સુશાંતના અંતિમ સંસ્કાર સમયે જ આઘાતમાં સરી પડેલા તેના ભાભીનું પણ મોત

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનના કારણે પરિવાર ચાહકો સહિત બોલીવુડ પણ શોકમાં ગરકાવ થયેલું છે. સુશાંતની આત્મહત્યાની ખબર મળ્યા બાદ તેની પિતરાઈ ભાભી આ ખબરને સહન ન કરી શકી અને સોમવારે તેઓનું પણ મોત નીપજ્યું હતું. એવું જાણવા મળી રહ્યું છે કે દિયર સુશાંતની આત્મહત્યાની ખબર મળ્યા બાદ બિહારના પૂર્ણિયા જિલ્લામાં આવેલા ગામમાં રહેતી ભાભી સુધા દેવીનું પણ નિધન થયું હતું.

 


સુશાંત સિંહ રાજપૂત મૂળ પૂર્ણિયા જિલ્લાના મલડીહા ગામના વતની હતા. તેની આત્મહત્યાની ખબર જેવી ગામમાં પહોંચી તો તેમની પિતરાઈ ભાભી સુધા દેવીને ખૂબ જ આઘાત લાગ્યો અને તેણી તણાવમાં આવી ગઈ હતી. તેમણે ખાવાનું અને પીવાનું છોડી દીધું હતું. આ બાજુ મુંબઈમાં સુશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે બીજી બાજુએ સુધા દેવીના નિધનની ખબર તેમના પરિવારજનો સમક્ષ આવી હતી. આ ઘટનાથી સુશાંત સિંહના પરિવારજનો પર બમણો વજ્રાઘાત થયો હતો.

 

સુશાંત સિંહના પરિવારના નજીકના સ્નેહીજનોના જણાવ્યા પ્રમાણે સુધા દેવીનું મોત લગભગ એ સમયે જ થયું કે જ્યારે સુશાંત સિંહના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા. આ બાજુ સુશાંત સિંહના અંતિમ સંસ્કાર પૂર્ણ થયા બાદ સુશાંતની ભાભીનું પણ મોત થયું હોવાના સમાચાર તેમના પરિવારને મળ્યા હતા. આ ઘટનાને પગલે તેઓના પરિવારમાં જાણે દુઃખનો પહાડ તૂટી પડયો છે.

 

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત પંચતત્વમાં વિલીન થઇ ગયા હતા. અશ્રુભરી આંખોથી મુંબઈ સ્થિત વિલેપાર્લેના સ્મશાન ઘાટમાં તેમના પરિવારજનોએ તેમને અંતિમ વિદાય આપી હતી. સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર સમયે શ્રદ્ધા કપૂર, અરુણ શૌરી, વિવેક ઓબેરોય સહિત ઘણા ફિલ્મી સિતારાઓ પણ પહોંચ્યા હતા. આ સિવાય સુશાંતની નજદીકની મિત્ર  રિયા ચક્રવતી પણ ઉપસ્થિત રહી હતી.

 

અંતિમ સંસ્કારના પહેલા સુધી બિહારના પટના પૂર્ણિયા અને સહરસાથી સુશાંતના પિતા અને પરિજનો મુંબઈ આવી પહોંચ્યા હતાં. તેઓ માનવા તૈયાર ન હતા કે સુશાંત આત્મહત્યા પણ કરી શકે છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા અને તેમાં સુશાંતનુ મોત ફાંસીના ફંદાના કારણે દમ ઘુટાવવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. આ રિપોર્ટમાં શરીરમાં  ઝેર થવાની કોઈ પુષ્ટિ થઈ નથી.

 


સુશાંત સિંહના તમામ સેમ્પલને સુરક્ષિત કરી લેવામાં આવ્યા છે, જે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે સુશાંત સિંહ રાજપૂતની બહેને એ વાતની પુષ્ટિ કરી છે કે છેલ્લા છ મહિનાથી તેઓ ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યા હતા, આ બાજુ સુશાંતની આત્મહત્યાનું કારણ શોધવા માટે પોલીસે સૌપ્રથમ તેના ફોન રેકોર્ડિંગ તપાસવાનું શરૂ કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS