ચાર માસ પૂર્વે જ લગ્ન કરનાર યુવકે કરી આત્મહત્યા : આપઘાતનું કારણ અકબંધ

  • July 17, 2021 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મવડીથી કણકોટ જવાના રસ્તે અવાવરૂ જગ્યાએ ઝાડ પર દોરી વડે ગળાફાંસો ખાઈ પરપ્રાંતીય યુવાને આપઘાત કરી લીધો હતો. હાલ દોઢસો ફૂટ રીંગ રોડ પર સરસ્વતી નગરમાં રહેતા મૂળ યુપીના આ યુવાનના ચાર માસ પૂર્વે જ લગ્ન થયા હતા. યુવકે ક્યાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

 

આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના મવડીથી કણકોટ જવાના રોડ પર પાણીના ટાંકા પાસે અવાવરૂ જગ્યાએ આજરોજ સવારના સુમારે ઝાડ પર એક યુવાનને લટકતી હાલતમાં જોઇ કોઈએ પોલીસને જાણ કરી હતી. જેથી તાલુકા પોલીસ મથકના સ્ટાફ તાકીદે અહીં દોડી આવ્યો હતો.બાદમાં યુવાનના મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.

 

પોલીસે તપાસ કરતા અહીં ઝાડ પર દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેનાર યુવાનનું નામ પંકજ જયજયરામ ભારતી (ઉ.વ ૨૧) હોવાનું અને તે મૂળ યુપીનો વતની હોય અને છેલ્લા એક વર્ષથી પોતાના ભાઈ સાથે શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાસે સરસ્વતીનગર શેરી નંબર 3 માં રહેતો હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસે તેના પરિવારજનોને જાણ કરી હતી.

 

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આપઘાત કરી લેનાર પંકજ બે ભાઈ એક બહેનના પરિવારમાં મોટો હતો અને અહીં તે તેના ભાઈ સાથે રહી પીઓપીનું કામ કરતો હતો. યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ગઈકાલ સવારે તે રાબેતા મુજબ કામે ગયો હતો અને સાંજે ઘરે પરત ફર્યા બાદ બાઈક લઈને બહાર નીકળી ગયો હતો. મોડે સુધી ઘરે પરત ન ફરતા તેના ભાઈએ તેને સતત ફોન કર્યા હતા પરંતુ સંપર્ક ન થતાં ખાનગી રાહે તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આજરોજ સવારના આ ઘટનાની જાણ થઈ હતી.પંકજના ચારેક માસ પૂર્વે જ પોતાના વતનમાં લગ્ન થયા હતા હાલ તેની પત્ની વતનમાં હોવાનું જાણવા મળ્યું છે. યુવાને ક્યાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS