BREAKING NEWS

જામનગરમાં ૧૪૦૪ આવાસનું રી-ડેવલોપમેન્ટ, ગ્રાન્ટની રાહમાં અટવાયેલું..!

  • June 23, 2026 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ૧૪૦૪ આવાસનું રી-ડેવલોપમેન્ટ, ગ્રાન્ટની રાહમાં અટવાયેલું..!

ઇન્તેજારી: શહેરી વિકાસ વિભાગ પાસે ૬૬.૭૫ કરોડની ગ્રાન્ટ મેળવવા મહાનગરપાલીકા દ્વારા પત્રવ્યવહાર અને પૂર્તતાનો દૌર ચાલુ 

વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૯૨ જર્જરીત આવાસનું ડીમોલીશન કરાયું હતું: બે વખત ટેન્ડર બહાર પાડયા પણ કોઇ એજન્સીએ રસ દાખવ્યો નહીં

જામનગરમાં અંધાશ્રમ પાસે આવેલા ૧૪૦૪ આવાસ યોજનાની રી-ડેવલોપમેન્ટ કામગીરી માટે ગ્રાન્ટની રાહ જોવાઇ રહી છે એટલે કે આ કારણોસર અટવાયેલું છે. કારણ કે, વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૯૨ જર્જરીત આવાસનું ડીમોલીશન મહાપાલીકા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બે વખત રી-ડેવલોપમેન્ટ માટે મનપા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતાં.પરંતુ કોઇ એજન્સીએ રસ દાખવ્યો ન હતો એટલે કે ટેન્ડર ભર્યું ન હતું. આથી હવે શહેરીવિકાસ વિભાગ પાસે રૂ.૬૬.૭૫ કરોડની ગ્રાન્ટની માંગણી મનપા દ્વારા કરવામાં આવી છે. આ ગ્રાન્ટની ફાળવણી થાય તે માટે મનપા દ્વારા શહેરીવિકાસ વિભાગ સાથે પત્ર વ્યવહાર અને પૂર્તતાનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે ગ્રાન્ટની ફાળવણી કયારે થશે તે એક સળગતો સવાલ છે. 

જામનગરમાં દર વર્ષે મહાનગરપાલીકા દ્વારા ચોમાસા પૂર્વે જર્જરીત ઇમારતો તોડી પાડવામાં આવે છે. શહેરમાં અંધાશ્રમ પાસે આવેલા ૧૪૦૪ આવાસ યોજનામાં  જર્જરીત આવાસ તોડી પાડવાની કાર્યવાહી મનપા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં કરવામાં આવી હતી. આ માટે નીયમ મુજબ આસામીઓનો નોટીસ ફટકારવામાં આવી હતી. જેમાં જોખમી આવાસનો ઉપયોગ તાકીદે બંધ કરવા જણાવાયું હતું. ત્યારબાદ ૧ બ્લોકમાં ૧૨ એવા ૬૬ બ્લોકના કુલ ૭૯૨ આવાસનું ડીમોલીશન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૩માં આ આવાસ યોજનાનો મહાનગરપાલીકા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. તે સમય ૮૨૫ આવાસ બંધ હાલતમાં હતા  તો ૫૭૯ આવાસ વપરાશમાં હતા એટલે કે તેમાં લોકો વસવાટ કરતા હતાં. આ આવાસ યોજનામાં જર્જરીત આવાસની ડીમોલીશન કર્યા બાદ રી-ડેવલોપમેન્ટ કરવાનો નિર્ણય કરાયો હતો. જે અંતર્ગત વધુમાં વધુ ૩૦ ચોરસ મીટરના આવાસ બનાવવાનું નકકી કરવામાં આવ્યું હતું. આ માટે બે વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતાં. જેમાં ૮૧૨ અને ૧૪૨૦ આવાસનો સમાવેશ થાય છે. પરંતુ બેમાંથી એકપણ વખત કોઇ એજન્સીએ ટેન્ડર ભરવામાં રસ દાખવ્યો ન હતો. આથી એકપણ ટેન્ડર ભરાયું  ન હતું. 

આથી ૧૪૦૪ આવાસ યોજનાના રી-ડેવલોપમેન્ટમાં ૧૨૬૦ નવા આવાસ બનાવવા નિર્ણય કરાયો હતો. આ માટે રૂ.૧૧૨ કરોડના ખર્ચનો અંદાજ વ્યકત કરાયો હતો. આવાસની આ રી-ડેવલોપમેન્ટ કામગીરીના ખર્ચમાં રૂ.૬૬.૭૫ કરોડની ખાધ પડતી હતી. આથી મહાનગરપાલીકા દ્વારા આ નાણાં માટે ગ્રાન્ટ તરીકે ફાળવવા  શહેરવિકાસ વિભાગ સમક્ષ ગ્રાન્ટની માંગણી એટલે કે દરખાસ્ત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી શહેરી વિકાસ વિભાગ દ્વારા આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી નથી. આથી ૧૪૦૪ આવાસ યોજના રી-ડેવલોપમેન્ટની કામગીરીમાં ગ્રાન્ટની રાહ જોવાઇ રહી છે. જો કે, ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તે માટે મહાનગરપાલીકા દ્રારા શહેરી વિકાસ વિભાગ સાથે સતત પત્રવ્યવહાર અને પૂર્તતાનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે ગ્રાન્ટની ફાળવણી કયારે થશે તેના પર સૌની મીટ મંડાઇ છે. ગ્રાન્ટની ફાળવણી બાદ ૧૪૦૪ આવાસ યોજનાના રી-ડેવલોપમેન્ટ માટે ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવશે.ટેન્ડર પ્રક્રીયા પૂર્ણ થયા બાદ જે એજન્સીનું ટેન્ડર  મંજૂર થશે તેના દ્વારા રી-ડેવલોપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવશે. ત્યારે રી-ડેવલોપમેન્ટની આ કામગીરી ઝડપથી શ‚ થાય તેમ ૧૪૦૪ આવાસ યોજનાના આસામીઓ ઇચ્છી રહ્યા છે.

હાપા યાર્ડ નજીક આવાસ યોજનાના ફોર્મનું વિતરણ ચાલુ: 
જામનગર મનપા દ્રારા હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટ પાસે ૮૦૦ આવાસ, ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આરોગ્ય કેન્દ્ર પાસે ૨૧૬ આવાસ અને જામનગર-રાજકોટ હાઇવે પર ઇસ્કોન મંદીર પાસે ૫૮૪ આવાસ બનાવામાં આવ્યા છે. આ આવાસ મેળવવા માટે તથા વધુ માહીતી તથા ઓનલાઇન ફોર્મ ભરવા માટે લાભાર્થીઓ જામ્યુકોની સ્લમ શાખા અથવા ૯૮૭૯૫ ૩૦૪૧૯ પર સંપર્ક કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application