BREAKING NEWS

રાજકોટના વાવડીમાં પૈસાની લેતી-દેતીમાં મિત્રએ પથ્થરના ઘા ઝીંકતા યુવકનું મોત

  • May 19, 2026 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં મિત્રએ મિત્રને પથ્થરના ઘા મારતા ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હત્યા કરનાર શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન તેજ કર્યા છે. બંને મિત્રો વચ્ચે પૈસાની લેતી દેતી હોય જે બાબતે ઝગડો થતા પથ્થર વડે હુમલો કરતા મોત નીપજ્યું છે.


વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતો અને કારખાનામાં મજૂરી કામ કરતા સુધીરકુમાર તિવારી ગત તા.૧૩ના બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં વાવડી નજીક આવેલા રોયલ ઇનોવેશન કારખાના પાસે હતો ત્યારે બિલાલ ભટ્ટી સાથે પૈસાની ઉઘરાણી મુદ્દે બોલાચાલી થયા ત્યાંના દુકાનદારોએ દૂર જઈને માથાકૂટ કરવાનું કહેતા બંને દુકાનથી આગળ દૂર એક ઝાડ નીચે જઈ ઝગડો કરતા બિલાલે ઉશ્કેરાઈ જઈને મોટો પથ્થર ઉપાડી સુધીરકુમારના માથાના ભાગે મારી દેતા યુવકને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને ત્યાંજ બેભાન થઇ ઢળી પડ્યો હતો. આ જોઈ બિલાલ ત્યાંથી નાશી છૂટ્યો હતો.


બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ જતા કોઈએ 108ને જાણ કરતા યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે છ દિવસની સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવની જાણ તાલુકા પોલીસને થતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી બિલાલ ભટ્ટી સામે હત્યાની કલમનો ઉમેરો કરી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સુધીર મૂળ બિહારનો વતની હતો અને વતનથી ૨૫ દિવસ પહેલા જ કામ માટે આવ્યો હતો. દરમિયાન બિલાલ સાથે પરિચય થતા બંને વચ્ચે પૈસાની લેતી દેતી થઇ હતી. જે પૈસાની ઉઘરાણીમાં હત્યા સુધી મામલો પહોંચ્યો હતો. બનાવથી બે સંતાનોએ પિતાનું છત્ર ગુમાવી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News