BREAKING NEWS

IPL 2026 મહાજંગ: ગિલ વિરુદ્ધ પાટીદાર! ફાઇનલના મહામુકાબલામાં હેડ-ટુ-હેડ આંકડામાં કોનું પલ્લું ભારે?

  • May 31, 2026 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે IPL 2026 નો સૌથી મોટો અને ભવ્ય મુકાબલો રમાવા જઈ રહ્યો છે. આ ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આમને-સામને ટકરાશે. આ મહાજંગમાં એક તરફ કેપ્ટન શુભમન ગિલ અને બીજી તરફ રજત પાટીદાર પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા માટે પૂરી તાકાત લગાવશે.


આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ શાનદાર પ્રદર્શન કરીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી હતી અને પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને સીધી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. જ્યારે બીજી તરફ, ગુજરાત ટાઇટન્સે બીજા ક્વોલિફાયર મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ (RR) ને માત આપીને ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી છે. આજે ટાઇટલ જીતવા માટે બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

ફાઇનલનો ઇતિહાસ અને ટીમોનો ટ્રેક રેકોર્ડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આઈપીએલની પ્રથમ સીઝનથી જ રમી રહી છે અને આ પાંચમી વખત છે જ્યારે તે ફાઇનલમાં પ્રવેશી છે. બીજી તરફ, વર્ષ 2022 થી આ લીગનો હિસ્સો બનેલી ગુજરાત ટાઇટન્સની ટીમ માત્ર પાંચ સીઝનમાં ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે. આઈપીએલના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે આ બંને ટીમો ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. જો કે, આ પહેલા બંને ટીમો વચ્ચે કુલ નવ મેચ રમાઈ ચૂકી છે.


હેડ-ટુ-હેડ આંકડામાં કોનો હાથ ઉપર?

બેંગલુરુનો નજીવો દબદબો

જો બંને ટીમો વચ્ચેના અત્યાર સુધીના આંકડા પર નજર કરીએ તો કોઈ એક ટીમ સંપૂર્ણ મજબૂત છે એવું કહેવું મુશ્કેલ છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પક્ષ થોડો ભારે દેખાય છે. IPLમાં અત્યાર સુધીમાં RCB અને GT વચ્ચે કુલ 9 મેચ રમાઈ છે, જેમાંથી બેંગલુરુએ 5 મેચમાં જીત મેળવી છે જ્યારે ગુજરાતના ફાળે 4 જીત આવી છે.

સ્કોરિંગ રેકોર્ડની વાત કરીએ તો, ગુજરાત ટાઇટન્સ સામે આરસીબીનો સૌથી મોટો સ્કોર 254 રનનો છે, જે રજત પાટીદાર અને તેની ટીમે આ જ સીઝનની ક્વોલિફાયર-1 મેચમાં બનાવ્યો હતો. જ્યારે RCB સામે ગુજરાતનો સર્વોચ્ચ સ્કોર 205 રનનો રહ્યો છે.


વર્ષ વાઇઝ બંને ટીમોનું પ્રદર્શન

વર્ષ 2022- આ સીઝનમાં બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી, જેમાં બંનેએ એક-એક મેચ જીતીને બરાબરી કરી હતી.

વર્ષ 2023- આ વર્ષે રમાયેલી એકમાત્ર મેચમાં ગુજરાત ટાઇટન્સે જીત મેળવી હતી.

વર્ષ 2024- આ સીઝનમાં બેંગલુરુની ટીમ મજબૂત સાબિત થઈ હતી અને તેણે ગુજરાત સામેની બંને મેચો જીતી લીધી હતી.

વર્ષ 2025- આ સીઝનની એકમાત્ર મેચમાં ગુજરાતે ફરી પાછી જીત મેળવી હતી.


સીઝન 2026માં બંને વચ્ચેના આંકડા

ચાલુ સીઝન (IPL 2026) માં બંને ટીમો અત્યાર સુધીમાં ત્રણ વખત સામસામે આવી ચૂકી છે. જેમાં 24 એપ્રિલે બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં વિરાટ કોહલીના 44 બોલમાં શાનદાર 81 રનની મદદથી RCB 5 વિકેટથી જીત્યું હતું, જોકે આ મેચમાં ગુજરાતના સાઈ સુદર્શને શાનદાર સદી ફટકારી હતી.

ત્યારબાદ 30 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલા બીજા મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે વળતો પ્રહાર કર્યો હતો અને 4 વિકેટથી મેચ પોતાના નામે કરી હતી. રસપ્રદ વાત એ છે કે આ બીજી મેચમાં બંને ટીમમાંથી એક પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો ન હતો. હવે આજે ત્રીજી અને સૌથી મોટી ફાઇનલ મેચમાં કઈ ટીમ ટ્રોફી પોતાના નામે કરે છે તેના પર આખા દેશની નજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application