હાં બાબુ યે ગ્રેટ ગોલ્ડન સરકસ હૈ: રશીયા, આફ્રીકન, મણીપુર સહિતના બે ડઝન કલાકારોના હેરતઅંગેજ કરતબો

  • May 27, 2023 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવાઇઝુલા, ફાયર ડાન્સ, ગર્લ્સ સાઇકલીંગ, રીંગ-સાડી ગર્લ વિગેરે જીમ્નેસ્ટીકની જમાવટ : લોકો તરફથી સારો પ્રતિસાદ

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગ્રેટ ગોલ્ડન સરકસ ચાલી રહયું છે જેને લોકો તરફથી સારો પ્રતિસાદ સાંપડી રહયો છે, રશીયન, આફ્રીકન, મણીપુર એ અન્ય પ્રાંતના કલાકારો દ્વારા હેરતઅંગેજ કરતબો બતાવીને લોકોનું મનોરંજન કરવામાં આવી રહયું છે, આજે સોશ્યલ મિડીયા અને મનોરંજનના અનેક માઘ્યમો હાથવગા હોવા છતાં સરકસનો ક્રેઝ ખાસ કરીને બાળકોમાં યથાવત રહયો છે, એ વાત જુદી છે કે હવે સરકસમાં એક સમયે ભારે રોમાંચ જગાવતા પ્રાણીઓને બાકાત કરવામાં આવ્યા છે તેમ છતાં અવનવા કરતબો અને પેટ પકડીને હસાવતા જોકરો જમાવટ કરી રહયા છે.
જામનગરમાં કોરોનાકાળ બાદ લાંબા સમયે ધ ગ્રેટ ગોલ્ડન સરકસનું આગમન થયું છે, આ સરકસ મુળ અમદાવાદ સરખેજનું હોવાથી ગ્રેટ ગોલ્ડન સરકસને ગુજરાતનું સરકસ કહી શકાય છે, સાડા પાંચ દાયકાની સફળતમ સફર આ સરકસની રહી છે, છેલ્લે જામનગરમાં ૨૦૧૮માં કાફલો આવ્યો હતો અને હવે ચાલુ વર્ષે કલાકારો સહિતનો ૧૦૦થી વધુ માણસોનો કાફલાએ અહીંના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પડાવ નાખ્યો છે.
ગ્રેટ ગોલ્ડન સરકસના મેનેજર મહેન્દ્રભાઇ દાસ, બશીરભાઇ, ક્રિષ્નાભાઇ સંકલનકર્તા એરોઝ એડ. વાળા દિપકભાઇ પારેખ સાથે વાતચીત કરતા તેમણે ગ્રેટ ગોલ્ડન સરકસ વિશે વિગતો વર્ણવી હતી, મહેન્દ્રભાઇએ આજકાલ સાથેની  વાતચીતમાં જણાવ્યુ હતું કે, સાડા પાંચ દાયકાની ગ્રેટ ગોલ્ડન સરકસની સફર છે, અહીં જામનગરમાં અમોને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહયો છે, પરંતુ સરકારે સરકસમાં હવે જાનવરો પર પ્રતિબંધ લાદતા થોડો રોમાંચ ઓછો થયો છે તેમ છતાં આજે પણ બાળકો સહિતના સરકસની મજા માણીને મનોરંજન મેળવે છે. ખાસ કરીને વિકેન્ડ અને વેકેશનના કારણે ભીડ રહે છે.
ગ્રેટ ગોલ્ડન સરકસમાં રશીયન, આફ્રીકન સહિતના ૨૦ જેટલા કલાકારો અને અન્ય મળીને ૧૦૦ જેટલા માણસો જોડાયેલા છે, અઢી કલાકનો દરરોજના ત્રણ શો હોય છે, જેમાં બપોરે ૩-૩૦, સાંજે ૬-૩૦ અને રાત્રે ૯-૩૦નો સમાવેશ થાય છે, સામાન્ય રીતે અમારુ ૫૦ દિવસનું શેડયુલ હોય છે એ પછી લોકોની ડીમાન્ડ પ્રમાણે દિવસોમાં વધઘટ થઇ શકે છે, અમારા સરકસમાં હવાઇઝુલા, ફાયર ડાન્સ, ગર્લ્સ સાયકલીંગ, મણીપુરી હેરતઅંગેજ, રીંગ-સાડી ગર્લ, વેઇટ લીફટીંગ, રશીયન પહેલવાનના કરતબ, મેઝીક, જોકર આઇટમ, બાઇકનો મોતનો કુવો, બેલેન્સીંગ, શુટીંગ, હન્ટર, જીમ્નેસ્ટીક જેવી ૩૫ જેટલી અલગ અલગ આઇટમો રજુ કરવામાં આવે છે, આ દિલધડક કરતબો અને જોકરના હાસ્ય પ્રોગ્રામ લોકોને પસંદ આવ્યા છે.
આગળ કહયુ હતું કે, એક સમયે સરકસનો ગોલ્ડન પિરીયડ હતો અને ૩૦૦થી વધુ સરકસો હતા હવે બહુ ઓછા છ થી આઠ જેટલા સરકસો રહયા છે, અમે વર્ષ દરમ્યાન જુદા જુદા છ સ્થળે સરકસનું આયોજન કરીએ છીએ અને સીઝન પ્રમાણે સમયની ગોઠવણી કરાતી હોય છે, ભારત સરકારે પ્રાણીઓ પર પ્રતીબંધ લગાવતા અમો પ્રાણી રાખી શકતા નથી, સરકાર સરકસને જીવંત રાખવા જમીન ભાડા અન્ય બાબતે રાહત આપે એવી અપેક્ષા છે, કારણ કે આમા ઘણા બધા પરિવારોની રોજી રોટી છે.
સરકસમાં વિશાળ કાફલો, સાઉન્ડ સિસ્ટમ, લાઇટીંગ અને ડીફરન્ટ સજાવટ આકર્ષણનું કેન્દ્ર બને છે તેમા વળી આ વખતે ગ્રેટ ગોલ્ડન સરકસમાં જુદા જુદા બાળકોને ગમે તેવા ફોટો ગેલેરી આકર્ષણનું કેન્દ્ર બની છે, લોકો આવન જાવન કરતી વેળાએ સેલ્ફીનો આનંદ લે છે, એક સમય હતો કે સરકસ માટે લોકોમાં અનેરો ઉત્સાહ હતો, પ્રચાર પ્રસાર માટે ઘોડાગાડી-રીક્ષામાં અલગ અલગ વિસ્તારોમાં જઇને જાહેરાત કરાતી, ડીસ્કાઉન્ટ કુપનો અપાતા હતા અને ખાસ તો સરકસની સર્ચલાઇટ દુર દુર સુધી જોવા મળતી અને એ લાઇટ જોઇને નગરજનો સમજી જતા કે શહેરમાં સરકસ આવી ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application