છ મહિનામાં ન થયું એ છ મિનિટમાં થયું: અનેક બાળકોના જીવ બચશે

  • July 13, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જવાબદાર મુખ્ય સત્તાધીશનું પરિવર્તન આવતા વહીવટી કામકાજમાં ઝડપ્ની સાથે સુધારો જોવા મળી રહયો છે. દવા, સાધનો સહિતની નાનામાં નાની વસ્તુઓ માટે પણ તબીબો, સ્ટાફને જે તકલીફ પડી રહી હતી તેનો ઉકેલ આવવા લાગ્યો છે. ઝનાના હોસ્પિટલમાં પીડિયાટ્રિક (બાળકો)ના સર્જરી વિભાગમાં છ મહિનાથી એનેસ્થેસિયા ટ્રોલી ન હોવાથી બાળકોની સર્જરી સિવિલના પીએમએસએસવાય બિલ્ડીંગમાં કરવામાં આવતી હતી. અનેક વખત પીડિયાટ્રિક વિભાગના સર્જનએ તત્કાલીન સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીને આ બાબતે રજૂઆત કરી હતી પરંતુ નવજાતની બાબતમાં પણ ડો.ત્રિવેદીએ ગંભીરતા ન દાખવી છેક સુધી ટ્રોલી ન અપાવતા સિવિલમાં સુપર સ્પેશ્યાલિટી બિલ્ડિંગમાં ઓપરેશન કરી નવજાતને ત્યાંથી એમસીએચ બિલ્ડીંગમાં લઇ જવાની ફરજ પડતી હતી, આ દરમિયાન ઇન્ફેક્સન ઉપરાંત બાળક સ્ટેબલ રહે તેની પણ પૂરતી કાળજી રાખવી પડતી હતી.
આ બાબતે પીડિયાટ્રિક વિભાગ દ્વારા નવ નિયુક્ત સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાને જણાવતા તેઓએ માહિતી મેળવી એનેસ્થેસિયા ટ્રોલી મોરબી મેડિકલ કોલેજમાંથી મગાવવાની હોવાથી તેમણે તાકીદે મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે ટેલિફોનિક વાતચીત કરી હોસ્પિટલની ટિમ મોરબી મોકલી હતી અને સાંજે એનેસ્થેસિયા ટ્રોલી મોરબીથી ઝનાના હોસ્પિટલમાં આવી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એનેસ્થેસિયા ટ્રોલી ઝનાના હોસ્પિટલમાં આવી જતા હવે બાળકોની સર્જરી ત્યાં જ પીડિયાટ્રિક ઓપરેશન થિયેટરમાં કરવામાં આવશે. ગાયનેક વિભાગ પણ ત્યાં હોવાથી પ્રસુતિ બાદ નવજાતને કોઈ તકલીફ ઉભી થાય અને સર્જરીની જરૂર પડે તો ઇમર્જન્સી સારવાર મળી શકે છે. હાલ ઈન્સ્ટોલેશન પ્રકિયા હાથ ધરવામાં આવી છે આવતા અઠવાડિયાથી સંપૂર્ણ પીડિયાટ્રિક ઓટી ઝનાનામાં જ કાર્યરત થઇ જશે. મહિનાઓથી બાળકોની સર્જરી માટે જરૂરિયાત ગણાતી એનેસ્થેસિયા ટ્રોલી ડિપાર્ટમેન્ટને મળતી નહતી એ માત્ર એક ફોનથી એક જ દિવસમાં આવી જતા ડિપાર્ટમેન્ટની ટીમે સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડિયાનો આભાર માન્યો હતો. અહીં એક પંક્તિ પણ લખવી યોગ્ય લાગી રહી છે કે, ઇરાદે હો બુંલદ તો આસમાં ભી ઝુક જાતા હે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.

તત્કાલીન સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ત્રિવેદીની નિષ્ફળતા કે ઉપજ્યું નહીં ?
20 થી 25 લાખની કિંમતની એનેસ્થેસિયા ટ્રોલી સરકારના જીએમસીએલ કોર્પોરેશનમાંથી મોકલવાની હોઈ છે પરંતુ એમ.સી.એચ.બિલ્ડીંગનું વડાપ્રધાનના હસ્તે ઈ લોકાર્પણ થયા છ મહિના પછી પણ જીએમસીએલ કોર્પોરેશન ટ્રોલી મોકલી શક્યું નહીં અને આ માટે તત્કાલીન સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ત્રિવેદીએ કદાચ જરૂરી પ્રયત્નો કયર્િ હશે પરંતુ તેમના પ્રયત્નો સફળ ન થતા માસુમ નવજાતની સર્જરી સિવિલમાં કરવી પડતી હતી અને ત્યાંથી તેને એમ.સી.એચ. બિલ્ડિગમાં ટ્રાન્સફર કરવા પડતા હતા. ડો.ત્રિવેદીએ કદાચ ગંભીર મુશ્કેલીની બાબતે સરકારમાં ભાર પૂર્વક રજૂઆત કરી હોત તો ચોક્કસ પણે રસ્તો નીકળી શકયો હોત પરંતુ વિઝન અને ફુરસતનો અભાવ અને એથી એ વધુ સત્તાની આભા નડતી હોવાથી તબીબ અને સ્ટાફને તો ઠીક પણ બાળકોને તકલીફ વેઠવી પડી હતી. ત્યારે મોરબી મેડિકલ કોલેજમાં એક્સ્ટ્રા એનેસ્થેસિયા ટ્રોલી હોવાનું સુપ્રિટેન્ડેન્ટ ડો. મોનાલી માકડિયાને ધ્યાને આવતા જ માત્ર એક ફોનથી જરૂરી પ્રક્રિયા પુરી કરી પ્રશ્ન હલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application