અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર એક પોસ્ટ દ્વારા ઈરાન યુદ્ધમાં અમેરિકાની સંપૂર્ણ સરસાઈનો દાવો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાએ ઈરાનને નકશા પરથી મિટાવી દીધું છે અને નિર્ધારિત સમય કરતાં કેટલાય અઠવાડિયા વહેલા પોતાના તમામ લક્ષ્યો હાંસલ કરી લીધા છે.
ટીકાકારો અને મીડિયા પર પ્રહાર
ટ્રમ્પે તેમના નિવેદનમાં ન્યૂયોર્ક ટાઈમ્સના વિશ્લેષક ડેવિડ સેંગરની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે, "મારા નબળા વિશ્લેષકો કહે છે કે મેં લક્ષ્યો પૂરા કર્યા નથી, પરંતુ મેં તે અઠવાડિયા પહેલા જ કરી બતાવ્યા છે." ટ્રમ્પે 'નાકામ ન્યૂયોર્ક ટાઈમ્સ' હંમેશા ખોટું સાબિત થાય છે તેમ કહીને મીડિયાના રિપોર્ટિંગને ફગાવી દીધું છે.
ઈરાની સેનાની હાલત પર ટ્રમ્પનું નિવેદન
રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે ઈરાનની સૈન્ય ક્ષમતા હવે શૂન્ય સમાન છે. ઈરાનનું રાજકીય અને સૈન્ય નેતૃત્વ સંપૂર્ણપણે વિખેરાઈ ગયું છે. ટ્રમ્પના મતે ઈરાનની નૌકાદળ અને વાયુસેના હવે 'નિષ્ક્રિય' છે, એટલે કે તેઓ વળતો પ્રહાર કરવાની સ્થિતિમાં નથી. ઈરાન પાસે હવે સંરક્ષણ માટે કંઈ જ બચ્યું નથી.
સમજુતીનો ઇનકાર
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે આ સંઘર્ષને રોકવા માટે સમજૂતી કરવા માટે તૈયાર છે, પરંતુ અમેરિકા હાલમાં કોઈ પણ પ્રકારની નરમાશ બતાવવાના મૂડમાં નથી. ટ્રમ્પે લખ્યું, "તેઓ (ઈરાન) હવે સમજૂતી કરવા માંગે છે, પરંતુ હું નહીં! અમે સમય કરતા ઘણા આગળ છીએ."
રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હોર્મુઝની ખાડી અને ખાર્ગ દ્વીપ પર થયેલા હુમલાઓને કારણે વૈશ્વિક તેલ બજારમાં ભારે અફડાતફડી મચી છે. ટ્રમ્પના આ દાવાઓ બાદ હવે ઈરાન તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર આખી દુનિયાની નજર છે.