શિવરાજપૂર બીચમાં વોટર સ્પોટ એકટીવીટી ચોમાસાની ઋતુને ઘ્યાનમાં લઇને તંત્ર દ્વારા ચારેક મહીના માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, રાજયભરમાંથી સહેલાણીઓ શિવરાજપૂર બીચની ખાસ મુલાકાત લેતા હોય છે, અહીં ઘણી બધી વોટર સ્પોટ એકટીવીટી થાય છે, પ્રવર્તમાન ચોમાસાની ઋતુ અને સ્પોર્ટસ એકટીવીટી ધારકોના લાયસન્સની પ્રક્રિયાના પગલે ચારેક મહીના માટે સ્પોર્ટસ એકટીવીટી બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે તેમ એસડીએમ દ્વારકા અમોલ આપતે દ્વારા આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
શિવરાજપૂર બીચને ઓકટોબર-૨૦૨૦માં ડેનમાર્ક સ્થિત સ્વૈચ્છીક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન દ્વારા બ્લુ ફલેગ બીચ સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું, અહીંની સફેદ રેતી જોવા અને માણવા લાયક છે, જેથી દેશભરમાંથી ખાસ કરીને ઉનાળુ વેકેશનમાં સહેલાણીઓ આવતા હોય છે. રાજય સરકાર દ્વારા વિકાસના કામો પણ પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યા છે, સાથોસાથ પ્રવાસીઓની સલામતીનું પણ તંત્ર દ્વારા ઘ્યાન રાખવામાં આવે છે.
દ્વારકા, ઓખા, શિવરાજપૂર બીચ સહિતના દરીયામાં છેલ્લા બે દિવસથી ચોમાસાની શઆતમાં જ દરીયામાં કરંટ જોવા મળ્યો હતો, હજુ ગયા સપ્તાહે જ ગોમતીમાં કરંટના કારણે ડુબી જવાની ઘટના ઘટી હતી. તંત્ર દ્વારા ચોમાસાની પૂર્વે જ સલામતી કારણોસર અને લાયસન્સ રિન્યુ કરવાની પ્રક્રિયાના અનુસંધાને ચારેક મહીના સુધી શિવરાજપૂર બીચમાં વોટર સ્પોર્ટસ એકટીવીટી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.