BREAKING NEWS

આઈ.ટી.આઈ. જામનગર દ્વારા તેજસ્વી ભૂતપૂર્વ તાલીમાર્થીઓનું સન્માન કરાશે: એલ્યુમની મીટ ૨૦૨૬ અંતર્ગત ઓનલાઈન નામાંકન શરૂ

  • July 03, 2026 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈ.ટી.આઈ. જામનગર દ્વારા તેજસ્વી ભૂતપૂર્વ તાલીમાર્થીઓનું સન્માન કરાશે: એલ્યુમની મીટ ૨૦૨૬ અંતર્ગત ઓનલાઈન નામાંકન શરૂ

યુવાનોમાં કૌશલ્ય અને સ્કીલ પ્રત્યે અભિરુચિ વધારવા માટે સંસ્થાનો પ્રેરણાદાયી પ્રકલ્પ; આગામી ૧૩ જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે

જામનગર તા.૦૩, વર્ષ ૧૯૫૭થી જામનગરના યુવાનોમાં અવિરત કૌશલ્ય નિર્માણ કરી કુશળ કારીગરો તૈયાર કરતી પ્રતિષ્ઠિત સંસ્થા આઈ.ટી.આઈ. જામનગર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સંસ્થામાંથી ભૂતકાળમાં કોઈપણ કોર્સ પૂર્ણ કરી પાસ આઉટ થયેલા અને ત્યારબાદ પોતાની કુશળતા થકી વિશેષ તેમજ ઉજ્વળ કારકિર્દી બનાવી સંસ્થાનું ગૌરવ વધાર્યું હોય તેવા તેજસ્વી તાલીમાર્થીઓનો સન્માન સમારોહ તથા 'એલ્યુમની મીટ ૨૦૨૬' ટૂંક સમયમાં યોજાશે.

ગત વર્ષની સફળતાને જાળવી રાખીને આ વર્ષે પણ યોજાનારા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન પેઢીના યુવાનોમાં ટેકનિકલ કૌશલ્ય અને સ્કીલ ડેવલપમેન્ટ પ્રત્યે અભિરુચિ વધારવાનો તથા તેમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડવાનો છે. આ સન્માન સમારોહ અંતર્ગત સંસ્થાના ગૌરવ સમાન ભૂતપૂર્વ તાલીમાર્થીઓનું વિવિધ કેટેગરીમાં બહુમાન કરવામાં આવશે.

આ સન્માન પ્રક્રિયાના ભાગરૂપે સંસ્થા દ્વારા ઓનલાઈન નામાંકન મંગાવવામાં આવ્યા છે. આઈ.ટી.આઈ. જામનગરના જે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આમાં ભાગ લેવા ઈચ્છતા હોય, તેઓ ઓફિશિયલ ગુગલ ફોર્મ લિંક https://forms.gle/HMrZVEXAvm1b1ttP6 પર જઈને પોતાની કારકિર્દીને લગતી સંપૂર્ણ વિગતો આગામી તા. ૧૩/૦૭/૨૦૨૬ સુધીમાં સબમિટ કરી શકશે.

​​​​​​​આ સન્માન કાર્યક્રમની ચોક્કસ તારીખ, સ્થળ અને કાર્યક્રમની વિગતવાર રૂપરેખા સંસ્થા દ્વારા આધિકારિક રીતે હવે પછીથી જાહેર કરવામાં આવશે તેમ આચાર્યશ્રી આઈ.ટી.આઈ. દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application