દ્વારકાના નાગેશ્ર્વર જ્યોતિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ કાર્યવાહીના ભણકારા
લેન્ડ ગ્રેબિંગ મુદ્દે અધિકારી એક્શન મોડમાં આવતા થશે નવાજૂની ?
દ્વારકાના શ્રી નાગેશ્ર્વર જ્યોતિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા માટે સ્થાનિકથી લઇ વડાપ્રધાન કાર્યાલય સુધી અનેક વખત રજૂઆતો થઇ હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા આશ્ચર્ય અને તર્ક વિતર્ક સર્જાયા હતા. જે પછી પ્રાંત અધિકારી એક્શન મોડમાં આવતા હવે નવાજૂનીનાં એંધાણ દેખાઈ રહ્યા છે.
પ્રાંત અધિકારી દ્વારા નાગેશ્વરમાં ધામા નાખવામાં આવ્યા હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે અને લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં અરજદારને પણ ૬ તારીખે હાજર રહેવા ફરમાન થયાની વાત વહેતી થઈ છે ત્યારે આ પ્રકરણમાં નિર્ણાયક કાર્યવાહીની સંભાવનાઓ જોવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દ્વારકા પંથકમાં વરવાળા - પોશીત્રા સહિતનાં વિસ્તારોમાં ધાર્મિક દબાણો હટાવાયા પછી શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં ટ્રસ્ટીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનાં આરોપો સાથે વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆતો થઇ હોવા છતા કોઈ કાર્યવાહી ન થતી હોવા અંગે અખબારી અહેવાલો પ્રગટ થયા પછી તંત્ર સફાળુ જાગ્યું હોય એવુ ચિત્ર ઉપસ્યુ છે અને હવે કાર્યવાહી નાં ભણકારા વાગી રહ્યા છે.