BREAKING NEWS

જામનગર : જામ્યુકોના બજેટમાં પાણી પુરવઠાના કામ, નામ બડે દર્શન છોટે..!

  • February 05, 2026 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
જામનગર મહાનગરપાલીકા દ્રારા દર વર્ષે રજૂ કરવામાં આવતા બજેટમાં મોટા ભાગના કામ દીવા સ્વપ્નો સમાન હોય છે. કારણ કે, કાં તો આ કામ વર્ષો સુધી પુરા થતા નથી અને બજેટમાં રીપીટ કરવામાં આવે છે અથવા તો એક બજેટમાં દર્શાવ્યા બાદ બીજા બજેટમાંથી ગાયબ થઇ જાય એટલે કે કરી શહેરીજનોને રીતસર મૂરખ બનાવામાં આવે છે. ત્યારે અન્ય કામોની જેમ જામ્યુકોના બજેટમાં દર્શાવેલા પાણી પુરવઠાના કામો પણ નામ બડે દર્શન છોટે જેવી હાલત છે. કારણ કે, ખૂબજ મહત્વની પ્રાથમિક સુવિધા એવા પાણી પુરવઠાના કામમાં પાણીદાર કામગીરીના અભાવે આયોજન બાદ બબ્બે વર્ષથી પ્રગતિમાં અટવાયેલા કામોથી ૫૦૦૦૦ લોકોને પાણી વિતરણ કયારે થશે તે ભગવાન જાણે તે સ્થિતિ ઉભી થઇ છે. નવાઇની વાત તો એ છે કે જામ્યુકોના સતાધીશો અને અધિકારીઓ દ્રારા જામનગરને સ્માર્ટ અને મોડેલ સીટી બને તે અનુલક્ષીને બજેટ રજૂ કરવામાં આવતું હોવાના દાવા પોકળ પુરવાર થતાં શહેરની હજુ પણ એક વિકસતા ગામડા જેવી હાલત હોય ટ્રાફીક, ગંદકી સહીતની  સમસ્યાઓના કારણે શહેરીજનો રીતસર યાતના ભોગવી રહ્યા છે. 


જામ્યુકોના વર્ષ ૨૦૨૩-૨૪ના ડ્રાફટ અંદાજપત્રમાં પાણી પુરવઠાના કામોમાં સરકારની અમૃત યોજના હેઠળ ઉંડ-૧ ડેમથી પમ્પ હાઉસ ફીલ્ટર પ્લાન્ટ સુધી ૯૦૦ એમ.એમ ડાયાની ૪૫ કીમી ડીઆઇ કે-૯ પાઇપ લાઇન નાખવાનું કામ અંદાજે રૂ.૧૨૦ કરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન છે. આ કામ પૂર્ણ થતા ઉંડ-૧ ડેમમાંથી ૨૦ એમએલડી વધારાનું પાણી મેળવી શકાશે જેથી નવી હદ વિસ્તારમાં ભવિષ્યની પાણીની ડીમાન્ડને પહોંચી વળાશે તેમ દર્શાવાયું હતું. જયારે વર્ષ ૨૦૨૫-૨૬ના ડ્રાફટ અંદાજપત્રમાં પ્રાથમિક જરૂરિયાતને પ્રાધાન્યના ઓઠા હેઠળ પાણી પુરવઠાના કામમાં ઉંડ-૧થી પમ્પ હાઉસ ફીલ્ટર પ્લાન્ટ સુધી ૯૦૦ એમ.એમ.ડાયાની ૪૨ કીમી ડીઆઇ પાઇપલાઇન નાખવાનું કામ રૂ.૧૨૧.૧૦ કરોડના ખર્ચે મંજૂર કરાયું છેે તેમ દર્શાવાયું છે. આમ એક વર્ષમાં ૧.૧૦ કરોડનો ખર્ચમાં પાછલા બારણે વધારો કરી દેવાયો છે. આટલું જ નહીં કુલ ૪૨ કીમી પૈકી હાલ સુધીમાં ૩૨ કીમી પાઇપલાઇનનું કામ પૂર્ણ થયાનું દર્શાવાયું હતું. આ કામ પૂર્ણ થતા ૨૦ એમએલડી વધારાનું પાણી મળશે અને આ કામગીરી જૂન-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનો દાવો કરાયો હતો.


આજ રીતે વર્ષ ૨૦૨૩-૨૪ના ડ્રાફટ અંદાજપત્રમાં હયાત વર્ષો જૂની પાઇપલાઇન રીપ્લેસ કરી નવી પમ્પ હાઉસથી સાત રસ્તાથી સમર્પણ ઇએસઆર તથા સાત રસ્તાથી સોલેરીયમ ઇએસઆર સધુી ૮ કીમીની ડીઆઇ પાઇપ લાઇન નાખવાનું કામ અંદાજે રૂ.૨૧.૫૦ કરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન દર્શાવી આ નવી પાઇપલાઇન નાખવાથી વોટર લોસીસ ઘટાડી શકાશે અને લીકેજીસના પ્રશ્ર્ાોનું નિરાકરણ થઇ શકશે તે દાવો કરાયો હતો. જયારે વર્ષ ૨૦૨૫-૨૬ના ડ્રાફટ અંદાજપત્રમાં આ જ કામ હાલ સુધીમાં ૬૦ ટકા જેટલું પૂર્ણ થયાનું દર્શાવી વધુ એક વખત વોટર લોસીસ અને લીકેજીસની સમસ્યાના નિરાકરણનો દાવો કરાયો હતો. 


આટલું ઓછું હોય તેમ વર્ષ ૨૦૨૩-૨૪ના ડ્રાફટ બજેટમાં ખંભાળીયા બાયપાસ પાસેના નવા ભળેલા વિસ્તારોમાં ઘેર-ઘેર પાણી નળ વાટે પાણી વિતરણ માટે નાઘેડહી વિસ્તારમાં નવો ૩૦ એમએલડીનો ફીલ્ટર પ્લાન્ટ, ૫૦ લાખ લીટર પાણીની કેપીસીટીનો સમ્પ, ૧૮ લાખ લીટર કેપેસીટીનો ઇએસઆર, પમ્પહાઉસ, પમ્પીંગ મશીનરી તેમજ ૧૫ કીમીની મુખ્ય પાઇપલાઇનનું કામ અંદાજે રૂ.૩૨.૭૪ કુરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન દર્શાવી આ કામ પૂર્ણ થતા નવા ભળેલા વિસ્તારોમાં અંદાજે ૫૦ હજાર જેટલ વસતીને શુઘ્ધ પાણી વિતરણનો દાવો કરાયો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૨૫-૨૬ના ડ્રાફટ અંદાજપત્રમાં ૫૦ લાખની બદલે ૧ કરોડ લીટર ક્ષમતાનો સમ્પ સીવાય તમામ કામ જેમના તેમ દર્શાવી આ કામગીરીનો અંદાજે રૂ.૩૫.૫૪ કરોડનો ખર્ચ દર્શાવાયો હતો. આમ ૨.૮૦ કરોડનો ખર્ચનો અંદાજ વધારી દેવામાં આવ્યો હતો. આટલું જ નહીં આ ડ્રાફટ બજેટમાં હાલમાં આ કામગીરી ૩૫ ટકા પૂર્ણ થઇ હોવાનું દર્શાવાયું હતું. 


જયારે તાજેતરમાં મ્યુનિસિપલ કમિશ્ર્નરે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં રજૂ કરેલા  વર્ષ ૨૦૨૫-૨૬ના રીવાઇઝડ અને વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ અંદાજપત્રમાં અગાઉના બે બજેટમાં દર્શાવેલા પાણી પુરવઠાના કામોમાંથી કેટલા પૂર્ણ થયા બાકી રહેતા કામની સ્થિતિ શું છે કયારે પૂર્ણ થશે તે દર્શાવાના બદલે શહેરીજનોને ઉંઘા ચશ્મા પહેરવામાં આવ્યા છે. કારણ કે, આ બજેટમાં પ્રાથમિક સુવિધાના કામો પૈકી પાણી પુરવઠાના અંદાજે રૂ .૮૭ કરોડના કામ શરૂ કરવામાં આવ્યા છે. જે અન્વયે  હાલ સુધીમાં રૂ,૬૨ કરોડનો ખર્ચ થયો છે. જેમાં મુખ્યત્વે નવા ભળેલા વિસ્તારોમાં ૩૦ કીમી ડીઆઇ પાઇપલાઇન અને વાલ્વ જોઇન્ટ રીપ્લેસમેન્ટનું કામ, રાઇઝીંગ મેઇન પાઇપલાઇનનું કામ, નવા ભળેલા વિસ્તારો માટે નાઘેડી ખાતે ૩૦ એમએલડી ફીલ્ટર પ્લાન્ટ, ઇએસઆર, સમ્પ, પમ્પીંગ મશીનરી તથા ૬ કીમી મુખ્ય પાઇપલાઇનના  કામનો સમાવેશ થાય છે અને આ તમામ કામો આયોજન અનુસાર પૂર્ણ કરવા મનપા કટીબઘ્ધ હોવાના દાવા કરી રીતસર વીંટલો વાળી દેવામાં આવ્યો છે.


આથી નવા ભળેલ વિસ્તારોમાં ૫૦૦૦૦ જેટલી વસતીને શુઘ્ધ પાણી વિતરણ કયારે થશે તે દાવા સામે સવાલો ઉભા થયા છે. નવાઇની વાત તો એ છે કે, તાજેતરમાં રાજયના મુખ્યમંત્રીને પેન્ડીંગ કામો પૂર્ણ કરવા તાકીદ કરવાની ફરજ પડી છે. આમ છતાં જામ્યુકોના બજેટમાં કામોનું પુનરાવર્તન અને હવાઇકીલ્લા સમાન આયોજન, કામો પ્રગતિમાં છે, ગ્રાન્ટ મળ્યે કામો શરૂ કરાશે તેમ દર્શાવામાં આવતા મનાપાના સતાધીશો અને અધિકારીઓની કાર્યપ્રણાલી સામે શંકા અને અનેક સવાલો ઉઠ્યા છે. 

ડ્રીકીંગ વોટરના આ કામના દાવા, કયારે શરૂ થશે અને કેટલા સમયમાં પૂર્ણ થશે તેનો કોઇ ઉલ્લેખ નહીં

--ડીઝાઇન એન્ડ ક્ધસ્ટ્રકશન ઓફ ઇન્ટેક વોલ એટ ઉંડ-૧ ડેમ વીથ પમ્પીંગ મશીનરી, ઇલેકટ્રો મીકેનીકલનું કામ રૂ.૧૦.૯૧ કરોડ
--પ્રોવાઇડીંગ, સપ્લાયીંગ, લેઇંગ એન્ડ કમીશનીંગ ઓફ ૩૦૦ એમ.એમ.ડાયા ૧૩.૬૦ કીમી અને ૪૫૦ એમ.એમ. ડાયા ૩.૨૭ કીમી ડીઆઇ પાઇપલાઇન ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટથી સ્મશાન ચોકડી સુધી તેમજ ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટથી ઠેબા ચોકડી રૂ.૩૯.૮૧ કરોડ.
--પ્રોવાઇડીંગ, સપ્લાયીંગ, લેઇંગ એન્ડ કમીશનીંગ ઓફ ૭૦૦ એમ.એમ.ડાયા ૧૮ કીમી ડીઆઇ મેઇન પાઇપલાઇન સસોઇ ડેમથી દરેડ જીઆઇડીસી રૂ.૩૬ કરોડ.
--પ્રોવાઇડીંગ, સપ્લાયીંગ, લેઇંગ મેઇન પાઇપ લાઇન એન્ડ ડીઆઇ પાઇપ લાઇન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઇન ડીફરન્ટ રીમેઇનીંગ એરીયા ઓફ સીટી એન્ડ ન્યુ ડેવલપ એરીયા ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક રૂ.૨૫ કરોડ.
--જુદા-જુદા હેડવર્કસ, ફીલ્ટર પ્લાન્ટ તથા ઇએસઆર ખાતે જરૂરિયાત મુજબ પમ્પીંગ મશીનરી તથા પેનલ તેજમ ઇલેકટ્રીકલ વર્કસ રૂ.૫ કરોડ.
--ડીઝાઇન એન્ડ ક્ધસ્ટ્રકશન ઓફ ૨૫ એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સમ્પ,ઇએસઆર,પમ્પ હાઉસ, રાઇઝીંગ મેઇન પાઇપલાઇન, પમ્પીંગ મશીનરી તેમજ ઇલેકટ્રો મીકેનીકલ કામ કર્મચારી નગર સ્ટેટ હાઇ-વે એરીયા રૂ.૨૫ કરોડ.​​​​​​​


અગાઉના પાણી પુરવઠાના કામોમાં ગોકળગાયની ગતિ,નવા રૂ૧૪૦ કરોડના કામના આયોજનના દીવાસ્વપ્નો...

જામ્યુકોના અગાઉના બજેટમાં દર્શાવેલા પાણી પુરવઠાના કામો ગોકળગાયની ગતિએ થઇ રહ્યાની સ્થિતિ ખુદ મનપાએ ચાલુ વર્ષના બજેટમાં દર્શાવેલા કામ પરથી પ્રર્વતી રહી છે. ત્યારે ચાલુ વર્ષના ડ્રાફટ બજેટમાં આગામી સમયમાં દૈનીક પાણી વિતરણ વ્યવસ્થાને મજબૂતીથી જાળવી રાખવા માટે કુલ રૂ .૧૪૦ કરોડના કામના આયોજનના દીવાસ્વપ્નો બતાવાયા છે. આટલું જ નહીં આ કામના ડીટેલઇ પ્રોજેકટ રીપોર્ટ બનાવવા માટે હાલે ક્ધસલટન્ટની નિમણૂંક કરવામાં આવી છે. આથી ક્ધસલટન્ટ ખર્ચ લટકામાં. આટલું જ નહીં આ કામ ડીપીઆરની કામગીરી થયા બાદ રાજય સરકારની ગ્રાન્ટ મેળવી ટેન્ડર કાર્યવાહી કરવાનું આયોજન છે તેમ દર્શાવાયું છે. ત્યારે કયારે ગ્રાન્ટ આવે અને ટેન્ડર બહાર પડે અને કામ શરૂ થાય તે ભગવાન જાણે તેવી સ્થિતિ સર્જાઇ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application