રાજકોટની 'અંબા' ઇટલીની નાગરિક બનશે

  • June 08, 2021 06:16 PM 

સવા વર્ષ પહેલા મહિકા–ઠેબચડા પાસે લોહીલુહાણ અને તરછોડાયેલી હાલતમાં મળી આવેલી બાળકીને ઇટલીના દંપતીએ દત્તક લીધી: ત્રણ મહિના પછી મમ્મી–પપ્પાને મળશે: કાઠિયાવાડ બાલાશ્રમમાં એક વર્ષથી રહેતી 'અંબા' હવે સંપૂર્ણ સ્વસ્થ

 


દુનિયાભરમાંથી જેના શ્ર્વાસ માટે પ્રાર્થનાઓ અને દુઆઓ થઇ રહી હતી તે રાજકોટની 'અંબા' ટૂંક સમયમાં ઇટલી પહોંચશે. સવા વર્ષ પૂર્વે રાજકોટની ભાગોળે મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે નિર્દયી રીતે જનેતાએ તરછોડાયેલી દીકરી 'અંબા' લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી 'અંબા'ને નવજીવન મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીથી લઇ વિશ્ર્વભરમાંથી આ લાડકવાયી દીકરી માટે ઇશ્ર્વર સમક્ષ પ્રાર્થના થતી હતી અને તેને બચાવવાના ખર્ચ માટે સહાયનો ધોધ પણ વહ્યો હતો. મહિનાઓની લાંબી સારવાર બાદ ને બચાવી લેવાઇ હતી. ત્રણ મહિનાની અંબાને કાઠીયાવાડ બાલાશ્રમમાં મોકલવામાં આવી હતી.

 


સૌ કોઇની લાડકવાયી આ ને માતાની મમતા અને પિતાનો પ્રેમ મળશે. છેલ્લા એક વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોના સ્નેહ સાથે ઉછરેલી 'અંબા' હવે સંપૂર્ણ સ્વસ્થ છે. થોડા સમય પહેલા તેની દત્તકવિધિ માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં ઇટલીના એક દંપતીએ અંબાને દત્તક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને હવે ત્રણ મહિનામાં આ બાળકી ઇટલી પહોંચશે.

 


કાઠિયાવાડ બાલાશ્રમના પ્રમુખ હરેશભાઇ વોરાએ જણાવ્યું હતું કે, કારા (સી.એ.આર.એ.) દ્રારા સ્પેશિયલ નિડસની કેટેગરીમાં 'અંબા'ને મુકવામાં આવી હતી. થોડા સમયથી ચાલતી દત્તક લેવાની કાર્યવાહી પુરી થઇ ચૂકી છે અને આપણી આ વ્હાલસોયી દીકરીને પરિવાર મળશે. ઇટલીની એક હોસ્પિટલમાં વર્ષેાથી નર્સ તરીકે ફરજ બજાવતા પ્લેન્ક કેટરિન અને ગુંથર નામના દંપતીની 'અંબા' દીકરી બનશે. ખુશીની વાત એ છે કે આ કપલે અગાઉ પણ ભારતમાંથી જ એક બાળક દત્તક લીધેલું છે અને હવે 'અંબા' તેનું બીજું સંતાન બનશે.

 


કાઠિયાવાડ બાલાશ્રમના સુપ્રિટેન્ડેન્ટ પ્રભાબેન ભેંસદડિયાએ જણાવ્યું હતું કે, ત્રણ મહિનાની લાંબી સારવાર બાદ હોસ્પિટલમાંથી જયારે અંબાને લઇ આવવામાં આવી હતી ત્યારે 'અંબા' શારીરિક અને માનસિક રીતે નબળી હતી. અત્યારે સવા વર્ષની આ બાળકી થઇ છે અને હવે નિરોગી અને સ્વસ્થ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કાઠિયાવાડ બાલાશ્રમના ૩૫૦ જેટલા બાળકો વિદેશ પહોંચ્યા છે.

 

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 'અંબા'નું નામકરણ કયુ છે
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ બાળકીનું નામ રાખ્યું છે. 'અંબા' નામ આપનાર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અવાર નવાર હોસ્પિલમાં બાળકીની હાલત જોવા જતાં અને જયારે કાઠિયાવાડ બાલાશ્રમમાં 'અંબા'ને લાવવામાં આવી ત્યારે પણ હજુ અંબાને રમાડવા આવે છે.

 


નિર્દયી જનેતાએ તરછોડેલી 'અંબા' ઉજવળ ભવિષ્ય તરફ
નિર્દયી જનેતાએ તરછોડેલી 'અંબા'ને સમગ્ર દુનિયામાંથી સ્નેહ મળ્યો છે જેના જીવન માટે ઠેરઠેરથી પ્રાર્થનાઓ થઇ હતી એ 'અંબા'નું ભવિષ્ય હવે ઉજવળ બનવા જઇ રહ્યું છે. મીઠું મધુને મીઠાં મેહુલા'રે લોલ જનનીની જોડ સખી નહી જડે રે લોલ...એક માતા પોતાના સંતાન માટે તેનો જીવ આપતા અચકાતી નથી ત્યારે સવા વર્ષ પહેલા રાજકોટ નજીક આ બાળકીને માતાએ મરવા છોડી દીધી હતી. જયારે મહિકા નજીક મળી આવી ત્યારે બાળકીને કુતરાંઓએ ફાડી ખાધી હતી, પર રામ રાખે તેને કોણ ચાખે તેમ બાળકીને બચાવવા મુખ્યમંત્રી રૂપાણી, કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત તબીબોએ પ્રયાસો કર્યા હતાં અને ત્રણ મહિનાની સારવાર બાદ 'અંબા'ને નવજીવન મળ્યું છે.

 

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હૃદય પણ 'અંબા'ને જોઇને પીગળી ગયું હતું
રાજકોટમાં અંબે માતા જેવી મુર્તિની પ્રાણ પ્રતિા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા ત્યારે તેમને સમય ન હોવા છતાં પણ તેઓ અમૃતા હોસ્પિટલ ખાતે 'અંબા'ને મળવા ગયા હતાં. 'અંબા'ની હાલત જોઇને તેમનું હૃદય પણ પીગળી ગયું હતું અને કહ્યું હતું કે, હું સાક્ષાત મા અંબાને મળ્યો છું. આ માસુમ બાળાને બચાવવા ગમે તેટલો ખર્ચ થાય તો પણ અચકાશું નહીં તેવું તબીબોને જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS