વોટર કાર્ડને આધાર કાર્ડ સાથે કરાશે લિંક, ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં લેવાયો નિર્ણય

  • March 18, 2025 08:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકાર મતદાર ઓળખ કાર્ડ (ID) અને આધાર કાર્ડને જોડવાની દિશામાં આગળ વધી રહી છે. મંગળવારે આ અંગે ચૂંટણી પંચ અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ના ઉચ્ચ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આગામી સમયમાં આ પ્રક્રિયાને આગળ વધારવા માટે નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવશે.


ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદાર કાર્ડને આધાર સાથે જોડવાનું કાર્ય વર્તમાન કાયદાકીય માળખા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર જ કરવામાં આવશે. અગાઉ, વર્ષ 2015માં પણ આ દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો.


પંચે વધુમાં જણાવ્યું હતું કે ભારતના બંધારણના અનુચ્છેદ 326 મુજબ, મતદાન કરવાનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ મળી શકે છે. આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખનું પ્રમાણ છે. તેથી, મતદાર ફોટો ઓળખ કાર્ડને આધાર સાથે જોડવા માટે તમામ કાયદાઓનું પાલન કરવું અનિવાર્ય છે.


જોડાણ પ્રક્રિયા શું હશે?

આ કાયદો મતદાર યાદીઓને આધાર ડેટાબેઝ સાથે સ્વૈચ્છિક રીતે જોડવાની મંજૂરી આપે છે. સરકારે સંસદમાં માહિતી આપતા જણાવ્યું છે કે આધાર અને મતદાર કાર્ડને જોડવાની પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. જો કે, આ માટે કોઈ ચોક્કસ લક્ષ્ય કે સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે જે લોકો પોતાના આધાર કાર્ડને મતદાર યાદી સાથે નહીં જોડે તેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે નહીં.


ચૂંટણીપંચે એપ્રિલ 2025 પહેલાં સૂચનો મંગાવ્યા

ભારતીય ચૂંટણી પંચ (ECI)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, મતદાર અને આધારને જોડવાનો મુખ્ય હેતુ આગામી ચૂંટણીઓ પહેલાં ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા, સમાવેશિતા અને કાર્યક્ષમતા લાવવાનો છે. ચૂંટણી પંચે 31 માર્ચ પહેલાં ચૂંટણી નોંધણી અધિકારીઓ (ERO), જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO) અને મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO)ના સ્તરે બેઠકો યોજીને સૂચનો મંગાવ્યા છે. આ પગલાંથી ચૂંટણી પ્રક્રિયાને વધુ સુગમ અને વિશ્વસનીય બનાવવામાં મદદ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application