દ્વારકામાં પ્રવાસીઓની સુરક્ષા માટે હવે, ખાસ ટુરિસ્ટ પોલીસ સ્ટેશન
નવા યુનિફોર્મ અને એપ દ્વારા મળશે ત્વરિત મદદ : મુખ્ય પ્રવાસન સ્થળો પર ક્ધટેનર આધારિત હેલ્પ ડેસ્ક અને કિયોસ્ક મૂકાશે જેથી તાત્કાલીક સહાય મળી રહેશે
ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર નગરી દેવભૂમિ દ્વારકામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે હવે સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ અને સુવિધાજનક બનવા જઈ રહી છે. ગુજરાતના પોલીસ વિભાગ દ્વારા રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે હેઠળ દ્વારકા સહિત ગીર સોમનાથ અને ડાંગ જિલ્લામાં ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ અંગેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ પ્રવાસીઓને સુરક્ષિત અને મિત્રસભર વાતાવરણ પૂરું પાડવાનો છે.
દ્વારકા જેવા અત્યંત મહત્વના પ્રવાસન સ્થળ પર પ્રવાસીઓની સતત અવરજવર રહેતી હોય છે, ત્યારે આ નવી વ્યવસ્થા હેઠળ જ્યાં પહેલેથી પોલીસ ચોકીઓ કાર્યરત છે, ત્યાં ઉપલબ્ધ સંસાધનોને આધુનિક ટુરિસ્ટ પોલીસ સ્ટેશન તરીકે અપગ્રેડ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું સૌથી મોટું આકર્ષણ પોલીસ કર્મચારીઓનો ખાસ યુનિફોર્મ અને તેમના વાહનો પર અલગ પ્રકારના લોગો રહેશે, જેથી દૂરથી જ પ્રવાસીઓ પોલીસને સરળતાથી ઓળખી શકે અને જરૂર પડ્યે તેમની પાસે મદદ માટે પહોંચી શકે. આ ઉપરાંત, પ્રવાસીઓને ક્યાંય પણ અટવાવું ન પડે તે માટે દ્વારકાના મુખ્ય પ્રવાસન સ્થળો પર ક્ધટેનર આધારિત હેલ્પ ડેસ્ક અને કિયોસ્ક મૂકવામાં આવશે, જ્યાંથી પ્રવાસીઓને તાત્કાલિક માહિતી અને સુરક્ષા સહાય મળી રહેશે.
માત્ર ભૌતિક માળખું જ નહીં, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ પ્રવાસીઓને સક્ષમ બનાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ હેતુ માટે એક ખાસ સેન્ટ્રલ ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી રહી છે. આ એક જ પ્લેટફોર્મ પર પ્રવાસીઓને રાજ્યના પ્રવાસન સ્થળોની માહિતી અને સુરક્ષા સેવાઓ એકસાથે મળી રહેશે, જેનાથી કોઈ પણ મુશ્કેલીના સમયે તેઓ પોલીસ સાથે સીધા સંપર્કમાં રહી શકશે. પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવના જણાવ્યા મુજબ, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો નથી, પરંતુ ગુજરાત આવતા દરેક પ્રવાસીને એક સુરક્ષિત, સુગમ અને ટુરિસ્ટ ફ્રેન્ડલી અનુભવ આપવાનો છે.
તાજેતરમાં મળેલી આ બેઠકમાં IGP વહીવટ તેમજ દ્વારકા, ગીર સોમનાથ અને ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં આ વ્યવસ્થાના અમલીકરણ માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકામાં આ નવી પોલીસ વ્યવસ્થા કાર્યરત થતાની સાથે જ પ્રવાસીઓમાં સુરક્ષાની ભાવના વધશે અને પ્રવાસન ક્ષેત્રે એક નવી સકારાત્મક ઓળખ ઊભી થશે.