દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરમાં સગીરાનું અપહરણ કરી પોક્સોનો ગુનો આચરનાર આરોપી અને મદદગાર પકડાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયની દીકરીનું અપહરણ કરી પોક્સો એક્ટ હેઠળ ગુનો આચરનાર મુખ્ય આરોપી અને તેને મદદ કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય, દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા દ્વારકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. હાથલીયા અને સ્ટાફે આ ત્વરિત કામગીરી કરી છે.
આ કેસની વિગત એવી છે કે, ફરિયાદીના દીકરાની ૧૫ વર્ષ અને ૨ માસની સગીર વયની દીકરીને આરોપી સુરજભાઈ ઉર્ફ સુરેશભાઈ હરદાસભાઈ જાદવ (ઉ.વ. ૧૮ વર્ષ ૨ માસ, રહે. રાવલ બારીયાધાર) નામનો શખ્સ બદકામ કરવાના ઈરાદાથી લલચાવી ફોસલાવીને વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ અંગે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭(૨), ૮૭ તથા પોક્સો એક્ટની કલમ ૧૨ મુજબ ગુનો નોંધાયો હતો.
ગુનો જાહેર થતાં જ કલ્યાણપુર પોલીસ અને રાવલ આઉટ પોસ્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ.બી. અખેડ સહિતના સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે ભોગ બનનાર સગીરા અને આરોપી કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામની સીમમાં છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડીને સગીરા તથા મુખ્ય આરોપી સુરજભાઈ જાદવને હસ્તગત કર્યા હતા. આ સાથે જ આરોપીને ગુનામાં મદદ કરનાર અન્ય સહ-આરોપી રાહુલભાઈ નાગાભાઈ જાદવ (ઉ.વ. ૨૬, રહે. રાવલ બારીયાધાર, હાલ રહે. પિંડારા સીમ)ને પણ પોલીસે પકડી પાડી ધોરણસર અટકાયત કરી છે. પોલીસે ભોગ બનનાર સગીરાની તબીબી તપાસ કરાવવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.