BREAKING NEWS

જામનગરમાં એરફોર્સના સાર્જન્ટનો ગળાફાંસો ખાઇ આપઘાત

  • June 02, 2026 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં એરફોર્સના સાર્જન્ટનો ગળાફાંસો ખાઇ આપઘાત

કવાર્ટરમાં ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા તપાસ

જામનગર શહેરમાં આવેલા એરફોર્સ-૧ ના ક્વાર્ટરમાં રહેતા એરફોર્સના સાર્જન્ટનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે સીટી સી ડિવિઝન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એરફોર્સ -૧ ના ગેટ નંબર-૨ નજીક આવેલા ક્વાર્ટરમાં રહેતા રોહિતભાઈ નરેશભાઈ ધનખડ (ઉ.વ. ૩૬), જે એરફોર્સમાં સાર્જન્ટ તરીકે ફરજ બજાવતા હતા, તેઓ પોતાના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.  આ બનાવ અંગે પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન રોહિતભાઈએ પોતાના રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધો હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે જરૂરી પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. હાલ તેમણે આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સીટી સી ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી. એન. ત્રિવેદી એ મૃતકની પત્ની પ્રીતિબેન ની જાહેરાતના અનુસંધાને અકસ્માત મોતની નોંધ કરી બનાવના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application