ભાણવડ : એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટે એક જ દિવસમાં સાત અબોલ જીવોને આપ્યું નવજીવન
ભાણવડમાં માનવતાની મહેક : હાઈડ્રોલિક એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ બની
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં અબોલ જીવોની સેવા કાજે રાત-દિવસ કાર્યરત એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ટ્રસ્ટની ટીમે પોતાની સતર્કતા અને આધુનિક સાધનોના સમન્વયથી માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં કુલ સાત જેટલા અબોલ જીવોના જીવ બચાવી તેમને મોતના મુખમાંથી બહાર કાઢ્યા છે. આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનમાં ટ્રસ્ટની હાઈડ્રોલિક એમ્બ્યુલન્સ પશુઓ માટે સાચા અર્થમાં સંજીવની સમાન સાબિત થઈ હતી.
આ સેવાકીય પ્રવૃત્તિની વિગતો મુજબ, ભાણવડના મફતિયા પરા વિસ્તારમાં એક ગાય અચાનક ઊંડા કૂવામાં ખાબકી હતી. આ અંગેની જાણ થતા જ ટ્રસ્ટના સ્વયંસેવકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ ગાયને સલામત રીતે બહાર કાઢી હતી. આવો જ બીજો બનાવ રૂપામોરા વાડી વિસ્તારમાં સામે આવ્યો હતો, જ્યાં એક બિલાડી છેલ્લા ચાર દિવસથી કૂવામાં પડી ગઈ હતી અને ભૂખ-તરસ સાથે મોત સામે ઝઝૂમી રહી હતી. ટીમે અત્યંત સાવચેતીપૂર્વક બિલાડીનું પણ સફળ રેસ્ક્યુ કર્યું હતું. પશુઓ ઉપરાંત પક્ષીઓ અને સરીસૃપોની સુરક્ષા માટે પણ ટ્રસ્ટ એટલું જ કાર્યરત રહ્યું હતું. ગડુ ગામ પાસેથી એક ઘાયલ અવસ્થામાં મળી આવેલા રાષ્ટ્રીય પક્ષી મોરની સારવાર કરી તેને સુરક્ષિત કરાયો હતો, જ્યારે રહેણાંક વિસ્તારોમાંથી ચાર જેટલા ઝેરી સાપને પકડી વગડામાં મુક્ત કરી પર્યાવરણ અને માનવજાત બંનેનું રક્ષણ કર્યું હતું.
આ સમગ્ર કામગીરીમાં ટ્રસ્ટ પાસે રહેલી આધુનિક હાઈડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સની ભૂમિકા અત્યંત મહત્વની રહી હતી. અગાઉ કૂવામાં પડેલા ભારેખમ પશુઓને બહાર કાઢતી વખતે તેમને ઈજા થવાની શક્યતા રહેતી હતી, પરંતુ હાઈડ્રોલિક સિસ્ટમની મદદથી હવે પશુઓને કોઈ પણ જાતની તકલીફ વગર હેમખેમ બહાર કાઢી શકાય છે. આ સેવા યજ્ઞમાં અશોકભાઈ ભટ્ટ, હરીશભાઈ વાઘેલા, લક્ષેશભાઈ વાણીયા, વિશાલ ભરવાડ અને રામભાઈ ભરવાડ સહિતના સેવાભાવી યુવાનોએ જહેમત ઉઠાવી હતી. ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની આ નિ:સ્વાર્થ કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.