વિંછીયાના છાસિયા ગામના યુવાનને વ્યાજખોર દ્વારા મારી નાખવા ધમકી

  • April 12, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
વીંછિયા તાલુકાના છાસિયા ગામે રહેતા અને ખેત મજૂરીનું કામ કરનાર યુવાને સાયલાના નડાળા ગામના શખસ પાસેથી રૂપિયા ત્રણ લાખ વ્યાજે લીધા હતા. બાદમાં તે વ્યાજની રકમ ચૂકવી ન શકતા આ શખસે રૂપિયા 7 લાખની પઠાણી ઉઘરાણી કરી અને તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવાને વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે મની લેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


મૂળ વીંછિયાના હડમતીયા ગામના વતની અને હાલ છાસિયા ગામે રહેતા વીરજીભાઈ લખમણભાઇ ઉપદળા(ઉ.વ 36) નામના યુવાને વીંછિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાયલાના નડાળા ગામના વતની નાગજી સંગાભાઈ સાંબડનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે અને તે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.


બે વર્ષ પૂર્વે તેણે વીંછિયા તાલુકાના ગોરૈયા ગામે બે વર્ષ માટે જમીન વાવવા રાખી હતી. આ જમીનમાં જીરૂનું વાવેતર કરવું હોય જેથી પૈસાની જરૂરિયાત હોવાથી સાયલાના નડાળા ગામના નાગજી સાંબડ ગોરૈયા ગામના બસ સ્ટેન્ડ પાસે મળ્યા હતા ત્યારે નાગજીભાઈ પાસેથી ઉછીના રૂપિયાની માંગણી કરતા તેણે કહ્યું હતું કે, હું 10 ટકા લેખે વ્યાજે રૂપિયા આપીશ જેથી યુવાને તેની પાસેથી રૂ.3 લાખ વ્યાજે રકમ લીધી હતી જેનું દર મહિને રૂ.30,000 વ્યાજની આ નાગજી ઉઘરાણી કરતો હોય પરંતુ વ્યાજના પૈસા ફરિયાદી ચૂકવી શક્ય ન હતા.


એક વર્ષ પૂર્વે રૂપિયા 1 લાખ નાગજીભાઈને ચૂકવ્યા હતા. નડાળા ગામમાં ભુપતભાઈ દરબારનું પણ ભાગ્યું રાખેલ હોય તે અહીં વાડીએ જાય ત્યારે નાગજી તેની પાસે પઠાણી ઉઘરાણી કરતો હતો તેમજ ફોન કરીને કહેતો હતો કે હવે વ્યાજના રૂપિયા નહીં આપ તો વ્યાજ વધતું જશે અને કહ્યું હતું કે મેં તને આપેલા રૂપિયા વ્યાજ સહિત 17 લાખ થાય છે પરંતુ તું 7 લાખ રૂપિયા આપી દે એટલે તારો બધો હિસાબ પૂરો થઈ જશે. જેથી યુવાને આજથી પંદરેક દિવસ પૂર્વે નાગજીભાઈને રૂ.40,000 આપ્યા હતા અને કહ્યું હતું કે તમારા બાકીના રૂપિયા માટે મને થોડો સમય આપો. હું તમારા વ્યાજના રૂપિયા તમને પરત આપી દઈશ તેમ કહેતા નાગજી અવારનવાર ગોરૈયા ગામે ભેગો થતો ત્યારે કહેતો હતો કે તું મને સાત લાખ રૂપિયા આપી દેજે એટલે તારો હિસાબ પૂરો થઈ જાય અને જો નહીં આપે તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ તેમ કહી પઠાણી ઉઘરાણી કરી ફોન પર ધમકી આપતા યુવાને આ મામલે વીંછીયા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application