અભય ભારદ્વાજની હાલત નાજુક: કૃત્રિમ ફેફસાથી પહોંચાડાતું લોહી

  • September 16, 2020 11:49 AM 349 views

અહીંની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા રાજ્ય સભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજની હાલત હજુ પણ નાજુક છે. અમદાવાદ અને સુરતથી ખાસ ડોક્ટરોની ટીમ રાજકોટ બોલાવવામાં આવી છે અને અભયભાઈને કૃત્રિમ ફેફસા દ્વારા શરીરમાં શુદ્ધ લોહી પહોંચાડવાનું ચાલુ છે.
તબીબોના જણાવ્યા મુજબ અભયભાઈને લોહીમાં ઓક્સિજન પહોંચતો નથી અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળતો નથી. તેથી કૃત્રિમ ફેફસાની મદદથી શુદ્ધ લોહી શરીરમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. જેના કારણે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળશે અને ઓક્સિજન મળી રહેશે. લોહી શુદ્ધ કરવા કુદરતી ફેફસા પર વધુ દબાણ ન આવે તે માટે આ સારવાર પદ્ધતિ અપ્નાવવામાં આવી છે અને ફેફસાંને પૂરતા પ્રમાણમાં શુદ્ધ લોહી મળી ગયા બાદ નેચરલ સિસ્ટમથી શરીરને શુદ્ધ લોહી મળશે.


ગુજરાતના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગઈકાલે સાંજે અમદાવાદના ડોક્ટર તુષાર પટેલ, આનંદ શુક્લ, અમિત પટેલને લઈને રાજકોટ આવી પહોંચ્યા હતા.મોડી રાત્રે સુરતના ડોક્ટર સમિર ગામી પણ ખાસ પ્લેનમાં રાજકોટ આવી પહોંચ્યા છે અને એકમો સિસ્ટમથી સારવાર આપવામાં આવી રહી છે.


ગત તારીખ 13 થી અભયભાઈ ભારદ્વાજની તબિયત લથડી છે અને તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ ફેફસામાં મુશ્કેલી ઉભી કરી રહ્યું હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. અભયભાઈની સારવાર કરતા ડોક્ટરોએ જણાવ્યું હતું કે ઓક્સિજનના પ્રમાણ મામલે ક્રિટીકલકન્ડિશન છે. લોહીના ગઠ્ઠાના મુદ્દે સારવાર શરૂ થઈ ગઈ છે. ઓક્સિજનનું લેવલ ચિંતાજનક હદે ઘટી જતું હોવાથી અને સામી બાજુ કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધી જતું હોવાથી અભયભાઈની હાલત વધુ નાજુક છે. એઇમસમા આવા કિસ્સાઓમાં એકમા સિસ્ટમથી સારવાર આપવામાં આવતી હોય છે અને તે સિસ્ટમ મુજબ અભયભાઈને સારવાર આપવામાં આવે છે.
અમદાવાદ અને સુરતથી આવેલ ડોક્ટરોની ટીમ સાથે રાજકોટના ડોક્ટરો ચિરાગ માત્રાવડિયા, દિગ્વિજયસિંહ જાડેજા, ધીરેન તન્ના સહિતના ડોક્ટરોએ પરામર્શ કર્યો હતો. રાજકોટના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નોડેલ ઓફિસર રાહુલ ગુપ્તા અને અન્ય સાથે આ બાબતે ચચર્િ કરી હતી. હોસ્પિટલમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, અભયભાઈ નાનાભાઈ નીતિન ભારદ્વાજ, મનીષ રાડીયા, અધિક કલેકટર પરિમલ પંડ્યા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.

સારવાર કારગત થાય તેવી આશા: નીતિન ભારદ્વાજ
અભયભાઈના લઘુબંધુ નીતિનભાઈ ભારદ્વાજે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એકમો સિસ્ટમથી સારવાર આપવામાં આવે છે અને તે સફળ થાય એવી આશા છે. કુદરતી ફેફસાને લોહી શુદ્ધ કરવામાં ઓછું દબાણ આવે તે માટે કૃત્રિમ ફેફસાની મદદથી લોહી શુદ્ધ કરીને અભયભાઈના શરીરમાં આપવામાં આવે છે . તેના કારણે કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ઘટશે અને ઓક્સિજનનું પ્રમાણ વધશે.

ફેફસામાં હવા ભરાઈ જતાં ન્યુમોથોરેકસની સમસ્યા ઉભી થાય: ડો. ડોબરીયા
ડો. જયેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે, ફેફસા નબળા પડવા તેને મેડિકલ ભાષામાં ન્યુમોથોરેકસ કહેવામાં આવે છે જે ખાસ કરીને કોરોના ના દર્દીના ફેફસામાં હવા ભરાઈ જતા તેને નબળા પાડે છે. તેમને એકમો મશીન મુકવામાં આવશે. અગાઉ કોરોનાના ઘણા દર્દીઓને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

લોહીના ગઠ્ઠા થાય ત્યારે તેને બ્લડ ફ્લોટિંગ કહેવાય: ડોક્ટર મયંક ઠક્કર
ડોક્ટર મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, કોરોના મુખ્યત્વે લોહીના ગઠ્ઠા થાય ત્યારે દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે જેને બ્લડ કલોટિંગ કહેવામાં આવે છે. જોકે આ અભયભાઈ ભારદ્વાજની મેડિકલ હિસ્ટ્રી મારી પાસે નથી પરંતુ આ પ્રકારના કેસમાં ફેફસા માં કાણા પડે ત્યારે દર્દીને વેન્ટિલેટર પર મુકવામાં આવતા હોય છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application
-----