રાજકોટમાં જમીન વિવાદો અને પોલીસ પર્યાય સમા કેમ?

  • September 16, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં જમીનો સોને કી ચીડીયા જેવી છે. ઉઘાડપગા શેરીના રાજકીય કાર્યકરોથી લઈ અગ્રણીઓ સુધીના જમીન મિલકતોના ઉલ્ટા સુલ્ટા ધંધાઓમાં લાખો–કરોડોમાં આળોટતા થઈ ગયા છે. જમીનોની મધલાળ પોલીસને પણ લપટાવી લે છે. રાજકોટ શહેરમાં લાખો–કરોડોની જમીનોના વિવાદ અને પોલીસ બન્ને એકબીજાના પુરક કે પર્યાય સમા બની ગયા છે. સમયાંતરે જમીનોના મામલા ચમકતા રહે છે અને પોલીસ પર જાણે–અજાણે બદનામીના દાગ લાગતા રહે છે. અધિકારીઓ બદલાય છતાં આ સિસ્ટમ કેમ બદલાતી નથી ? થોડો સમય વિરામ બાદ ફરી જમીનોના મામલાઓમાં જૈસે થે જેવું કેમ બની રહે છે ?
રાજકોટ શહેરમાં જીવ બચાવવો સહેલો પણ જમીન કૌભાંડીયાઓની નજરમાંથી મિલકત બચાવવી અઘરી આવું એક તબકકે થઈ પડયું હતું અને રાજકોટની જમીનોના મામલે છાપ ખરડાઈ ગઈ હતી. કરોડોની જમીનના આવા વિવાદીત કિસ્સાઓ પોલીસના દરવાજા સુધી પહોંચતા રહે છે ત્યાર બાદ કઈ બાજુ પલળુ નમે તેવો જોખ થતો હોવાની પણ પોલીસની એક છાપ છે. પાંચેય આંગળીઓ સરખી ન હોય તેમ પોલીસ બેડામાં સંનિ કર્મીઓ પણ છે. સાથે ઘણાં ખરા એવા છે કે, તેઓ ખાખીના નામે ખનખનીયા કયાંથી મળે તેની જ શોધમાં હોય છે અને ખીસ્સા નહીં કોથળા ભરાઈ એવા ખનખનીયા કે લાભ જમીનોમાં જ વધુ રહેતો હોય છે. આવા લાલચુ અધિકારીઓ કે કર્મચારીઓ વિવાદીત જમીનોમાં હાથ નાખવા કે આવા કિસ્સાઓ શોધવામાં સુલટાવવામાં વધુ સક્રિય રહેતા હોય છે.
રાજકોટ શહેરમાં અગાઉ ઘણાં ખરા આવા જમીનના વિવાદો ગાજયા, કેટલાક વિવાદો બધં બારણે ધરબાઈ ગયા અને ગાજેલા કેટલાક વિવાદોએ ભુતકાળમાં પોલીસ અધિકારીઓથી લઈ કર્મચારીઓને પણ દઝાડયા હતા. બદલીઓ થઈ, સસ્પેન્શન આવ્યા નવા અધિકારીઓ આવતા રહ્યા આમ છતાં જમીનોના વિવાદો ગુંઝતા જ રહે છે. બદલાય છે તો આ વિવાદોમાં પેટર્ન કે સિસ્ટમ. કોઈ વિવાદ ગાજે તો થોડો સમય બધું શાંત થઈ જાય. ફરી જમીનોની ફાઈલો કે આવા ઉખેડા પોલીસના દફતરે અરજીઓના રૂપમાં અથવા તો કયાંક ફરિયાદો, ગુનાઓ નોંધીને તપાસના નામે વહેતા રહે છે.
તાજેતરમાં જ કુવાડવા રોડ પરની કરોડોની જમીનનો મામલો ગાજયો છે અને હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. રાજકોટ ક્ષેત્રફળ મુજબ જમીનોના વિવાદો કોર્ટ લીટીગેશનમાં કદાચીત રાયમાં ૧ થી ૩ નંબરમાં આવતું હશે. જમીનોમાં કયાંક કયાંક પાછલા બારણે રાજકીય માથાઓના પણ હિત સંકળાયેલા હોય છે અથવા આવી કરોડોની કિંમતી વિવાદીત જમીનોમાં રાજકીય અગ્રણીઓ હાથ નાખતા હોય છે અને વિવાદો સુલટાવવા માટે હાથવગુ હથીયાર એવા પોલીસનો ઉપયોગ કરતા હોવાની છાપ કે ચર્ચા છે. જયારે રાજકીય આગેવાનો જ પોલીસ પાસે ધાયુ કરાવે ત્યારે મને કમને ન કરવાનું પણ કામ કરી આપતી પોલીસને પણ જમીનોના વિવાદોમાં પડવાનો માર્ગ મોકળો થઈ જતો હોવાની પણ છાપ છે. અગાઉ અધિકારીઓ બદલાયા, સસ્પેન્ડ થયા ધાર્યુ ન હોય તેવા સજાના સ્થળે બદલીઓ થઈ પરંતુ રાજકોટમાં જમીનના વિવાદો બધં થવાનું નામ લેતાં નથી. શું ઉચ્ચ અધિકારીઓની પકકડ નહીં હોય કે પછી આવા લાખો–કરોડોના મામલામાં આખં આડા કાન થતાં હશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application