"અબ કી બાર 400 પાર", વડાપ્રધાન મોદીએ રાજકોટવાસીઓનો આ બાબતે માન્યો આભાર

  • February 25, 2024 07:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

PM મોદી તેમની તેમની બે દિવસીય ગુજરાત યાત્રામાં સવારે દ્વારકામાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યા બાદ હવે રાજકોટ પહોચ્યા છે. રાજકોટ પહોચી વડાપ્રધાને સૌથી પહેલા એઈમ્સની મુલાકાત લીધી છે, અહીંથી તેમણે રાજકોટ સહીત દેશની 5 એઈમ્સનું લોકાર્પણ કર્યું છે. 


સમારોહ દરમિયાન મોદી ગુજરાતની પ્રથમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યું. આ સાથે, તેઓએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પંજાબના ભટિંડા, ઉત્તર પ્રદેશના રાયબરેલી, પશ્ચિમ બંગાળની કલ્યાણી અને આંધ્રપ્રદેશની મંગલગિરીમાં અન્ય ચાર AIIMSને પણ સમર્પિત કરી છે. વડાપ્રધાન મોદી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં રૂ. 1195 કરોડના ખર્ચે બનેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ, રૂ. 120 કરોડના ખર્ચે બનેલી રાજ્યની સૌથી ઊંચી મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેઓ ગુજરાત તેમજ દેશના વિકાસને વેગ આપતા વિવિધ વિભાગો-મંત્રાલયોના કુલ મળીને રૂ. 48 હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને લોકોને ભેટ આપી છે. આ બાદ વડાપ્રધાન મોદીએ રોડ શો માં રાજકોટવાસીઓનો પ્રેમ ઝીલ્યો હતો, આ પછી તેમણે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ સભાને સંબોધન કર્યું હતું.


PM મોદીએ રાજકોટ, સૌરાષ્ટ્ર સાથે ગુજરાત તથા દેશના વિકાસને વેગ આપતા વિવિધ 12 જેટલા વિભાગો, મંત્રાલયોના કુલ મળીને આશરે 48 હજાર કરોડથી વધુ રૂપિયાના વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે સભામાં કહ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે દેશના તમામ પ્રમુખ કાર્યક્રમ દિલ્હીમાં જ થતાં હતા. મેં ભારત સરકારને દિલ્હીથી બહાર લાવીને દેશના ખૂણે ખૂણે મોકલી છે. જે આજે રાજકોટ પહોંચી છે. આજનો કાર્યક્રમ તે વાતનો સાક્ષી છે. તેમણે કહ્યું કે, અમારી સરકારનો પ્રયાસ છે કે, ગરીબ હોય કે, મધ્યમ વર્ગ તમામને સારી સુવિધા મળે તેમજ બચત પણ થાય છે. અમે વીજળીનો બીલ ઝીરો આવે તે દિશામાં કામ કરી રહ્યાં છીએ. વીજળીથી પરિવારોને આવક થાય તેવું કામ પણ કરી રહ્યાં છીએ. PM સૂર્ય ઘર યોજના મફત વીજળીના માધ્યમથી બચત કરાવીશું તેમજ આવક પણ કરાવીશું.


વડાપ્રધાને પોતાના ભૂતકાળને યાદ કરતા કહ્યું હતું કે, આજથી 22 વર્ષ પહેલાં 24 ફેબ્રુઆરીએ જ રાજકોટએ મને આશીર્વાદ આપ્યા હતા. અને અહીના લોકોએ મને ધારાસભ્ય તરીકે ચૂંટ્યો હતો. આજના દિવસે 25 ફેબ્રુઆરીએ પહેલીવાર રાજકોટના ધારાસભ્ય તરીકે શપથ લીઘા હતા. મોદીની ગેરેન્ટી એટલે ગેરેન્ટી પૂરી કરવાની ગેરેન્ટી. સમગ્ર દેશ ત્રીજી વાર NDA સરકારને આશીર્વાદ આપી રહ્યા છે. અબ કી બાર 400 પારનો વિશ્વાસ છે. ત્યારે હું રાજકોટના એક એક પરિવારને માથું નમાવી પ્રણામ કરું છું. પેઢીઓ બદલાઈ ગઈ પરંતુ મોદી પ્રત્યેનો સ્નેહ-પ્રેમ દરેક આયુ સીમાથી ઉપર છે. તમારા ક્રજને વ્યાજ સાથે વિકાસ કરીને ચૂકાવવાનો પ્રયાસ કરું છું.

​​​​​​​ગતરોજ ટ્વિટર પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પીએમ મોદીએ કહ્યું, "રાજકોટ હંમેશા મારા હૃદયમાં ખૂબ જ વિશેષ સ્થાન ધરાવે છે. આ શહેરના લોકોએ જ મારામાં વિશ્વાસ કર્યો અને મને પ્રથમ ચૂંટણી જીત અપાવી. ત્યારથી મેં હંમેશા જનતાની આકાંક્ષાઓને ન્યાય આપવાનું કામ કર્યું છે. તે પણ એક સુખદ સંયોગ છે કે હું આજે અને કાલે ગુજરાતમાં હોઈશ અને રાજકોટમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાંથી 5 એઈમ્સ દેશને સમર્પિત કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application