છૂટાછેડા બાદ પતિ પ્રાઈવેટ વીડિયો-ફોટો પરિવારને બતાવવાની ધમકી આપતો હતો

  • February 18, 2021 10:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કુવાડવા રોડ પર રામપાર્કમાં રહેતી યુવતીએ પૂર્વ પતિના ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ મામલે યુવતીના ભાઈની ફરિયાદ પરથી પોલીસે યુવતીના પતિ જૂનાગઢના શખસ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ,શહેરના કુવાડવા રોડ પર આવેલા રામપાર્ક-૧માં મંગળવારે જલ્પા રમેશભાઇ ભટ્ટી(ઉ.વ ૨૮) નામની યુવતીએ જૂનાગઢ રહેતા પૂર્વ પતિ પ્રેમ મનસુખભાઇ લાઠિયાના ત્રાસથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા મૃતકના ભાઇ જતિનભાઇએ નોંધાવેલી ફરિયાદમાં, બહેન જલ્પાએ તા.૨૭-૬-૨૦૧૯ના રોજ જૂનાગઢ વાંજાવડ, જવાહર રોડ પર રહેતા પ્રેમ લાઠિયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ બહેનને તેના પતિએ એક જ મહિનામાં દારૂ પીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેથી બહેન જૂનાગઢથી રાજકોટ પોતાને ત્યાં આવી ગઇ હતી.


ટૂંકા જ સમયમાં પતિના ત્રાસનો ભોગ બનતા બહેનના તા.૩૦-૯-૨૦૧૯ના રોજ કોર્ટમાં છૂટાછેડા લીધા હતા. ત્યાર બાદ પ્રેમ લાઠિયાએ પાંચ મહિના પહેલા ઘરે આવી જલ્પાને તેના પ્રેમસંબંધ સમયના પ્રાઇવેટ ફોટા ઘરનાઓને બતાવી દેવાની ધમકી આપી હતી. જે અંગે તેણીએ પ્રેમના માતા-પિતાને વાત કરતા તેઓએ પ્રેમ અમારા કહ્યામાં નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ પ્રેમ અવારનવાર રાજકોટ આવી ફોટા બતાવી દેવાની ધમકી આપી જલ્પાને ઘરથી બહાર બોલાવી ત્રાસ આપતો હતો.
અનહદ ત્રાસથી કંટાળેલી બહેને વિકૃત માનસ ધરાવતા પ્રેમ સામે કાર્યવાહી કરવા તેના ભાઈએ વાત કરી હતી. દરમિયાન મંગળવારે પ્રેમના ત્રાસથી અંતે જિંદગી ટૂંકાવી લીધી હતી. આપઘાત કરતા પૂર્વે જલ્પાએ લખેલી સ્યૂસાઇડમાં પણ પ્રેમના ત્રાસથી કંટાળીને પગલું ભરી રહી હોવાનું જણાવ્યું છે. યુવતીના ભાઈની ફરિયાદ પરથી પ્રેમ લાઠિયા સામે બી ડિવિઝન પોલીસે આઈપીસીની કલમ ૩૦૬,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી પ્રેમની ધરપકડની તજવીજ હાથ ધરી છે.બનાવની વધુ તપાસ બી ડિવિઝન પોલીસમથકના હેડ કોન્સ. એચ.જે.જોગડા ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS