રાજકોટ શહેરના જિલ્લા ગાર્ડન ચોકમાં ભારત હોટેલ પાસે ગત રાત્રીના સામું જોવા બાબતે યુવક સાથે બોલાચાલી થયા બાદ નવ જેટલા શખ્સો ધોકા, પાઇપ, છરી અને કોયતા જેવા હથિયારો સાથે યુવકના ઘરે પહોંચી બેફામ ગાળો ભાંડી યુવક અને તેના પરિવારમાં ઉપર હુમલો કરી ઘર ઉપર સોડા બોટલના ઘા કર્યા હતા. જતા જતા પરિવારને મારી નાખવાની ધમકી આપી એક્ટિવામાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું. બનાવમાં બે મહિલા સહીત છ વ્યક્તિને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે રાત્રીના તંગદિલી જેવો માહોલ સર્જાતા એ ડિવિઝન પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી. અને નવ જેટલા શખ્સો સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ જિલ્લા ગાર્ડન ચોક નજીક ઘાંચીવાડ શેરી નંબર-6/2ના ખૂણે રહેતો અવેશ નસરુદિનભાઈ ઘોણીયા (ઉ.લવ.28)નો યુવક રાત્રીના જિલ્લા ગાર્ડન ચોકમાં આવેલી ભારત હોટેલે ફાકી ખાવા ગયો હતો ત્યારે હુસેન ઉર્ફે ભાણો હારૂનભાઇ સંધી જોરજોરથી ગાળો બોલતો હોવાથી અવેશે તેની સામે જોતા હુસેન ઉશ્કેરાયો હતો અને કેમ મારી સામે જોવે છે કહી ગાળો આપવા લાગ્યો હતો. યુવકે ગાળો આપવાની ના પાડતા ચા નો કડછો ઉપાડી પીઠમાં મારી લેતા યુવક ત્યાંથી ઘરે ચાલ્યો ગયો હતો દરમિયાન હુસેન ઉર્ફે ભાણો, માહિર મેમણ. સૂફી સંધી, અરબાઝ ઉર્ફે અબો દોઢિયાં, નોઇનખાન યુસુફી, સેફુ સંધી, સલમાન ઉર્ફે ભોદિયો ચૌહાણ, આદિલ સિપાઈ, દેવો કાથડ બધા વાહનોમાં ધોકા, પાઇપ, છરી, કોયતા અને સોડા બોટલો લઈને ઘર બહાર આવી બેફામ ગાળો આપી સોડા બોટલના ઘર ઉપર ઘા કરવા લાગતા યુવક અને તેનો પરિવાર બહાર જોવા માટે નીકળતા યુવકના પિતા નસુરદીનભાઈ, કાકા રફીકભાઇ, કાકી, નઝમાબેનને ઘેરી લઈ ઢીકાપાટુ અને ધોકા વડે મારમાર્યો હતો.
દરમિયાન કાકાનો દીકરો, છોડાવવા વચ્ચે પડતા સેફુ સંધીએ કોયતા જેવા હથિયારથી માથાના ભાગે ઇજા કરતા લોહી લુહાણ થયો હતો. દરમિયાન યુવકના બેન સુમેરાબેન, કાકી નઝમાબેન વચ્ચે આવતા તેને પણ મૂંઢ મારમારી ઇજા કરી હતી. ઘરની બહાર પડેલા એક્ટિવામાં પણ તોડફોન કરી નુકશાન કર્યું હતું. ભારે દેકારો થતા વિસ્તારવાસીઓના ટોળા એકઠા થતા શખસોએ જતા જતા ધમકી આપી હતી કે પોલીસ કેસ કરીશ તો તને અને તારા પરિવારને જીવતા નહીં રહેવા દઉં, પરિવારના સભ્યોને ઇજા થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંગે યુવકની ફરિયાદના આધારે એ.ડિવિઝન પોલીસે હુસેન ઉર્ફે ભાણો હારૂનભાઇ સંધી, માહિર મેમણ, સૂફી સલીમભાઇ સંધી, અરબાઝ ઉર્ફે અબો અલ્તાફભાઈ ડોઢીયા, નોઇનખાન નઝીરભાઈ યુસુફી, સેફુ સલીમભાઈ સંધી, સલમાન ઉર્ફે ભોદિયો ચૌહાણ, આદિલ સિપાઈ, દેવો કાથડ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. રાત્રીના જાહેરમાં થયેલી મારામારી અને સોડા બોટલના ઘા ને પગલે તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો.