લાકડીનો ઘા ઝીંકી હત્યા કરનારને દસ વર્ષની સખત કેદની સજા

  • February 25, 2021 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સગીરાની હેરાનગતિ મામલે ઠપકો આપતાં

પોકસોના કેસમાં અન્ય આરોપીને પણ ત્રણ વર્ષની સખત કેદ 

 

2017માં બે શખસએ સગીરા સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં ઊભી રાખીને હેરાન કરતા હતા. જેથી સગીરાના કાકાએ બંને ઠપકો આપતા બંનેએ ઝઘડો કરીને મારામારી કરી હતી. તેમજ એકે છરીથી હુમલો કરતાં અને અન્યએ તેના માથામાં લાકડી મારતા એક વ્યક્તિનું મોત થયું હતું. આ અંગે કેસ ચાલી જતા કોર્ટે  બંનેને સજા સંભળાવી હતી. જેમાં મુખ્ય આરોપીને 10 વર્ષ અને બીજાને પોકસોની કલમ હેઠળ 3 વર્ષની સખત કેદની સજા આપી છે.

 

2017માં 17 જુલાઈએ સંજય ઉર્ફે લાવરી પ્રેમજી ડાભી નામના શખસે સગીરા સ્કૂલે જતી વખતે રસ્તામાં ઉભા રહી તેનું નામ લઈ, હેરાન પરેશાન કરતો હતો. તેથી સગીરાના કાકાએ સંજય ઉર્ફે લાવરીને ઠપકો આપવા જતાં તેની સાથે ઝઘડો કરી, મારામારી કરી જતા રહ્યા હતા. ત્યારબાદ આરોપી સંજય ઉર્ફે લાવરીએ હાથમાં છરી લઈ આવીને સગીરાના કાકા અને વિમલ ભીખા સરવૈયા સાથે લડાઈ ઝઘડો કર્યો હતો. દરમિયાન અલ્પેશ પ્રેમજી ડાભી (રહે.બંન્ને નેસવડ ગામ, રામાપીરના મંદીર સામે,તા.ઘોઘા)એ હાથમાં લાકડીનો ધોકો લઈ આવીને વિમલભાઈના માથાના ભાગે એક ઘા મારી, ગંભીર ઈજા પહોંચાડી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ગુનાહિત કૃત્યમાં ઉક્ત બંન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.

 

આ બનાવ અંગે ફરીયાદીએ ઘોઘા પોલીસ મથકમાં આરોપી સંજય પ્રેમજી ડાભી અને કલ્પેશ પ્રેમજી ડાભી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંન્ને આરોપીઓ સામે 302, 323, 114 તથા પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ઓફ સેકસ્યુઅલ ઓફેન્સ એક્ટ (પોક્સો) -2012ની કલમ 12 તથા જીપીએક્ટ 135 મુજબનો ગુનો નોંધ્યો હતો.

 

ભાવનગરના સ્પે.જજ (પોક્સો) અને થર્ડ એડીશ્નલ સેસન્સ જજ એ.બી.ભોજકની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.કે.વોરાની અસરકારક દલીલો, મૌખિક પુરાવા -34, દસ્તાવેજી પુરાવા -59 વગેરે ધ્યાને લઈ આરોપી સંજય ડાભીને ઈપીકો કલમ 323 મુજબ ગુના સબબ 6 માસની કેદની સજા અને રોકડ રૂ. એક હજાર દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ 15 દિવસની સજા, આરોપી સંજયને પોક્સો એક્ટની કલમ 12 મુજબના ગુના સબબ ત્રણ વર્ષની સજ રોકડ રૂ. ત્રણ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ એક માસની સજા, આરોપી કલ્પેશ ડાભીને ઇપીકો કલમ 304 ભાગ -2 ના ગુના સબબ 10 વર્ષ સખત કેદની સજા અને રોકડા રૂા.10 હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા અદાલતે ફટકારી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS