જામનગર જિલ્લામાં અનલોક જાહેર થતાંની સાથે જ વેપારીઓ અને લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા

  • May 22, 2021 10:45 AM 

રાત્રી કર્ફ્યુ ભંગ-માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ અંગે ૮૫ સામે ફરિયાદ: જામનગર મહાનગરપાલિકા દ્વારા બે મહિનાના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ ભંગ અને માસ્ક અંગેના ૫,૩૮૮ કેસમાં રૂ. ૨૦.૦૮ લાખના દંડની વસુલાત

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની ગાઇડ લાઇન નું પાલન કરાવવાના ભાગરૂપે પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે, રાજ્ય સરકાર દ્વારા અનલોકની જાહેરાત કર્યા પછી વેપારીઓને વેપાર-ધંધા કરવા માટેની છૂટ આપતાની સાથે જ વેપારીઓ અને નાગરિકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા છે, અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર જીલ્લામાં જાહેરમાં માસ્ક પહેર્યા વિના નિકળનારા અને રાત્રિ કરફ્યૂ ભંગ કરનારા લોકો સામે ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનારાઓ સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ૮૫  લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં લોકડાઉનનો ભંગ કરી દુકાન ખુલ્લી રાખનારા અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ જાહેરનામાનો ભંગ કરનારા ૧૭ રેકડીચાલકો અને દુકાનદારો સામે ઉપરાંત વધુ પેસેન્જર ભરનારા ૧૨ વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે જાહેરમાં થૂકનારા ત્રણ વ્યક્તિ દંડાયા છે, આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા બે મહિના દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ અંગેના ૫,૩૮૮ કેસ કરાયા છે, અને તેઓ પાસેથી રૂપિયા ૨૦.૦૮ લાખનો દંડ વસૂલાયો છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી ગયું હોવાથી પોલીસ તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે જામનગર શહેર ઉપરાંત સિક્કા, પડાણા, લાલપુર, જામજોધપુર, શેઠવડાળા, કાલાવડ, ધ્રોલ અને જોડીયા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારો સહિત સમગ્ર જિલ્લાભરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૫ લોકો સામે માસ્ક પહેર્યા વિના નીકળવા અંગે તેમજ રાત્રિ કરફ્યૂ ભંગ કરી જાહેરનામાંના ભંગ બદલના ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં જામનગર શહેર અને જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં અન-લોકની અમલવારી શરૂ થતાં જ કેટલાક વેપારીઓ અને દુકાનમાં આવનારા ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા છે. આવા દુકાનદાર પોતાની દુકાન અથવા તો રેકડી-કેબીનમાં ભીડ એકઠી કરી જાહેરનામાનો ભંગ કરનારા ૧૭ વેપારીઓ દંડાયા છે.

જામનગર શહેરના મુખ્ય હાઈવે રોડ પર નિર્ધારિત સંખ્યા કરતાં વધુ પેસેન્જરો ભરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનારા ૧૨ વાહનચાલકો સામે પણ પોલીસ દ્વારા એફ.આઈ.આર. નોંધવામાં આવી છે, આ ઉપરાંત જામનગર શહેરમાં જાહેરમાં થુકવા અંગે એક વ્યક્તિ દંડાયો છે, તેમજ લાલપુરમાં પણ જાહેરમાં થૂકવા અંગે બે વ્યક્તિ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૮૫ સામે પગલાં ભરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. ૨૨.૪.૨૧ થી તા. ૨૧.૫. ૨૦૨૧ સુધીના બે મહિનાના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા અંગે તેમજ માસ્ક પહેર્યા વિના નીકળવા અંગેના કુલ ૫,૩૮૮ કેસ કરવામાં આવ્યા છે, અને તેઓ પાસેથી રુપિયા ૨૦,૦૮,૦૪૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS