BREAKING NEWS

જામનગર શહેર-જિલ્લાના જનસેવા કેન્દ્રોમાં આધારકાર્ડની કામગીરી ઠપ્પથી દેકારો

  • June 02, 2026 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર-જિલ્લાના જનસેવા કેન્દ્રોમાં આધારકાર્ડની કામગીરી ઠપ્પથી  દેકારો 

હાલાકી: કોન્ટ્રાકટ કર્મીઓને પાંચ-પાંચ મહીનાથી પગાર ન મળતાં સર્જાયેલી સમસ્યા, એજન્સીને પણ નાણાં ચૂકવવામાં ન આવતા અરજદારોનો ખો

લોકોને ધરમના ધકકા થતાં સમય અને નાણાંનો વેડફાટ: નવા આધારકાર્ડ ન નીકળતા અને સુધારા ન થતાં મહત્વની કામગીરી ખોરંભે ચડતા અરજદારો ત્રાહીમામ 

જામનગર શહેર-જિલ્લાના જનસેવા કેન્દ્વોમાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ થતાં દેકારો બોલી ગયો છે. કોન્ટ્રાકટ કર્મીઓને પાંચ-પાંચ મહીનાથી પગાર ન મળતાં અને એજન્સીઓને પણ નાણાં ચૂકવવામાં ન આવતા આધારકાર્ડની મહત્વની કામગીરી બંધ થતાં અરજદારોનો ખો નીકળી રહ્યો છે. લોકોને ધરમના ધકકા થતાં સમય અને નાણાંનો વેડફાટ થઇ રહ્યો છે. નવા આધારકાર્ડ ન નીકળતા અને સુધારા ન થતાં મહત્વની કામગીરી ખોરંભે ચડતા અરજદારો ત્રાહીમામ પોકારી ગયા છે. 

જામનગર શહેર-જિલ્લામાં જુદી-જુદી સરકારી કચેરીમાં કાર્યરત જનસેવા કેન્દ્વોમાં આધારકાર્ડની કામગીરી કરવામાં આવે છે. તદઉપરાંત જુદી-જુદી બેંકો, પોસ્ટઓફીસ સહીતના સ્થળો પર પણ આધારકાર્ડની કામગીરી થઇ રહી છે. હાલમાં બેંક કે અન્ય કોઇ કામગીરીમાં કેવાયસી તથા આવક સહીત અન્ય દાખલા, સરકારી યોજનાના લાભ મેળવવા માટે અરજીઓ, બાળકોને શાળા પ્રવેશ સહીતની અગત્યની કામગીરીમાં આધારકાર્ડ ફરજીયાત છે. આમ છતાં ગઇકાલથી શહેર-જિલ્લામાં જુદી-જુદી સરકારી કચેરીઓમાં કાર્યરત જન સેવા કેન્દ્વોમાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. 

નવાઇની વાત એ છે કે, આધારકાર્ડની કામગીરી કોઇ ટેકનીકલ ક્ષતિના કારણે બંધ થઇ નથી. પરંતુ આધારકાર્ડની કામગીરી કરતા કોન્ટ્રકટ કર્મચારીઓને પાંચ-પાંચ મહીનાથી પગાર મળ્યો નથી. બીજી બાજુ આ કર્મચારીઓ જે એજન્સી હેઠળ ફરજ બજાવી રહ્યા છે તે એજન્સીને પણ સબંધિત તંત્ર દ્વારા નાણાં ચૂકવવામાં ન આવતા આ કામગીરી ઠપ્પ થઇ હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.

આધારકાર્ડ જેવી ખૂબજ કામગીરી ઠપ્પ થતાં અરજદારોમાં ભારે દેકારો બોલી ગયો છે, સાથે સાથે પ્રચંડ રોષની લાગણી પણ ફેલાઇ છે.કારણ કે, કોઇપણ પ્રકારની અગાઉથી જાણકારી વગર આધારકાર્ડની કામગીરી એકાએક ઠપ્પ થતાં અરજદારોને ઘરમના ધકકા થતાં સમયની સાથે નાણાંનો વેડફાટ થઇ રહ્યો છે. હાલમાં તીવ્ર ગરમીમાં દૂર દૂરથી આધારકાર્ડ કઢાવવા તથા સુધારા માટે આવતા અરજદારોને ફોગટ ફેરો થતાં ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે એજન્સી અને કોન્ટ્રાકટ કર્મચારીઓને શા માટે પાંચ-પાંચ મહીનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી તે સળગતા સવાલની સાથે તપાસનો વિષય બન્યો છે. પગાર ચૂકવામાં આવ્યો નથી તો સંબધિત વિભાગના કયાં અધિકારીઓની જવાબદારી છે અને તે અધિકારીઓએ બેદરકારી દાખવી છે કે ગ્રાન્ટ નથી આવી તે સવાલ પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ હકીકત એ છે કે, આધારકાર્ડની કામગીરી ઠપ્પ થતાં હાલમાં તો અરજદારોનો ખો નીકળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application