@હોમ : નરેશ પટેલ ફરજિયાત ઘરવાસમાં શું કરે છે ?

  • March 28, 2020 03:10 PM 549 views

લોકડાઉને બધાને ફરજિયાત ૨૧ દિવસ માટે ઘરમાં પુરી દીધા છે. આ ઘરબંધી દરમિયાન રાજકોટના સેલિબ્રિટીઓ ઘરમાં આખો દિવસ શું કરે છે, કેવી રીતે સમય પસાર કરે છે, તેમની દ્રષ્ટિએ આ ૨૧ દિવસનો સમય કેટલો ઉપયોગી છે તે જાણવા  માટે 'આજકાલ' દ્વારા શરૂ કરાઈ છે આ નવી  સિરીઝ @હોમ. 


ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પટેલ બ્રાસના માલિક નરેશભાઈ પટેલના મતે કુદરતે સમગ્ર દુનિયાની માનવજાતને કોરોનાની આ મહામારી મારફત સંદેશ આપ્યો છે કે બહુ દોડયા, બહુ ભાગ્યા, હવે થોડા ધીમા પડો. કદાચ કોરોના પછી આખી દુનિયા થોડા સ્લો થવા માટે વિચારશે. વી હેવ ટૂ સ્લો ડાઉન.


નરેશભાઈ આમ તો હંમેશા ઘરના કામકાજમાં મદદ કરતાં જ રહે છે, તેમના માટે રસોડામાં હેલ્પ કરાવવી નવી નથી. પરંતુ  ૨૧ દિવસના ફરજિયાત ગૃહવાસ દરમિયાન તેઓ ઘરના એવા તમામ કામ કરી રહ્યા છે જે સામાન્ય પતિઓ અત્યારે કરી  રહ્યા છે. નરેશભાઈ કહે છે, સવારે ઉઠીને મહાદેવના મંદિરને વાળીને સાફ કરું, પૂજા કરું અને સાડા છ વાગ્યે  યોગ–પ્રાણાયામ કરું અને પછી રસોડાની ડ્યુટી ચાલુ થાય છે... 

 

રસોડામાં નાસ્તાની તૈયારી કરું. એમાં મદદ કરું. આખા દિવસમાં શું બનાવવું એનું મેનુ પણ અત્યારે તો હું જ તૈયાર કરું છું. પરિવારના બધા સભ્યો સાથે મળીને પણ રસોઈ બનાવીએ. સવારના નાસ્તા બાદ જે આદેશ ગૃહપ્રધાન પાસેથી મળે તે પ્રમાણે કામે વળગી જવાનું. અથવા કયારેક હું પોતે નકકી કરું કે આજે તો આ કબાટની સફાઈ કરીશ અથવા ગાર્ડનમાં કામ કરીશ. બપોરે એકથી ત્રણ ટીવી જોઉં. ત્રણથી પાંચ કશુંક વાંચું. પાંચ વાગ્યા  પછી ફરીથી ઘરકામ માટે તૈયાર.
 

મને જિંદગીમાં પ્રથમ વખત આટલો સમય ઘરમાં રહેવા માટે મળ્યો છે તેનો મને આનંદ છે. ઘરને, પરિવારને, ઘરના માહોલને હું નવી નજરે જોઈ રહ્યો છું અને એને માણી રહ્યો છું. લગ્ન પછી પત્ની સાથે આટલો સમય એકધારો ગાળવાનું પ્રથમ વખત બન્યું છે, એની ખુશી છે. નરેશભાઈના પત્ની શાલિનીબહેન તો અનહદ આનંદમાં છે. સતત વ્યસ્ત રહેતા નરેશભાઈ ચોવીસે કલાક તેમની સાથે છે એનો રાજીપો વ્યકત કરતાં તેઓ કહે છે, નરેશ ઘરમાં છે તો ઘરની રોનક જ કંઈક અલગ છે. આખા પરિવાર એકસાથે રહેવાનો મોકો લોકડાઉનથી મળ્યો છે.નરેશભાઈ કહે છે, તન્મય થઈને ભોજન તૈયાર કરવું એની પણ એક મજા છે અને એટલા જ ધ્યાનપૂર્વક એ ભોજન જમવું એ પણ બહું મહત્વનું છે. આપણે નિરાંતે જમતા પણ નથી. ભોજન વખતે પણ મન તો કયાંક બીજે જ હોય. આ ૨૧ દિવસ એવા મળ્યા છે જેમાં આપણે આપણી જાત સાથે રહી શકીએ છીએ. કયારે ઉભું રહી જવું એ મંથન કરવાનો સમય આવી ગયો છે. લોકડાઉનના આ સમયમાં મને વિચાર આવ્યો છે કે આ મહામારી પછી આપણે મંથન કરવું પડશે કે કયાં ઉભું રહી જવું. કયાં અટકી જવું. આ સમય એક અમૂલ્ય તક આપે છે પર્સનલ ગોલ એચિવ કરવાની. તમને ગમતું કામ કરવાની. તમારા શોખ  પુરા કરવાની.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application