ફિલ્મમાં અમિતાભ પોતાના ઘરના કપડામાં જોવા મળશે, જાણો શું છે કારણ

  • February 14, 2020 10:53 AM 7 views

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે પણ ફિલ્મોમાં એકિટવ જોવા મળે છે. હવે તેઓ પોતાની પહેલી મરાઠી ફિલ્મ કરવા જઈ રહ્યા છે. તેઓ એબી આણિ સીડી ફિલ્મમાં એકટર વિક્રમ ગોખલેની સાથે જોવા મળશે. આ ફિલ્મ અત્યારથી ચર્ચામાં છે અને આ ફિલ્મના નિર્માતા અક્ષય બારદાપુરકરે ફિલ્મ સાથે જોડાયેલા કેટલાંક રસપ્રદ કિસ્સા શેર કર્યા છે.

 

આ ફિલ્મના પ્રોડ્યુસરે જણાવ્યું કે ફિલ્મમાં પોતાના પાત્ર માટે અમિતાભ બચ્ચને ફિલ્મમેકર્સ પાસે કપડા માગ્યા નહીં અને જાતે જ કપડાની વ્યવસ્થા કરી. ફિલ્મના મેકર્સે અમિતાભ બચ્ચનને પૂછયું હતું કે તેમના કપડાનું માપ લેવા માટે દરજી કયારે આવી શકે? તો આ સવાલ પર અમિતાભ બચ્ચને કહ્યું કે તમે ચિંતા કરશો નહીં, હું મારા ઘરેથી કપડા લેતો આવીશ. શૂટિંગના દિવસે જ્યારે અમિતાભ બચ્ચન આવ્યા ત્યારે તેમની વેનિટી વાનમાં ૨૦ કપડા હતા. પછી બચ્ચને ફિલ્મના મેકર્સને પૂછયું કે તમે મને જણાવો કે શૂટિંગ મુજબ મારે કયા કપડા પહેરવા જોઈએ. કારણકે મરાઠી ફિલ્મોનું બજેટ હિન્દી ફિલ્મો કરતા ઓછું હોય છે એટલે અમિતાભ બચ્ચને પોતાના કપડાની વ્યવસ્થા જાતે કરી. અમિતાભ બચ્ચનની મરાઠી ભાષા પર સારી પકડ છે તેમ છતા તે ડિરેકટરને પૂછતા હતા કે બધું યોગ્ય છે ને? સીનમાં થોડો પણ પ્રોબ્લેમ હોય તો તેઓ રિટેક કરતા હતા. અમિતાભ બચ્ચને આ ફિલ્મનું ડબિંગ જાતે કયુ. ડિરેકટર મિલિંદ લેલેની આ ફિલ્મ તારીખ 13 માર્ચના દિવસે રિલીઝ થશે