૧૧ અને ૯ વર્ષના સંતાનોની નજર સામે જ માતા પિતાના મોત - અરેરાટી

  • May 27, 2021 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તળાજા મહુવા હાઈવે પર કાર અને એસ.ટી બસ વચ્ચેની ટક્કરમાં દંપતિનું મોત

ઈજાગ્રસ્ત બાળકોની સ્થિતિ ગંભીર : મહુવાના ક્ષત્રિય સમાજમાં ભારે શોક

 

ભાવનગર જિલ્લાના તળાજા -મહુવા હાઈવે પર પસવી ગામના વળાંક પર એસ.ટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મહુવામાં રહેતા દંપતીના સ્થળ પર જ મોત નિપજ્યા અરેરાટી પ્રસરી ગઈ છે જ્યારે તેના બાળકોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ભાવનગર ખસેડાયા હતા તો બસમાં સવાર એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી.

 

 

ઘટનાની વિગતો પ્રમાણે, મહુવામાં મોબાઈલના વ્યવસાય સાથે સંકળાયેલાં મૂળ બિરાજસિંહ હરિચંદ્રસિંહ જાડેજા (ઉ.વ.39) તેમના પત્ની જાગૃતિબા (ઉ.વ.35) તથા તેમના બે બાળકો કાવ્યરાજસિંહ (ઉ.વ.11) તથા કીર્તિબા (ઉં.વ.9) સાથે બુધવારે બપોરના સમયે ભાવનગર નજીકના બાડી પડવા સ્થિત સાસરેથી પોતાની સ્વિફટ ડિઝાયર કાર નંબર જીજે.06 જેએમ 8182 લઈ મહુવા પોતાના ઘર તરફ આવી રહ્યાં હતા. ત્યારે તળાજા -મહુવા હાઈવે પ૨ પસવી ગામના વળાંક નજીક મહુવા- ભાવનગર રૂટની એસટી બસ નંબર જીજે 18 ઝેડ 6524 સાથે જીવલેણ અસ્માત સર્જાયો હતો. આ અસ્માત એટલો ગમખ્વાર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો.  બસ સાથે ધડાકાભેર અથડાયેલી સ્વિફ્ટ કારની રીતસર કચ્ચરઘાણ નિકળી ગયો હતો અને  કારમાં સવાર પતિ -પત્ની બન્નેના મોત નિપજ્યા હતા. બન્ને બાળકોને પણ ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર ખસેડાયા હતા. આ ઉપરાંત એસ. ટી. બસમાં મુસાફરી કરતા બાલાભાઈ બાંભણીયા (ઉ.વ.60)ને સામાન્ય ઈજાઓ થતા તેને તળાજાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

 

 

બનાવના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને હોસ્પિટલ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સહિતના લોકો દોડી આવ્યા હતા તથા બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS