BREAKING NEWS

​​​​​​​દેવભૂમિ દ્વારકા: એક્સપાયરી થયેલી કૃષિ દવાઓ, બિયારણ અને ખાતરના જથ્થા સાથે રાવલના પિતા-પુત્ર સામે કાર્યવાહી

  • June 01, 2026 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​દેવભૂમિ દ્વારકા: એક્સપાયરી થયેલી કૃષિ દવાઓ, બિયારણ અને ખાતરના જથ્થા સાથે રાવલના પિતા-પુત્ર સામે કાર્યવાહી


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોને નીચી ગુણવત્તાવાળી અથવા નિયમો વિરુદ્ધની કૃષિ સામગ્રી વેચી છેતરપિંડી કરતા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના અનુસાર એસ.ઓ.જી. પોલીસ ટીમે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે આવેલી એક કૃષિ કેન્દ્રમાં દરોડો પાડી કુલ રૂ. 5.29 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.


મળતી માહિતી મુજબ રાવલ ગામમાં અડવાણા રાવલ રોડ પર આવેલી ‘ગુરુકૃપા કૃષિ કેન્દ્ર’ નામની દુકાનમાં એસ.ઓ.જી.ની ટીમે ખેતીવાડી વિભાગના અધિકારીઓની હાજરીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી વિવિધ કંપનીઓની કુલ 50 જેટલી કૃષિ દવાઓ, ખાતર અને બિયારણનો એવો જથ્થો મળી આવ્યો હતો, જેની મુદત પૂર્ણ થઈ ગઈ હતી. અંદાજે રૂ. 3.89 લાખની કિંમતના આ જથ્થાને નિયમ મુજબ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


તપાસ દરમિયાન દુકાનમાં રહેલા ખાતરના સ્ટોક અને વેચાણ સંબંધિત દસ્તાવેજોમાં પણ ગેરરીતિ સામે આવી હતી. હાજર સ્ટોક, વેચાણના બિલો અને સ્ટોક પત્રક વચ્ચે તફાવત જણાતા ખેતીવાડી વિભાગે રૂ. 1.28 લાખની કિંમતની 135 બોરી ખાતરનો જથ્થો હાલ માટે સ્થગિત રાખવાની કાર્યવાહી કરી હતી.


આ ઉપરાંત દુકાનમાંથી જુદી જુદી જંતુનાશક દવાઓની 32 એવી બોટલો પણ મળી આવી હતી, જેના પર દવાના ઉપયોગ, પ્રમાણ, ટેકનિકલ નામ અથવા પાક સંબંધિત કોઈ માહિતી દર્શાવવામાં આવી ન હતી. દુકાનદાર દ્વારા પણ આ દવાઓ અંગે સંતોષકારક માહિતી આપવામાં ન આવતા રૂ. 11,620 કિંમતની આ બોટલો શંકાસ્પદ માલમિલકત તરીકે કબજે કરવામાં આવી હતી.


પોલીસ તપાસમાં દુકાનના સંચાલક માલદે ઠેબાભાઈ આલાભાઈ ઓડેદરા (ઉ.વ. 46) તથા તેના પુત્ર દિનેશ માલદે ઓડેદરા (ઉ.વ. 24) સામે કૃષિ ઉત્પાદનોમાં ગેરરીતિ, પેકિંગમાં ફેરફાર તથા અવધિ પૂર્ણ થયેલી સામગ્રીના સંગ્રહ અને વેચાણ બાબતે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


​​​​​​​આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના પી.આઈ. વી.એ. રાણા, પી.એસ.આઈ. ડી.એ. વાળા, ખેતીવાડી અધિકારી કેવલભાઈ પનારા, મયુરભાઈ સોનગરા તથા પોલીસ અને ખેતીવાડી વિભાગના સ્ટાફની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application