બે મહિના પછી હત્યા થયાનું ખુલ્યુંઃ ભાયાવદરમાં યુવાનને ટૂંપો આપી હત્યા કરી લાશ ચેકડેમમાં ફેંકી દીધી, ત્રણ શખસો સાથે ઝઘડો થયો હતો

  • February 28, 2025 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ એમ.પીના અલીરાજપુર જિલ્લાના વતની અને છેલ્લા ઘણા સમયથી ભાયાવદર પાસેના પડવલા ગામની સીમમાં વાડીએ ખેતમજૂરી કામ કરનાર યુવાનની બે માસ પુર્વે અહીં જામવાડી નદીના ચેકડેમમાંથી લાશ મળી આવી હતી.આ યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ થયો છે.બનાવ નજરે જોનારે પોલીસ પાસે આવી હકિકત જણાવી હતી.મૂળ એમ.પી ના જ વતની ત્રણ શખસો સાથે યુવાનને કોઇ બાબતે ઝઘડો થતા તેને ગળાટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશ અહીં નદીમાં ફેંકી દીધી હતી.આ અંગે ભાયાવદર પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી ભાયાવદર પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મૂળ એમ.પીના અલીરાજપુર જિલ્લાના જાવાડા ગામના વતની અને હાલ રાજકોટ તાલુકાના ગૌવરીદડ ગામની સીમમાં મગનભાઇ ઘાટીયાની વાડીએ ખેતમજૂરીનું કામ કરનાર મુનાભાઇ ઉર્ફે મોહનભાઇ નરસિંહભાઇ બામનીયા(ઉ.વ ૫૬) દ્વારા ભાયાવદર પોલીસ મથકમાં તેના પુત્ર દીતીયા(ઉ.વ ૩૫) ની હત્યા કર્યા અંગે મૂળ એમ.પીના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના વતની ધારજી ફતીયાભાઇ ગુલશનભાઇ બામનીયા, વિક્રમ મેથુભાઇ વાખલા અને વિજય સંગોડીયાના નામ આપ્યા છે.

પ્રૌઢે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને સંતાનમાં ચાર પુત્ર અને ચાર પુત્રી છે.જેમાં દીતીયો વચેટ હતો.તે ભાયાવદર પાસે આવેલા પડવલા ગામની સીમમાં વાડીએ ખેતમજુરીનું કામ કરતો હતો.ગત તા.૨૯/૧૨/૨૦૨૪ ના રોજ દીતીયાની ભાયાવદર પાસે જામવાડી નદીના ચેકડેમના પાણીમાંથી લાશ મળી આવી હતી.જે અંગે પોલીસે જાણ કર્યા બાદ પરિવાર અહીં પહોંચ્યો હતો અને મૃતદેહને ઓળખી કાઢયો હતો.જે તે સમયે ડુબી જવાથી યુવાનનું મોત થયું હોવાનું માલુમ પડયું હતું અને બાદમાં તેની અંતિમ વિધિ કરી નાખી હતી.

બાદમાં રમેશભાઇ કાછડીયાની વાડીએ રહેતા અને મજુરીકામ કરનાર ભરતભાઇએ બનાવ નજરે જોયો હોય જેણે તેના પરિચિત મહેશભાઇ કટારાને આ વાત કરતા તેણે હિંમત આપતા પોલીસ સ્ટેશન આવી હત્યાના આ બનાવ વિશે હકિકત જણાવી હતી.જેમાં તેણે જણાવ્યું હતું કે, આરોપી ધારજી ફતીયા બામનીયા, વિક્રમ વાખલા અને વિજય સીંગાડીયા દીતીયા સાથે હતાં.ત્યારે દીતીયાને તેને સાથે કોઇ બાબતે ઝઘડો થતો આ શખસોએ યુવાનને ગળાટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશ ચેકડેમમાં નાખી દીધી હતી.આ હકિકત સામે આવ્યા બાદ પોલીસે યુવાનના પિતાની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.યુવાનની હત્યા પાછળનું કારણ શું સહિતની બાબતો અંગે ભાયાવદર પોલીસ મથકના પીઆઇ વી.એમ.ડોડીયા તપાસ ચલાવી રહ્યા છે.


યુવાનની પત્ની સર્ગભા હોય તેને વતન મૂકી આવ્યો હતો

હત્યાનો ભોગ બનનાર યુવાનને સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે.બનાવ પૂર્વે યુવાનની પત્ની સર્ગભા હોય ડિલેવરી માટે તે તેને વતન મૂકી આવ્યો હતો અને બનાવના થોડા દિવસો પૂર્વેથી તે અહીં ભાયાવદર પાસે એકલો રહેતો હતો.એક તરફ યુવાનની લાશ મળી બીજી તરફ તેના થોડા દિવસો બાદ યુવાનની પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application