BREAKING NEWS

રાજકોટમાં 1500 કરોડના સાયબર કૌભાંડમાં યસ બેંકના મેનજર-બે કર્મીની ધરપકડ, જાણો કેવી રીતે આચરવામાં આવ્યું મસમોટું સ્કેમ?

  • April 20, 2026 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત કરોડોના સાયબર ફ્રોડના પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં ગોંડલ યાર્ડની પેઢીના એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ ચકચારી કૌભાંડમાં અગાઉ ૧૭ આરોપી ઝડપાયા બાદ પોલીસે હવે આ પ્રકરણમાં નવો ઘટસ્ફોટ કરી યશ બેંકના મેનેજર અને બે કર્મચારી સહિત વધુ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.


રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્તની સૂચના હેઠળ તથા રાજકોટ એસ.પી વિજય સિંહ ગુર્જરએ રાજ્ય વ્યાપી ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ધરાવતા બેન્ક એકાઉન્ટ ની માહિતી એકત્રિત કરી કામગીરી શરૂ કરવા સુચના કરેલ હોય જેના આધારે સાયબર ક્રાઇમના પીઆઇ આર.જે. ગોધમની રાહબરીમાં પીએઅસઆઇ એમ.એન.રાઠોડ, સી.બી.વાંક, એ.એન.કામળીયા તથા સાયબર પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્યના સ્ટાફને સાથે રાખી સાયબર ક્રાઇમ ગાંધીનગરનાઓ તરફથી મળેલ માહિતીના આધારે શંકાસ્પદ એકાઉન્ટ બાબતે તપાસ કરતા તે એકાઉન્ટ પૈકી પડધરી મોવીયા યશ બેન્ક ખાતે ખુલેલ બેન્ક એકાઉન્ટ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ જ્યોત ટ્રેડીંગ કંપનીના ખાતામાં તપાસ કરતા એકાઉન્ટમાંથી આશરે ૨૦૦ કરોડની આસ-પાસની લેવડ-દેવડ મળી આવેલ. જેના આધારે પડધરી પોલીસ સ્ટેશન ગુન્હો રજીસ્ટર કરાવી આ ગન્હાની તપાસ દરમિયાન કુલ ૨૦આરોપીઓ ને અટક કરવામાં આવેલ છે. અને આ આરોપીઓ પૈકી કુલ ૧૭ આરોપીઓ હાલ કોર્ટ કસ્ટડીમાં છે.


સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનામાં હાલ યશ બેંકના મેનેજર કલ્પેશભાઇ વીઠ્ઠલભાઇ ડાંગરીયા (રહે. કાલાવડ શિતળા જિ.જામનગર) અને બેંકના બે કર્મચારી મૌલિક રામજીભાઇ કમાણી (રહે. પાતા મેઘપર તા.કાલાવડ) અને અનુરાગ ચંદુભાઇ બાલધા (રહે. જામકંડોરણા તા. જામ કંડોરણા જિ. રાજકોટ) ની ધરપકડ કરી છે.


આ અંગે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં એસપીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આરોપી મૌલિક રામજીભાઇ કમાણી પોતે બી.બી.એ નો અભ્યાસ કરી યસ બેન્કમાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતા હોય, તે દરમ્યાન તેઓ આ ગુન્હાના કામે અગાઉ પકડાયેલ આરોપી મનિષ કમાણી, જય નાદપરા, રૂષિત રૈયાણીતથા લાલાભાઇ ઝાલાવડીયાનાઓ સાથે સતત સંપર્કમાં રહી અને આરોપીઓ સાથે મળી. જે સાહેદોના નામે તેમની જાણ બહાર તેમના નામની પેઢીઓના પ્રોપરાઇટર તરીકેના બેન્ક એકાઉન્ટ તેની બ્રાન્ચમાં ખોલાવવામાં મદદ કરી, ત્યાર બાદ અલગ અલગ બેન્ક એકાઉન્ટ માં આરોપીઓ દ્વારાજ આ સાહેદોના એકાઉન્ટ ઓપરેટ થતાં હોય તેવું જાણવા છતાં, આ આરોપીઓને હાઇ વેલ્યૂ ટ્રાનજેક્શન કરવામાં આધારભૂત મદદ કરી, તથા જ્યારે આ લેવડ દેવડ અંગે બૅન્કિંગ સિસ્ટમમાં કોઈ પણ એલર્ટ આવે ત્યારે આ આરોપી તથા તત્કાલીન બૅન્ક મેનેજર આરોપી કલ્પેશ ડાંગરિયા કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા અંગેની પ્રકિયાનું પાલન કર્યા વગર બેન્કના ઉપરી અધિકારીઓને પોતાની ઓથોરિટીનો દૂરૂપયોગ કર્યો હતો.


જયારે આરોપી કલ્પેશભાઇ વીઠ્ઠલભાઇ ડાંગરીયાએ અગાઉ પકડાયેલ આરોપી મનિષ કમાણી તથા જય નાદપરા તથા રૂષિત રૈયાણીનાઓ સાથે મળી આ કામે સાહેદોના નામે તેમની જાણ બહાર તેના નામની પેઢીઓના પ્રોપરાઇટર તરીકેના બેન્ક એકાઉન્ટ યસ બેન્કની જુદી જુદી બ્રાન્ચમાં ખોલાવવામાં આધારભુત ભુમીકા ભજવી , જેમાં અગાઉ પકડાયેલ આરોપીઓ તથા તે સીવાય પકડવાના બાકી રહેલ આરોપી યાજ્ઞિક ઉર્ફે લાલા ઝાલાવાડીયા આ બેન્ક એકાઉન્ટ ખોટી પેઢીઓ ઉભી કરી સાહેદોને ખોટુ ગૃહ ઉદ્યોગ લગત વેપાર કરવા માટેની પેઢીમં ભાગીદાર તરીકે રાખવાની લાલચ આપી તેના પાસેથી તેના કે.વાય.સી. લગત ડોકયુમેન્ટ જેમાં આધારકાર્ડ તથા પાનકાર્ડ તથા તેના ફોટા તથા સાહેદોના નામે સીમકાર્ડ લઇ બેન્ક એકાઉન્ટ ખોલાવેલ હોય જે આ હાલના અટક કરવાના આરોપી પોતે. બેન્ક મેનેજર હોય તે આ તમામ ખાતાઓ તેમના મૂળ ખાતા ધારક સિવાય, આરોપીઓ દ્વારા જ આ ખાતાઓનો ઉપયોગ છેતરપિંડીની મોટી રકમની રોજબરોજ લેવડ દેવડ કરી રહેલ હોય તેવું જાણવા છતાં તથા આરોપી કલ્પેશ ડાંગરિયા તથા આરોપી મૌલિક કમાણી જાણતા હોય કે રોજ બરોજ ના ચેક સહિતના મહત્વ ના દસ્તાવેજો માં સહીઓ મૂળ ખાતા ધારકો ની જગ્યાએ આરોપીઓ જાતે જ ખોટી બનાવટી સહીઓ કરતાં હતા તેમ છતાં, પોતાના અંગત આર્થિક લાભ મેળવવાના બાદ ઈરાદા સાથે આ બેન્ક એકાઉન્ટમાં આરોપીઓ દ્વારા સાયબર ફ્રોડતથા અન્ય છેતરપિંડીથી મેળવેલના રૂપિયાનું ટ્રાન્જેકશન કરવામાં મદદ કરેલ છે.


ત્રીજા આરોપી અનુરાગ ચંદુભાઇ બાલધાએ અગાઉ પકડાયેલ આરોપી મનિષ કમાણી તથા જય નાદપરા તથા રૂષિત રૈયાણી તથા લાલાભાઇ ઝાલાવડીયાનાઓ સાથે સંપર્કમાં હોય અને પોતે યસ બેન્કમાં જવાબદાર પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતા હોય અને તેઓ આ આરોપીઓના બેન્ક એકાઉન્ટ ઓપનીંગ કરવા માટે ગયેલ ત્યારે આરોપીઓ દ્વારા જ બેન્ક અકાઉન્ટ ખોલવાના ફૉર્મમાં સાહેદોની બનાવટી સહીઓ કરી આરોપીને આપેલ તથા કરંટ એકાઉન્ટ ખોલવાની રિજર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાની કડક ગાઈડલાઇન હોવા છતાં આ કોઈ પણ નિયમોનું પાલન કર્યા વગર આ કામના સાહેદોના નામે તેમની જાણ બહાર તેમના નામની પેઢીઓ ખોલી આ આરોપીઓ પૈકી રૂષિત રૈયાણીનાએ પોતે પ્રોપરાઇટરની ખોટી સહી કરી હતી.


કેવી રીતે આચરવામાં આવ્યું મસમોટુ કૌભાંડ?

આરોપીઓએ અલગ અલગ સમય અને સ્થળે પુર્વ આયોજીત કાવતરૂ રચી, ગુજરાત રાજય તથા અન્ય રાજયના અલગ અલગ ભોગબનનાર વ્યકિતઓને બદદાનતથી કપટપુર્વક લલચાવી તેઓ સાથે સાયબર ફ્રોડ દ્રારા છેતરપીંડી કે ઠગાઇ કરી નાણા મેળવી,ગુન્હો કરેલ છે. આ તપાસ દરમ્યાન અત્યાર સુધીમાં પકડાયેલ આરોપીઓ એકબીજાની સાથે સુવ્યવસ્થિત રીતે મેળાપીપણુ કરી આરોપીઓ દ્વારા સાયબર ફ્રોડ, તથા અન્ય વિવિધ ફ્રોડના આશરે ૨૫૦૦ કરોડ રૂપિયા નુ અલગ અલગ બેન્ક ખાતાઓ અને અન્ય માધ્યમથી હેર ફેર કરી મુળ સાયબર અપરાધી સુધી પહોચાડેલ નું તપાસમાં જણાયેલ છે.


૮૫ વધુ એકાઉન્ટની અંગે તપાસ: ૫૩૫ ફરિયાદો

આ ગુનામાં હાલમાં તપાસમાં અત્યાર સુધીમાં કુલ ૩૫ જેટલી પેઢીઓ તેમજ આ પેઢીઓના બેંક એકાઉન્ટ ૮૫ ની તપાસ ચાલુ છે. ઉપરોક્ત એકાઉન્ટ ઉપર ભારત ભરના અલગ અલગ રાજયમાંથી કૂલ ૫૩૫ ફરીયાદો સાયબર ક્રાઈમ પોર્ટલ-૧૯૩૦ પર રજીસ્ટર થયેલ છે. આ ફરિયાદોમાં કુલ સાઇબર ફ્રોડની અરજદાર દ્વારા નોંધવાયેલ રકમ ૭૪ કરોડ કરતાં વધુની મળી આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application