સરકારનું માનતા નહિઁ એ તો કીધા કરે... 2 રૂપિયાના માસ્કનું પુછતાં રાજકોટના અમુલ પાર્લરના માલિકોએ કેવા આપ્યા જવાબ વાંચો અહેવાલ

  • August 01, 2020 04:37 PM 6813 views

 

માસ્ક એ લોકો માટે આજે એક જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. માસ્ક પહેરવાથી કોરોનાના સંક્રમણથી બચી શકાય છે. તેમ છ્તાં પણ અમુક લોકો કોરોનાની ગંભીરતા સમજતા નથી અને માસ્ક પહેર્યા વગર આટાફેરા કરતા નજરે પડતાં હોય છે. કેટલાક લોકોના બહાના હોય છે  કે માસ્ક લેવા પોસાય તેમ નથી જેને લઈને સરકારે અમુલ પાર્લર પરથી લોકોને ફક્ત 2 રૂપિયામાં માસ્ક મળશે તેવી જાહેરાત પણ કરી હતી.

 

1 ઓગસ્ટથી અનલોક 3ની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં આજકાલ દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું અને શું ખરેખર અમુલ પાર્લર પરથી સરકારની જાહેરાત અનુસાર ફકત 2 રૂપિયામાં માસ્ક મળે છે ? આ જાહેરાતની ખરાઈ કરવામાં આવી ત્યારે શું જાણવા મળ્યું તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.

 

  1. પોલીસ કમિશ્નર કચેરી બાજુમાં આવેલું અમુલ પાર્લર

 

રિપોર્ટર : 2 રૂપિયાવાળા માસ્ક આવી ગયા છે ?

અમુલ પાર્લર : 40 રૂપિયા વાળા માસ્ક છે.

રિપોર્ટર : આજથી આવવાના હતા ને ?

અમુલ પાર્લર : આ લોકોનું (સરકારનું) માનતા નહિઁ એ તો કીધા કરે. ગયા વખતે 5 રૂપિયા વાળા માસ્ક પણ 2 વખત કીધું ત્યારે આવ્યા.

રિપોર્ટર : તો હજી આવ્યા જ નથી માસ્ક ?

અમુલ પાર્લર : N95 છે.

રિપોર્ટર : તો આવશે ક્યારે ?

અમુલ પાર્લર : કઈ નક્કી નથી. આવે તો અમને વેંચવામાં શું વાંધો હોય ?

 

2. ઇન્દિરા સર્કલ પાસે આવેલું અમુલ પાર્લર

 

રિપોર્ટર : 2 રૂપિયા વાળા માસ્ક આવી ગયા છે ?

અમુલ પાર્લર : 2 રૂપિયા વાળા નથી આવ્યા. 5 રૂપિયાના 2 માસ્ક મળશે.

રિપોર્ટર : તમારે ત્યાં જ નથી આવ્યા કે પછી એક પણ અમુલ પાર્લરમાં નથી આવ્યા ?

અમુલ પાર્લર : અમારે ત્યાં જ નથી આવ્યા.

 

3. કોટેચા ચોકથી ઇન્દિરા સર્કલ જવાના રસ્તે આવેલું અમુલ પાર્લર

 

રિપોર્ટર : માસ્ક હશે ?

અમુલ પાર્લર : ના, નથી.

રિપોર્ટર : આજથી 2 રૂપિયા વાળા માસ્ક અમુલ પાર્લર પરથી મળવાના હતા ને ?

અમુલ પાર્લર : એમ ના આવે, વાર લાગે. 2 રૂપિયા વાળા માસ્કનું હજી તો કહે છે, આવતા વાર લાગે.

રિપોર્ટર : ન્યૂઝ પેપરમાં તો આવ્યું હતું કે આજથી લોકોને 2 રૂપિયાના માસ્ક મળશે.

અમુલ પાર્લર : એવું તો આ પહેલા પણ કીધું હતું ત્યારે પણ 15 દિવસ મોડા આવ્યા હતા.

રિપોર્ટર : તો અંદાજે આવશે ક્યારે ?

અમુલ પાર્લર : 10 દિવસ તો ગણવાના જ.

 

 

આજકાલ દ્વારા કરવામાં આવેલા આ રિયાલીટી ચેકમાં જાણવા મળ્યું કે, રાજકોટના દિવસ રાત ધમધમતા હોય તેવા વિસ્તારના અમુલ પાર્લરમાં હજી સુધી 2 રૂપિયા વાળા માસ્ક આવ્યા જ નથી અને અમુલ પાર્લરના ધારકોને માસ્ક ક્યારે આવશે એ ખબર પણ નથી. અનલોક 3ની શરૂઆતની સાથે માસ્ક ન પહેરનારનો દંડ રૂ.200 થી વધારીને રૂ.500 તો કરી દેવાયો છે પણ સરકાર દ્વારા લોકોને ફકત 2 રૂપિયામાં માસ્ક આપવાની કરવામાં આવેલી જાહેરાતની અમલવારીનું કોઈ જ ઠેકાણું નથી...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application