જામનગર: ધ્રોલના પેટ્રોલ પંપના ઇન્ચાર્જ મેનેજર સામે ૧૪.૦૬ લાખની ઉચાપત કર્યાની ફરીયાદ
રજા દરમિયાન સોંપાયેલા વહીવટમાં ગેરરીતિનો આરોપ
ધ્રોલ-જોડીયા રોડ પર આવેલા જય દ્વારકાધીશ પેટ્રોલિયમ પેટ્રોલ પંપમાં ૧૪,૦૬ લાખની ઉચાપત ઇન્ચાર્જ મેનેજરે કર્યાની વિગતો સામે આવતા અને આ રકમની માંગણી કરતા ધમકી દેવામાં આવતા મામલો પોલીસ મથકે લઇ જવામાં આવ્યો છે. જયાં ચાર્જમાં રહેતા ધ્રોલ રહેતા મેનેજર સામે વિધિવત ફરીયાદ કરવામાં આવી છે.
ધ્રોલના જોડીયા નાકા અંદર સતવારાના ચોરા પાસે રહેતા પેટ્રોલ પંપના ભાગીદાર કેતનભાઈ લાલજીભાઈ પરમારે પંપના ઇન્ચાર્જ મેનેજર - કર્મચારી દાઉદશા અનવરશા શાહમદાર (રહે. ચામુંડા પ્લોટ, ધ્રોલ) સામે વિશ્વાસઘાત અને ધમકી આપ્યાનો ગુનો નોંધાવાયો છે.
ફરિયાદ મુજબ ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપનું સંચાલન ચાર ભાગીદારો દ્વારા કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮થી શરૂ થયેલા આ પેટ્રોલ પંપમાં મેનેજર નિશાંતભાઈ રજા ઉપર જતા તા. ૦૨ ડિસેમ્બર ૨૦૨૫થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન વહીવટ-ચાર્જ દાઉદશા અનવરશા શાહમદારને સોંપવામાં આવ્યો હતો.
આ સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલનું કુલ રૂપિયા ૪,૯૫,૩૬૮નું વેચાણ થયું હોવાનું હિસાબમાં સામે આવ્યું હતું, જ્યારે બેંક અને હિસાબમાં માત્ર ૩૦,૮૮,૫૧૧ જમા કરાવવામાં આવ્યા હોવાનું જણાયું હતું. તપાસ કરતાં ૧૪,૦૬,૮૫૭ની રકમનો તફાવત સામે આવ્યો હતો.
ભાગીદારોએ હિસાબ અંગે પૂછપરછ કરતાં દાઉદશાએ પોતાના ઉપયોગ માટે રકમ ખર્ચી નાખ્યાનું સ્વીકાર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ દાઉદશા અને તેના ભાઈએ રકમ પરત આપવાની ખાતરી આપી હતી. પરંતુ સમય મર્યાદા પુર્ણ થવા છતા રકમ આપી ન હતી.
ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ રકમની ઉઘરાણી માટે સંપર્ક કરતાં આરોપી ગલ્લા તલા કરતો હતો, બાદમાં રૂપિયા આપવાના નથી કહી હાથ-પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી ફરીયાદી તથા સાહેદોને આપી હતી. આથી ધ્રોલ પોલીસે ફરિયાદના આધારે આરોપી દાઉદશા અનવરશા શાહમદાર વિરુદ્ધ વિશ્વાસઘાત, ઉચાપત અને ધમકી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ કુંભારવાડીયા ચલાવી રહયા છે.