા અને તલાટીએ પોતાનો રિપોર્ટ ડિઝાસ્ટર કન્ટ્રોલને રજૂ કરી દીધો છે અને તેમાં જણાવાયા મુજબ સ્થળાંતરની કોઈ જ પ્રક્રિયા કરવાની જરૂર પડી નથી. લોકોને ફડ પેકેટ પણ આપવાની જરૂરિયાત ઉભી થઈ નથી. વરસાદનું જોર ઓછું થતા અને નદીમાં પાણી ઓસરતા ધીમે ધીમે પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ રહી છે. ભારે વરસાદને કારણે ગઈકાલે આ તમામ ગામડાંઓમાં કેટલું નુકસાન થયું છે તેનો આજે સર્વે હાથ ધરવામાં આવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS