BREAKING NEWS

ઈરાન પર પરમાણુ હુમલો થશે કે નહીં? ટ્રમ્પના અલ્ટીમેટમ વચ્ચે વ્હાઇટ હાઉસે કરી મોટી સ્પષ્ટતા

  • April 07, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રાત્રે 8 વાગ્યે (ઈસ્ટર્ન ટાઈમ મુજબ) ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવાની જાહેરાત કરી છે. આ ડેડલાઇન પહેલા જ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું હતું કે, "અમેરિકા પાસે એવા હથિયારો છે જેનો અત્યાર સુધી ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી." આ નિવેદન બાદ એવી અટકળો તેજ બની હતી કે શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો (Nuclear Attack) કરવા જઈ રહ્યું છે?


વ્હાઇટ હાઉસનો ખુલાસો
પરમાણુ યુદ્ધની વધતી જતી આશંકાઓ વચ્ચે વ્હાઇટ હાઉસે સત્તાવાર નિવેદન જાહેર કરીને તમામ અટકળોને ફગાવી દીધી છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ઈરાન પર કોઈ પરમાણુ હુમલો કરવાનું નથી. જોકે, ટ્રમ્પના આક્રમક વલણને જોતા એ નક્કી છે કે અમેરિકા અત્યંત શક્તિશાળી પારંપરિક હથિયારો દ્વારા ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને મહત્વના માળખાઓને નિશાન બનાવશે.


ટ્રમ્પની 'ટ્રુથ સોશિયલ' પોસ્ટ
ડોનાલ્ડ ટ્રમ્પે આજે ફરી એકવાર 'ટ્રુથ સોશિયલ' પર અત્યંત ડરામણી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે, "આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે, જેને ફરી ક્યારેય પાછી લાવી શકાશે નહીં. હું નથી ઈચ્છતો કે આવું થાય, પરંતુ કદાચ હવે આવું જ થશે. આજે રાત્રે આપણને ખબર પડી જશે – જે વિશ્વના લાંબા અને જટિલ ઇતિહાસની સૌથી મહત્વની ક્ષણોમાંની એક છે."


ઈરાનમાં સત્તા પરિવર્તનનો સંકેત?
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં એક રહસ્યમય વાત પણ કહી છે. તેમણે લખ્યું કે, ઈરાનમાં હવે સત્તા પરિવર્તન જેવી સ્થિતિ છે, જ્યાં વધુ સમજદાર અને ઓછા કટ્ટરપંથી લોકો હાવી થઈ રહ્યા છે. તેમણે 47 વર્ષના ભ્રષ્ટાચાર અને મોતના સિલસિલાને ખતમ કરવાની વાત કરી છે. ટ્રમ્પના આ નિવેદનથી એવા સંકેત મળે છે કે અમેરિકાનો ઉદ્દેશ્ય માત્ર હુમલો કરવાનો જ નહીં, પરંતુ ઈરાનમાં શાસન બદલવાનો પણ હોઈ શકે છે.



સમગ્ર વિશ્વ અત્યારે શ્વાસ અધ્ધર કરીને મંગળવારે રાતની રાહ જોઈ રહ્યું છે. જો ઈરાન નમતું નહીં જોખે, તો આગામી થોડા કલાકો મધ્ય પૂર્વના નકશા અને ઈતિહાસને હંમેશ માટે બદલી શકે છે. ભારત સહિત અનેક દેશોએ ઈરાનમાં વસતા પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવાની તાકીદ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application