જામનગર-ભાણવડમાં કુતરાએ લીધા બાળક અને યુવાનના જીવ
ભાણવડમાં રખડતા શ્ર્વાનોનો આતંક: પાંચ વર્ષના માસુમનું કરુણ મોત : મજૂર પરિવાર નોંધારો બન્યો : જામનગરના દિ.પ્લોટમાં કુતરુ આડુ આવતા બાઇક છોટા હાથીમાં અથડાતા આશાસ્પદ યુવાનનો ભોગ લેવાયો : શહેર-જીલ્લામાં રખડતા શ્ર્વાનોના કારણે અકસ્માતના બનાવો યથાવત
જામનગર શહેર, જીલ્લામાં રખડતા કુતરાઓના કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો બને છે દરમ્યાનમાં હાલારમાં કુતરાઓના કારણે બાળક અને યુવાનના જીવ લેવાયાના બે જુદા જુદા બનાવ સામે આવતા અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઇ છે. જેમાં ભાણવડના ખરાવડ વિસ્તારમાં રખડતા શ્વાનોએ એક માસૂમ જીવ લીધો છે. રમતા-રમતા શ્વાનનો શિકાર બનેલા પાંચ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા સ્થાનિકોમાં અરેરાટી સાથે ફફડાટ વ્યાપી ગયો છે. રખડતા શ્ર્વાનના કારણે જામનગરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં એક યુવાને બાઇક પરથી કાબુ ગુમાવતા છોટા હાથીમાં અથડાતા અકસ્માત નડયો હતો જેમાં યુવાનનું મૃત્યુ નિપજયુ છે, આ ઘટનાએ ફરી એકવાર રસ્તા પરની સુરક્ષા અને ગતી મર્યાદા તથા રખડતા શ્ર્વાન બાબતે સવાલો ઉભા કર્યા છે.
મળતી વિગતો મુજબ, ભાણવડના ખરાવડ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરપ્રાંતિય પરિવારનો પાંચ વર્ષનો પુત્ર વિરાજ ઠાકરે ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન એકાએક ધસી આવેલા હિંસક શ્વાને બાળક પર હુમલો કરી ગંભીર રીતે બચકાં ભર્યા હતા. લોહીલુહાણ હાલતમાં માસૂમને ત્વરિત ભાણવડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર બાદ બાળકે દમ તોડી દીધો હતો.
પોતાના લાડકવાયાના મોતના સમાચાર સાંભળતા જ શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હોસ્પિટલ પરિસરમાં મજૂર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ કોઈ પહેલી ઘટના નથી, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાનું પરિણામ છે. સરકાર અને સ્થાનિક પાલિકા તંત્ર રખડતા શ્વાનોના ત્રાસને રોકવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે.
શ્ર્વાનોના ખસીકરણ અને રસીકરણ પાછળ લાખોનો ધુમાડો થતો હોવાના દાવા કરાય છે, પણ વાસ્તવિકતામાં શેરીઓમાં હિંસક શ્વાનોની સંખ્યા સતત વધી રહી છે. શું સરકાર કોઈ મોટા નેતા કે અધિકારીના બાળક સાથે આવી ઘટના બને તેની રાહ જોઈ રહી છે? એક ગરીબ મજૂરના બાળકના જીવની કિંમત તંત્રની નજરમાં કંઈ જ નથી તેવું આ ઘટના પરથી સ્પષ્ટ દેખાય છે.
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે. રખડતા શ્વાનોના ડરથી હવે બાળકોને બહાર મોકલવા પણ જોખમી બની ગયા છે. જ્યારે કોઈ નિર્દોષ બાળક આવી રીતે જીવ ગુમાવે, ત્યારે તેની જવાબદારી સીધી રીતે જે-તે વિસ્તારના વહીવટી તંત્ર અને નગરપાલિકાની બને છે. માત્ર ’દુ:ખ વ્યક્ત’ કરવાથી કે તપાસના આદેશ આપવાથી વિરાજ પાછો નહીં આવે. જો સરકાર હજુ પણ જાગશે નહીં અને કડક પગલાં નહીં ભરે, તો આગામી દિવસોમાં જનતાનો રોષ ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ભાણવડ પંથકમાં આજે ગમગીની સાથે એક જ સવાલ ગુંજી રહ્યો છે આવા કિલર શ્ર્વાનોથી અમને મુક્તિ ક્યારે મળશે ?
અકસ્માતના બીજા બનાવમાં જામનગરના દિ.પ્લોટ ૫૮માં રહેતા મુકેશ મોહનલાલ કટારમલ (ઉ.વ.૫૩) નામના આધેડે સીટી-એ ડીવીઝનમાં ગઇકાલે સાંઢીયાપુલ માધવબાગ-૧ ખાતે રહેતા વિશાલ જગદીશ કટારમલ સામે જાહેર કરેલી ફરીયાદ અનુસાર ગત તા. ૨૭-૩-૨૬ના રોજ ફરીયાદીનો ભત્રીજો જે આ કામના આરોપી હોય તેઓ પોતાનુ એકસેસ બાઇક નં. જીજે૧૦ઇજે-૯૩૬૩ લઇને જતા હતા, દરમ્યાન ગફલતભરી રીતે ચલાવી દિ.પ્લોટ ૫૮ કેળાની વખાર પાસે અચાનક કુતરુ આડુ આવતા બાઇક પરનો કાબુ ગુમાવતા સાઇડમાં પડેલા છોટાહાથીમાં ભટકાડી પોતાને માથા, મોઢા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચાડી પોતાનું મોત નિપજાવ્યુ હતું. આ વિગતોના આધારે હેડ કોન્સ. વિ.એમ. રાવલ તપાસ ચલાવી રહયા છે.