દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચિંતાજનક રીતે વધતો કોરોના: નવા સતર કેસ નોંધાતા દોડધામ

  • April 07, 2021 07:41 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગઈકાલે મંગળવારે નોંધપાત્ર એવા ખંભાળિયાના 13 તેમજ કલ્યાણપુરમાં બે અને દ્વારકા અને ભાણવડના એક- એક મળી, કુલ 17 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વચ્ચે ખંભાળિયાના ત્રણ સહિત કુલ છ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા જિલ્લામાં 88 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચિંતાજનક મનાતા આ નવા આંકડાઓ સાથે રાજ્યમાં પણ કોરોના સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું હોવાથી આગામી દિવસોમાં લોક ડાઉન આવશે તેવી અફવાઓએ ખંભાળિયામાં ગઈકાલે આખો દિવસ વ્યાપક જોર પકડ્યું હતું. જેના કારણે ગઈકાલે શહેરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વેચતા વેપારીઓને ત્યાં મોટી સંખ્યામાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.

આટલું જ નહી, આ અગાઉના લોક ડાઉનમાં ભારે કફોડી હાલતમાં મૂકાઈ ગયેલા તમાકુ, ગુટકા, બીડીના બંધાણીઓ એ ગઈકાલે બપોરથી જ તથા આજે પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા પાન- ગુટકા વિગેરે વિક્રેતાઓને ત્યાં દોડી ગયા હતા અને જરૂરિયાત મુજબ આવી ચીજ વસ્તુઓનો જથ્થો લઈ લેવા લાઈનો લગાવી હતી. બંધાણીઓના વધતા જતા ધસારાના કારણે તમાકુના વિક્રેતાઓએ ગઈકાલે ઢળતી સાંજે દુકાનો બંધ કરી દેવાની ફરજ પડી હતી.

આમ, ખંભાળિયામાં કોરોનાના વધતા સંક્રમણએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. સાથે- સાથે લોક ડાઉન સહિતની વ્યાપક અફવાઓએ જોર પકડતાં લોકોની મુશ્કેલી બેવડાઈ છે. જો કે ગતરાત્રીના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાત્રી કર્ફ્યુ જેવા પગલાઓની અમલવારી થનાર ન હોય, લોકોએ રાહતનો દમ ખેંચ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS