સવારે મોટાભાઇના ક્લિનિકના ઉદ્ઘાટનમાં હસતા મોઢે કેક કટ કરી અને બપોરે પીડીએમ પાસે ટ્રેન હેઠળ પડતું મૂક્યું

  • August 04, 2021 04:18 PM 

શહેરના ગોંડલ રોડ પર આવેલા ખોડિયાર નગરમાં રહેતા યુવાને પીડીએમ કોલેજ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. સવારે યુવાન પોતાના મોટા ભાઈએ ક્લિનિક શરૂ કર્યું હોય તેના ઉદ્ઘાટનમાં ગયો હતો અને બાદમાં બપોરના આ પગલું ભરી લીધું હતું. બનાવના પગલે યુવકના પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. યુવાન ડિપ્રેશનમાં હોય અને તેની દવા પણ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.

 

આપઘાતના બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજરોજ બપોરના 1:40 ના અરસામાં પી.ડી.માલવિયા કોલેજ પાસે આવેલી ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાને આપઘાત કરી લીધો હતો.જેની જાણ થતાં માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરી લેનાર યુવાનનું નામ વિશાલ શીવાભાઈ રાકુળદે પાટીલ (ઉ.વ 23) હોવાનું અને તે ગોંડલ રોડ પર આવેલા ખોડિયારનગરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.


 

બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આપઘાત કરી લેનાર યુવાન બે ભાઈના પરિવારમાં નાનો હતો અને તેને ખોડીયારનગરમાં જ કાપડની દુકાન આવેલી છે. યુવાનનો મોટા ભાઈ યોગેશે પટેલ વાડી વિસ્તારમાં હોમિયોપેથિક ક્લિનિક શરૂ કર્યું છે. જેનું આજે ઉદ્ઘાટન હતું. યુવક સવારના સમયે પોતાના મોટા ભાઈએ શરૂ કરેલા ક્લિનિકના ઉદ્ઘાટનમાં ગયો હતો ત્યાંથી તેના માતાને લઇ ઘરે પરત ફર્યો હતો તેમને ઘરે મુકી બાદ તે બાઈક લઈને ચાલ્યો ગયો હતો અને બાદમાં તેણે આ પગલું ભરી લીધું હતું. બનાવની જાણ થતા યુવકના પરિવારજનો આગળથી સ્તબ્ધ થઇ ગયા હતા.


 

યુવકના મિત્ર વર્તુળમાંથી જાણવા મળેલી વિગત મુજબ વિશાલ પોતાના ધંધાને લઈ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો અને તેની ડિપ્રેશનની દવા પણ ચાલતી હતી. દરમિયાન આજરોજ તેણે આ પગલું ભરી લીધું છે. ત્યારે ડિપ્રેશનના લીધે જ આપઘાત કરી લીધાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS