જામનગર : જિલ્લાની વિવિધ શાળામાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયો
ક્વિઝ, નિબંધ, રેલી સહિત વિવિધ કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓએ મતદારોને મતદાન કરવા જાગૃત કર્યા
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને જામનગર જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી હેઠળ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડયાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટીના ભાગરૂપે લોકો માટે લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા અને મતદાનનું મહત્વ સમજાવવા માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લાની શાળાઓ જેમાં ખંઢેરા તાલુકા શાળા, ડીએચકે મુંગરા કન્યા વિદ્યાલય ધ્રોલ, યુપીવી કન્યા વિદ્યાલય જોડિયા, સતાપર કન્યા શાળા, નિકાવા તાલુકા શાળામાં ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, શપથ વિધિ તેમજ જાગૃતિ રેલી જેવા કાર્યક્રમો યોજવામા આવ્યા હતા. શપથ વિધિ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના પરિવારને મતદાન કરાવવા અંગે તથા શિક્ષકોએ નિષ્પક્ષ, નિર્ભય અને જવાબદારીપૂર્વક મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી જાગૃતિ રેલીમાં મતદાન કરો, લોકશાહી મજબૂત બનાવો જેવા સૂત્રો સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.