BREAKING NEWS

ધ્રોલમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત યોજાઈ વિરાટ રેલી

  • May 09, 2026 04:36 PM 

ધ્રોલમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત યોજાઈ વિરાટ રેલી

ગૌ ભકતો દ્વારા વાછરડીનું પુજન કરી ગૌ માતા કી જયનાં નાદ સાથે રેલીનું પ્રસ્થાન: સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિ


ભારતીય ગૌવંશને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ગૌમાતાનું સન્માન જળવાય તેવા ઉમદા હેતુ સાથે  ધ્રોલ ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત એક વિશાળ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ અને સંતો-મહંતો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

રેલીની શરૂઆત ધ્રોલના ત્રિકોણ બાગથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાય માતાની નાની વાછરડીને આગળ રાખી, ગૌભક્તો દ્વારા તેનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. ગૌ માતા કી જયના ગગનભેદી નાદ સાથે રેલીનું પ્રસ્થાન થયું હતું. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલીમાં ગૌપ્રેમીઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે રામધૂન બોલાવવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ વિરાટ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી, જ્યાં ગૌ સન્માન આહ્વાન અભિયાનના પ્રતિનિધિ મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને દેશી ગૌવંશની સુરક્ષા, સેવા અને તેમને બંધારણીય દરજ્જો આપવા માટેની પ્રબળ માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગૌમાતા એ ભારતની સંસ્કૃતિનું પ્રતીક છે અને તેમને યોગ્ય સન્માન મળે તે દરેક નાગરિકની ફરજ છે.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રેલીમાં ધ્રોલ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાંથી હજારોની સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉમટી પડ્યા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application