વક્ફ કાયદાની મુખ્ય જોગવાઈઓ પર પ્રતિબંધ મુકાશે? : વચગાળાના આદેશ પર દેશની નજર

  • April 17, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા પર આજે બીજા દિવસે સુનાવણી થશે. આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 100 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે. ગઈકાલે 2 કલાક ચાલેલી સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. તે જ સમયે, તેમણે કાયદા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો. સુપ્રીમ કોર્ટે કેટલાક મુદે વકફ કાયદાની તરફેણ કરી હતી તો અમુક મુદ્દાઓ પર કડક વલણ પણ અપનાવ્યું હતું.

સુનાવણીનો પહેલો દિવસ ગરમાગરમ ચર્ચાઓ અને મહત્વપૂર્ણ અવલોકનોથી ભરેલો રહ્યો હતો. સીજેઆઈ સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. વક્ફ બોર્ડ અને સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમોના સમાવેશની જોગવાઈ પર બેન્ચે નારાજગી વ્યક્ત કરી. બેન્ચે કેન્દ્રને પૂછ્યું કે શું મુસ્લિમોને હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં સામેલ કરી શકાય છે.

સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલી હિંસા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે કેન્દ્ર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ (એસજી) તુષાર મહેતાએ કહ્યું- એવું ન લાગવું જોઈએ કે દબાણ લાવવા માટે હિંસાનો ઉપયોગ કરી શકાય છે. કોર્ટે કહ્યું કે અમે આ અંગે નિર્ણય લઈશું

કાયદા સામે દલીલ કરતા કપિલ સિબ્બલે કહ્યું, અમે એ જોગવાઈને પડકારીએ છીએ જે કહે છે કે ફક્ત મુસ્લિમો જ વકફ બોર્ડ બનાવી શકે છે. સરકાર કેવી રીતે કહી શકે કે ફક્ત તે લોકો જ વકફ બનાવી શકે છે જે છેલ્લા 5 વર્ષથી ઇસ્લામનું પાલન કરી રહ્યા છે? વધુમાં, રાજ્ય કેવી રીતે નક્કી કરી શકે કે હું મુસ્લિમ છું કે નહીં અને તેથી વકફ બનાવવા માટે લાયક છું?

સિબ્બલે કહ્યું, તે એટલું સરળ નથી. વકફની રચના સેંકડો વર્ષ પહેલાં થઈ હતી. હવે તેઓ ૩૦૦ વર્ષ જૂની મિલકતનો વકફ દસ્તાવેજ માંગશે. અહીં સમસ્યા છે. આ અંગે એસજીએ કહ્યું- વકફની નોંધણી 1995ના કાયદામાં પણ હતી. સિબ્બલ સાહેબ કહી રહ્યા છે કે મુતવલ્લીને જેલમાં જવું પડશે. જો વકફ રજીસ્ટર નહીં થાય તો તે જેલમાં જશે. આ ૧૯૯૫ ની વાત છે.

આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું, વક્ફ રજીસ્ટ્રેશન અંગ્રેજો પહેલાં થતું નહોતું.'ઘણી મસ્જિદો ૧૩મી અને ૧૪મી સદીની છે. તેમની પાસે નોંધણી કે વેચાણ દસ્તાવેજ રહેશે નહીં. આવી મિલકતોની નોંધણી કેવી રીતે કરવી? તેમની પાસે કયા દસ્તાવેજો હશે? વપરાશકર્તા દ્વારા વકફ માન્ય કરવામાં આવ્યો છે, જો તમે તેને નાબૂદ કરશો તો સમસ્યા થશે.

સિબ્બલે કહ્યું, ફક્ત મુસ્લિમો જ બોર્ડનો ભાગ બની શકે છે. હવે હિન્દુઓ પણ તેનો ભાગ બનશે. આ અધિકારોનું ઉલ્લંઘન છે. કલમ 26 કહે છે કે નાગરિકો ધાર્મિક અને સામજિક સેવા માટે સંસ્થાઓ સ્થાપિત કરી શકે છે.

આ મુદ્દે સીજેઆઈ અને એસજી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. કોર્ટે પૂછ્યું કે શું સરકાર હિન્દુ ધાર્મિક બોર્ડમાં મુસ્લિમોનો સમાવેશ કરશે? એસજીએ જણાવ્યું હતું કે, પદાધિકારી સભ્યો સિવાય, વક્ફ કાઉન્સિલમાં બે થી વધુ બિન-મુસ્લિમ સભ્યો રહેશે નહીં.

આના પર બેન્ચે કહ્યું, નવા કાયદામાં, વક્ફ કાઉન્સિલના 22 સભ્યોમાંથી, આઠ મુસ્લિમ હશે. તેમાં બે એવા ન્યાયાધીશ હોઈ શકે છે જે મુસ્લિમ નથી. આવી સ્થિતિમાં બહુમતી બિન-મુસ્લિમો હશે. આ સંસ્થાના ધાર્મિક પાત્રને કેવી રીતે બચાવશે?

સુનાવણી દરમિયાન તણાવ વધુ વધી ગયો જ્યારે મહેતાએ બેન્ચના ન્યાયાધીશો હિન્દુ હોવાનો ઉલ્લેખ કર્યો. આના પર સીજેઆઈએ કહ્યું, જ્યારે આપણે અહીં બેસીએ છીએ, ત્યારે આપણી વ્યક્તિગત ઓળખનો કોઈ અર્થ નથી. કાયદા સમક્ષ બધા પક્ષો સમાન છે. આ સરખામણી સંપૂર્ણપણે ખોટી છે.


સુપ્રીમ કોર્ટે ત્રણ મુખ્ય પાસાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી

  • વક્ફ બાય યુઝર' મિલકતોની સ્થિતિ:


કોર્ટે એ જોગવાઈ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે 'વક્ફ બાય યુઝર' મિલકતો, જેને અગાઉ કોર્ટના આદેશો હેઠળ વક્ફ તરીકે જાહેર કરવામાં આવી હતી, તે નવા કાયદા હેઠળ અમાન્ય રહેશે. ચીફ જસ્ટિસ ખન્નાએ જણાવ્યું હતું કે આવી મિલકતોને ડિનોટિફાઇ કરવાથી મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે કારણ કે ઘણી મસ્જિદો અને અન્ય ધાર્મિક મિલકતો સદીઓ જૂની છે અને તેમના પાસે ઔપચારિક નોંધણી દસ્તાવેજો ન પણ હોય. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આવી મિલકતોની સ્થિતિ, જે પહેલાથી જ વકફ તરીકે માન્યતા પ્રાપ્ત છે, તેમાં ફેરફાર થવો જોઈએ નહીં.


  • વકફ બોર્ડ અને પરિષદોમાં બિન-મુસ્લિમ સભ્યોની નિમણૂક:

નવા કાયદામાં વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ પરિષદમાં બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ કરવાની જોગવાઈ છે, જેને કોર્ટે ધાર્મિક સ્વાયત્તતાની વિરુદ્ધ ગણાવી હતી. કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું, "શું તમે હિન્દુ ધાર્મિક ટ્રસ્ટોમાં મુસ્લિમ સભ્યોનો સમાવેશ કરવાની મંજૂરી આપશો?" કોર્ટે સૂચવ્યું કે બોર્ડ અને કાઉન્સિલના કાયમી સભ્યો મુસ્લિમ હોવા જોઈએ, જોકે હોદ્દા પર સભ્યો બિન-મુસ્લિમ હોઈ શકે છે.


  • કલેક્ટરને આપવામાં આવેલી સત્તાઓ:

નવા કાયદા હેઠળ, જો જિલ્લા કલેક્ટર કોઈ મિલકતને સરકારી જમીન તરીકે ઓળખે છે, તો જ્યાં સુધી કોર્ટ તેના પર અંતિમ નિર્ણય ન આપે ત્યાં સુધી તેને વકફ મિલકત ગણવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે આ જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે કલેક્ટરની તપાસ દરમિયાન મિલકતનો વકફ દરજ્જો ગુમાવવો જોઈએ નહીં. કોર્ટે પ્રસ્તાવ મૂક્યો હતો કે કલેક્ટર તપાસ કરી શકે છે પરંતુ અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી તેની અસર લાગુ કરવામાં આવશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application