BREAKING NEWS

જામનગર મનપાએ ૪૯ દિ.પ્લોટ પાસે વચોવચ્ચ ખોદ્યો મોતનો કૂવો

  • May 26, 2026 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મનપાએ ૪૯ દિ.પ્લોટ પાસે વચોવચ્ચ ખોદ્યો મોતનો કૂવો

બસ ખૂંપી જતાં સર્જાઈ ભારે અફરાતફરી, એમ્બ્યુલન્સ ફસાય અને કોઈનો જીવ જાય પછી જ તંત્ર જાગશે?

જામનગર મહાનગરપાલિકાની અણઘડ કાર્યપદ્ધતિ અને પ્રજાના જીવ પ્રત્યેની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે. દિગ્વિજય પ્લોટ-૪૯ ના ખૂણા ઉપર મેઈન રોડની વચ્ચોવચ છેલ્લા ૪-૫ દિવસથી મનપા દ્વારા કોઈ કામગીરી અર્થે મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. 

તંત્ર દ્વારા સવારથી સાંજ સુધી રસ્તો બંધ રાખી કામ કરાય છે અને અંધારું થતાં જ કોઈ પણ જાતના સાઈન બોર્ડ કે બેરિકેડિંગ વગર રસ્તો રામભરોસે ખુલ્લો મૂકી દેવાય છે. આ ગંભીર લાપરવાહી અંગે ગત તા.૨૩-૦૫-૨૦૨૬ ને શનિવારે રાત્રે આશરે ૧૦ વાગ્યે જ મીડિયા દ્વારા તંત્રને જગાડવા બ્રેકિંગ ન્યૂઝ પણ આપવામાં આવ્યા હતા, છતાં સત્તાધીશોના પેટનું પાણી હલ્યું નહોતું. પરિણામે, બ્રેકિંગ ન્યૂઝ પ્રસારિત થયાના બરાબર એક જ કલાકમાં, એટલે કે રાત્રે ૧૧ થી ૧૧:૩૦ વાગ્યાની આસપાસ એક ખાનગી ટ્રાવેલ્સની બસ આ જોખમી ખાડામાં આવીને ફસાઈ ગઈ હતી. ભીની માટીમાં બસનું ટાયર ગરકાવ થઈ જતાં હાઇવે જેવા ધમધમતા માર્ગ પર ભારે ટ્રાફિક જામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત બાદ સ્થાનિક રહીશો અને અન્ય વાહનચાલકો સહિત આશરે ૪૦ થી ૫૦ જેટલા લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ધક્કા મારીને આ બસને ખાડામાંથી બહાર કાઢી હતી, જેના કારણે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

આ ઘટના બાદ હવે સ્થાનિક જનતા અને વાહનચાલકોમાં તંત્ર સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે, આ તો રાત્રિનો સમય હતો અને લોકો હાજર હતા એટલે બસ નીકળી ગઈ, પરંતુ જો રાત્રે ૨ થી ૩ વાગ્યાના સુમારે કોઈ ગંભીર દર્દીને લઈને જતી ૧૦૮ એમ્બ્યુલન્સ આ ખાડામાં ફસાઈ ગઈ હોત તો તે નિર્જન સમયે તેને બહાર કાઢવા કોણ આવત? એમ્બ્યુલન્સ ફસાવાને કારણે જો સમયસર સારવાર ન મળવાથી કોઈ માસૂમનો જીવ ચાલ્યો ગયો હોત, તો તેનો જવાબદાર કોણ...? મનપાના જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર...? 
સૌથી શરમજનક બાબત તો એ છે કે આટલી મોટી દુર્ઘટના સર્જાયા પછી પણ તંત્રના પાપે પરિસ્થિતિ જૈસે-થે જ છે. તંત્રએ પોતાની ભૂલ સુધારી ખાડાનું યોગ્ય પુરાણ કરવાને બદલે માત્ર ખાડાની આજુબાજુ માટીના ઢગલા ખડકી દઈને સંતોષ માની લીધો છે, જે રાત્રિના અંધારામાં વાહનચાલકો માટે વધુ એક મોતનું છટકું સાબિત થઈ શકે તેમ છે. જામનગરની જનતા હવે સવાલ પૂછી રહી છે કે મનપાનું આ આંધળું-બહેરૂં તંત્ર કોઈ નિર્દોષનો જીવ જાય અને મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈને બેઠું છે..? 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application