જામનગરમાં માલધારી સમાજના પ્રશ્ર્નો અંગે વિશાળ રેલી નીકળી: આવેદનપત્ર
કનુભાઈ દેસાઈના નિવેદનને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સખત વિરોધ નોંધાવ્યો
રબારી, ભરવાડ અને ચારણ માલધારી સમાજ દ્વારા ગઈકાલે જામનગર ખાતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમાજના હકો અંગે જોરદાર રજૂઆત કરવામાં આવી હતી.
વિધાનસભામાં કનુભાઈ દેસાઈ દ્વારા ગીર, બરડો અને આલેચ વિસ્તારના રબારી, ભરવાડ અને ચારણ માલધારી સમાજને આદિજાતિમાંથી દૂર કરવાની બાબતે આપેલા નિવેદનને લઈને સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
આ મુદ્દે રબારી-ભરવાડ-ચારણ માલધારી એકતા સમિતિની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો એકત્ર થયા હતા અને રેલી યોજી હતી. બાદમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ નિવેદનનો સખત વિરોધ નોંધાવ્યો હતો.
સમાજના આગેવાનો દ્વારા સ્પષ્ટપણે જણાવાયું હતું કે માલધારી સમાજના પરંપરાગત હકો અને અધિકારો પર કોઈપણ પ્રકારની આંચ ન આવે તે માટે સરકાર સમક્ષ દ્રઢ રજૂઆત કરવામાં આવી છે.