જામજોધપુરમાં યુવાન પર હથિયારોથી હુમલો

  • March 19, 2024 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝઘડો કરી રહેલાઓને છુટા પાડવા જતા મામલો બિચકયો: લાખાબાવળમાં યુવાનને ધોકો ફટકાર્યો

જામજોધપુરના લાડવા શેરીના ખુણે ઝઘડો કરી રહેલાઓને છુટા પાડવા ગયેલા કોળી યુવાન પર હથીયારોથી હુમલો કરી ઇજા કર્યાની તેમજ ધમકી દીધાની મહિલા સહિત ચાર સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે. જયારે લાખાબાવળ ગામમાં એક યુવાન પર ધોકા વડે હુમલો કરી ફ્રેકચર જેવી ઇજા કર્યાની ગામમાં રહેતા શખ્સ સામે ફરીયાદ કરાઇ છે.
જામજોધપુરના ગંજીવાડામાં રહેતા ડ્રાઇવીંગ કરતા અમિત ભગવાનજીભાઇ વરાણીયા (ઉ.વ.૩૮) નામનો યુવાન આરોપી ઝઘડો કરતા હોય જેમને છુટા પાડવા માટે ગત તા. ૫ના રોજ ગયો હતો દરમ્યાન આરોપીઓએ અપશબ્દો બોલી છરી, ધારીયા અને પથ્થર વડે હુમલો કરી ફરીયાદી અમિતભાઇને શરીરે ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
આ અંગે અમિતભાઇ લાડવા શેરીના ખુણે રહેતા તૌફીક હુશેન મકરાણી, રીઝવાન હુશેન મકરાણી, મેરુન હુશેન મકરાણી તથા ખેરુન હુશેન મકરાણીની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
અન્ય એક બનાવમાં જામનગરના લાખાબાવળ ગામમાં રહેતા છુટક મજુરી કરતા સલીમ ઇબ્રાહીમ ખીરા (ઉ.વ.૪૩) નામના યુવાનને ગત તા. ૧૭ સાંજના સુમારે લાકડાના ધોકા વડે માર મારીને ગોઠણથી નીચેના ભાગે ફ્રેકચર કર્યુ હતુ તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો, આ અંગે સલીમભાઇએ ગઇકાલે પંચ-બીમાં લાખાબાવળ ગામમાં રહેતા ચીનો વલીમામદ સમાણીની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.
***
હદપારીનો ભંગ કરી સલાયાના શખ્સ દ્વારા પોલીસ કર્મીને ધમકી: દંપતિ દ્વારા પોલીસની ફરજમાં રુકાવટ સબબ ફરિયાદ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને વિવિધ ગંભીર ગુનાઓમાં હદપારીની સજા ભોગવતા શખ્સ દ્વારા સલાયામાં આવી, અને પોતાની પત્નીની સાથે મળી, પોલીસ કર્મચારીઓને ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરજમાં રૂકાવટ કરતા આ અંગે ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણ અંગે સલાયા પોલીસ મથકના કોન્સ્ટેબલ વી.વી. માયાણી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે સલાયામાં અગાઉ કલમ ૩૦૭ જેવા ગંભીર ગુનાઓમાં નામદાર હાઇકોર્ટ દ્વારા તેને દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદમાં પ્રવેશ ન કરવાનો હુકમ કરાયો હતો. આ શખ્સ દ્વારા સલાયા ખાતે તેના રહેણાંક મકાનમાં આવી અને હાઇકોર્ટના હુકમનો ભંગ કરતા આના અનુસંધાને કોન્સ્ટેબલ માયાણી તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ આ અંગે ચેકિંગ કરવા રિઝવાન રજાકના ઘરે જતા અહીં રિઝવાન તેમજ તેના પત્ની હાફિયા રિઝવાન સંઘારએ પોલીસની ફરજને રોકવા અને સ્વૈચ્છિક રીતે પોતાને ઇજાગ્રસ્ત કરવા માટે પોતાના હાથમાં રહેલી બ્લેડ વડે પોતાને ઇજાઓ પહોંચાડી હતી.
આટલું જ નહીં, પોલીસ કર્મચારીઓની સલામતીને જોખમમાં મૂકી, આ દંપતીએ પોલીસને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ અંગે સલાયા મરીન પોલીસે આરોપી દંપતિ સામે આઈ.પી.સી. કલમ ૧૮૬, ૩૩૬, ૫૦૪, ૫૦૬ (૨) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application